Magazines

બાળગુનાખોરી : સમાજે આંતરખોજ કરવાની જરૂર

By GS TEAM
23 Aug 20253 mins read
બાળગુનાખોરી : સમાજે આંતરખોજ કરવાની જરૂર

- ગુનાખોરી, અરાજકતા, હત્યા, લૂંટફાટ અને બીજા તમામ દુષણો સમાજને ચારેકોરથી કોરી ખાશે. સમાજે તાકીદે આંતરખોજ કરવાની જરૂર છે 

અ મદાવાદમાં તાજેતરમાં ૧૨ વર્ષના એક છોકરાએ પોતાની જ સ્કુલમાં અભ્યાસ કરતા ૧૪ વર્ષના છોકરાની સ્કુલના કેમ્પસમાં છેડચોક હત્યા કરી નાખી. તેણે છરીના ઘા મારી દીધા, ત્યાંથી ભાગી ગયો. જે છોકરાને છરી મારવામાં આવી હતી તે અડધો કલાક સુધી સ્કુલના જ કેમ્પસમાં તરફડતો રહ્યો પણ તેની મદદ કરનાર, તેને સારવાર આપનાર ત્યાં હાજર કોઈ નહોતું. ખોટી વાત. ત્યાં હાજર બધા જ હતા પણ કોઈને કરવું નહોતું. સ્કુલનું નઘરોળ તંત્ર ઘટના ઉપર પડદો પાડવામાં વ્યસ્ત હતું, નપુંસક સિક્યોરિટી ગાર્ડ્સ આ ઘટનામાં પડવા નહોતા માગતા અને નમાલો સમાજ આંખ બંધ કરીને ફરતો હતો. 

આ એક ઘટનાની વાત નથી. તાજેતરમાં જામનગરમાં એક કેસ સામે આવ્યો જેમાં ચાર સગીરોએ ૧૦ વર્ષના બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું. આ જઘન્ય ઘટનાનો વીડિયો ઉતારીને ફરતો કર્યો. તેની પહેલાં એક કિસ્સો હતો કે, ૧૭ વર્ષના એક છોકરાએ સાઈબરફ્રોડ કર્યું હતું. અમદાવાદમાં જ એક છોકરાએ પરિવારથી મુક્ત થવા અને દૂર જવા માટે પોતાના જ પિતાની હત્યા કરી નાખી.

ગુજરાતમાં છેલ્લાં છ મહિનામાં જ ૨૦૦૦થી વધારે જુવેનાઈલ ક્રાઈમના કેસ નોંધાયા છે. આ તો માત્ર નોંધાયેલા કેસનો આંકડો છે. જે કેસ નથી નોંધાયા તેની કલ્પના પણ કરાય તેમ નથી. વાત એવી છે કે, પોલીસ, કોર્ટ, સરકાર કે તંત્ર બધું જ પછી આવે છે. સૌથી પહેલાં તો ઘર, પરિવાર અને સમાજ આવે છે. એક બાળક કેવી રીતે ઉછરે છે, તેને કેવું વાતાવરણ આપવું છે, તેની માનસિકતા કેવી ઘડાશે તે કેવો વ્યક્તિ બનશે તેની જવાબદારી પરિવારની, સમાજની અને શિક્ષણ સંસ્થાઓની છે. 

આપણે આધુનિકતાના નામે બાળકોને મોબાઈલ, ટીવી, ઓટીટી, સોશિયલ મીડિયાની સામે ધરી દીધા છે. દૂષણ દૂર રાખવું જોઈએ તેની જગ્યાએ આપણે જ આપણા સંતાનોને દુષણ સુધી દોરી ગયા છીએ. સોશિયલ મીડિયામાં આજે વલ્ગારિટી, નગ્નતા, હિંસા, ગાળાગાળી સિવાય કશું જ આવતું નથી. આ નવી પેઢી આ બધી બાબતોને કુલ ગણે છે.  વીડિયોમાં ગાળો બોલતા, છેડતી કરતા, ગંદી ભાષાનો ઉપયોગ કરતા, દારૂ, સિગારેટ, ડ્રગ્સનું સેવન કરનારા લોકોને આજની પેઢી પસંદ કરે છે. પુષ્પા, કેજીએફ અને બીજી ઘણી ફિલ્મોના હીરો તેમના રોલમોડલ છે. જે ગુનાખોરી કરે છે, જે સતત હિંસા કરે છે, જે હત્યાઓ કરે છે, દારૂ પીવે છે, છોકરીઓ ફસાવે છે અને સરકાર અને તંત્ર સામે પડીને કામ કરે છે તેવાને આપણે રોલમોડલે બનાવ્યા છે. ઓટીટી ઉપર મોટાભાગનું આવું જ કન્ટેન્ટ પિરસાય છે અને આપણે તેનો આનંદ માણીએ છીએ.

સમાજમાં જ્યારે દુષણ વકરે છે, ગુનાખોરી વધે છે અથવા તો એમ કહીએ કે જ્યારે સડો પેસે છે ત્યારે માત્ર સરકાર, તંત્ર, પોલીસ કે પછી સંસ્થાઓ જવાબદાર હોય છે તેમ માનવું ભુલ ભરેલું છે. સૌથી પહેલો વાંક આપણો પોતાનો આવે છે, સમાજનો આવે છે. કુમળીવયના બાળકો જેમને સંસ્કાર, સંવેદના, ભાઈચારો, સહયોગ શિખવવાનો છે તેમને આપણે નાચગાન, ઉછળકુદ, શોબાજી, સ્ટંટબાજી કરતા શિખવી રહ્યા છીએ. તેઓ પોતાની ગમતી કામગીરી માટે હત્યા કરવામાં પણ વિચાર કરતા નથી. આ પેઢીને સુધારવાનું કામ સમાજે હાથમાં લેવું પડશે. 

વસુધૈવ કુટુમ્બકમની ભાવનાના પાયા ઉપર રચાયેલો ભારતીય સમાજ અને તેની સંસ્કૃતિ આ વિકૃતિઓનો ભોગ બની રહી છે. આ સ્થિતિ તાકીદે સુધારવામાં નહીં આવે તો તેનું ભવિષ્ય આનાથી પણ વધારે ખરાબ અને જોખમી હશે. ગુનાખોરી, અરાજકતા, હત્યા, લૂંટફાટ અને બીજા તમામ દુષણો સમાજને ચારેકોરથી કોરી ખાશે. સમાજે તાકીદે આંતરખોજ કરવાની જરૂર છે નહીંતર સ્થિતિ એવી આવીને ઊભી રહેશે કે સમાજ વ્યવસ્થાનું જ અસ્તિત્વ જોખમાઈ જશે.