રંગ અને ડાઘ દૂર કરતાં રસાયણો
કપડાં ધોવા માટે સાબુ વપરાય છે. પરંતુ બાથરૂમ, કિચનમાં ટાઈલ્સની સ્વચ્છતા માટે બ્લીચિંગ વપરાય છે. બ્લીચિંગ બે પ્રકારનાં હોય છે. કલોરીન અને કલોરીન વિનાનાં બ્લીચિંગ ઓકસીડેટીવ એજન્ટ છે. તે અન્ય રસાયણો સાથે ઓક્સીડેશનની પ્રક્રિયા કરે છે. ડાઘ ઉપરાંત જંતુઓને પણ દૂર કરે છે. હોસ્પિટલોમાં સફાઈ માટે વપરાય છે. કપડાં ઉપરના ડાઘ અને રંગના ડાઘ પણ બ્લીચિંગ વડે દૂર થાય છે. કાગળ તેમજ કાપડ ઉદ્યોગોમાં તેનો ખૂબ જ ઉપયોગ થાય છે. કાગળને સફેદ બનાવવામાં બ્લીચિંગની ભૂમિકા મુખ્ય છે.
કપડાં ઉપરના ડાઘ દૂર કેવી રીતે થાય છે તે જાણવા માટે રંગ કેવી રીતે દેખાય છે તે જાણવું પડે. તમારા શર્ટ ઉપર ટોમેટો સોસનો લાલ ડાઘ પડયો હોય તેનો અર્થ એ કે ડાઘમાંથી લાલ રંગના કિરણો પરાવર્તીત થઈને તમારી આંખમાં આવે છે. પરંતુ ડાઘ લાલ રંગના કિરણો જ કેમ પરાવર્તિત કરે ? તેમાં કોઈ એવું રસાયણ હોવું જોઈએ. ટોમેટો કેચઅપમાં ઘણાં રસાયણો હોય છે. આ રસાયણના મોલેક્યુલ્સ લાલ સિવાયના રંગનાં કિરણોનું શોષણ કરી લે છે અને લાલ રંગને જ પરાવર્તિત કરે છે. આ પ્રકારના રસાયણો મોટે ભાગે કાર્બન અણુઓના ડબલ બોન્ડના હોય છે. આ રચના અટપટી છે. પરંતુ કલોરીન બ્લીચ આ બોન્ડને તોડી નાખે છે અને ડાઘને અદૃશ્ય કરે છે. અને ડાઘની જગ્યાએ સફંદ રંગ જોવા મળે છે. જો કે ટોમેટો સોસના રજકણો કપડાં ઉપર જેમ હોય તેમજ રહે છે તે દૂર કરવા માટે કપડાંને પાણીમાં ઝબોળવું પડે.
કલોરીન બ્લીચ જોખમી છે તે સંભાળપૂર્વક વાપરવું જોઈએ. કપડાં ઉપરથી ડાઘ દૂર કરવા કલોરીનવાળું બ્લીચ વાપરતી વખતે તેમાં પાણી ઉમેરીને વાપરવું પડે. ક્યારેક તે કાપડને નુકસાન કરે તો કયારેક કપડાંનો મૂળ રંગ પણ નાશ પામે.