ખૂબસૂરતીની ખાસિયતો .

- જેને જોતાંવેંત નજર સ્થિર થઈ જાય એવું 'ફિગર' તો જવલ્લે જ જોવા મળે, છતાં ચહેરાની ચમક, નેણ-નાકની નમણાશ અને સ્વસ્થ-સુડોળ શરીર બધાને આકર્ષે છે
કોઇ અજાણી યુવતી સામે નિષ્પલક તાકી રહેવું એકદમ વિચિત્ર કહેવાય. આમ છતાં કોઇકવાર એવું બનતું હોય છે કે આપણે ચોક્કસ યૌવનાને ટગર ટગર જોયા કરીએ છીએ. કારણ? આનું કારણ હોય છે તેનો 'પરફેક્ટ' ચહેરો. ઘણીવાર કોઇ માનુનીના નાક-નેણ આપણી આંખોમાં એવા વસી જાય છે કે તેના ચહેરા પરથી નજર ખસેડવાનું મન નથી થતું. માત્ર નેણ-નાક નહીં, તેના ઓષ્ટ, ભ્રમર અને હડપચી પણ એટલાં જ આકર્ષક હોય છે.
સ્ત્રીની ખૂબસુરતીના પણ વેગળા માપદંડ હોય છે. એક અભ્યાસ મુજબ આકર્ષક યૌવનનાની આંખોની પહોળાઈ તેના સમગ્ર ચહેરાની પહોળાઈના ૩/૧૦ જેટલી હોવી જોઈએ. નાક આખા ચહેરાના ક્ષેત્રફળ કરતાં પાંચ ટકા જેટલું નાનું હોવું જોઈએ.
મોટી મોટી આંખો, નમણું નાક, નાનકડા હોઠ ધરાવતા ચહેરાને 'બેબી ફેસ' કહેવામાં આવે છે. આવો ચહેરો 'ક્યૂટ'નું બિરૂદ પામે છે. તેવી જ રીતે ધનુષ જેવી ભ્રમર, લોભામણું સ્મિત અને મોટી આંખો ધરાવતી નારી પણ પળભરમાં જોનારના મનમાં વસી જાય છે. મનોવૈજ્ઞાાનિકો કહે છે કે સ્ત્રીઓના ચહેરા સાથે બે બાબતો જોડાયેલી હોય છે, એક સુંદરતા અને બીજી વિલક્ષણતા. આકર્ષક નાક-નેણ એટલે સુંદર ચેહરો અને નોખો તરી આવે એવો ચહેરો એટલે વિલક્ષણતા.
યૌવનમાં ડગ માંડતી કન્યાની સુંદરતા તેની ચરમસીમાએ હોય છે. તેથી જ આપણે ત્યાં સૌંદર્યમયી યુવતીને 'સોળ વર્ષની સુંદરી' કહેવામાં આવે છે. આ વયમાં કન્યા ખિલતા કમળ જેવી લાગે છે. લગભગ ૩૭ સમુદાયો પર કરવામાં આવેલા અભ્સાય મુજબ મોટાભાગના પુરુષો પોતાના કરતાં અઢી વર્ષ નાની યુવતીને જીવનસાથી બનાવવાનું પસંદ કરે છે. જોકે જુદી જુદી સંસ્કૃતિમાં તેના માપદંડ અલગ અલગ જોવા મળે છે. આફ્રિકી દેશ નાઇજિરિયા અને જાંબિયાના પુરુષો પોતાના કરતાં છથી સાત વર્ષ નાની કન્યા સાથે પરણવાનું પસંદ કરે છે.
યુવતીઓની ખૂબસુરતીમાં ગોરી ત્વચા સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. આ રંગનું આકર્ષણ જેટલું સદીઓ પહેલાં હતું એટલું આજેય છે અને આવતીકાલે પણ રહેવાનું છે. એશિયાના પૂર્વી ભાગોમાં, ખાસ કરીને દક્ષિણ-પૂર્વ એશિયામાં હંમેશાં ગોરો રંગ પસંદ કરવામાં આવે છે. પૂર્વના દેશોમાં તો ગોરો રંગ સૌંદર્યનો મુખ્ય માપદંડ છે. તેથી જ ત્યાં ત્વચાનો રંગ નિખારતી ક્રીમ સૌથી વધુ વેચાય છે. મલેશિયામાં ૪૮ ટકા યુવતીઓ આવી ક્રીમનો ઉપયોગ કરે છે. મઝાની વાત એ છે કે જેવી રીતે ગોરી યુવતીને સુંદર માનવામાં આવે છે, તેવી રીત શ્યામવર્ણા યુવકને સોહામણા ગણવામાં આવે છે.
શારીરિક સૌંદર્યમાં ત્વચાના રંગનું જેટલું મહત્ત્વ છે એટલો જ અગત્યનો છે તેનો બાંધો. સ્ત્રીના બાંધાને સૌંદર્યની દ્રષ્ટિએ ચાર ભાગમાં વહેંચી નાખવામાં આવ્યો છે. બનાના એટલે કે કેળા, એપલ એટલે કે સફરજન, પેર એટલે કે નાસપતિ અને આવર ગ્લાસ એટલે કે રેતઘડી.
એપલ આકારમાં માનુનીના ખભા અને વક્ષ:સ્થળ પહોળા હોય છે અને નિતંબ પાતળા હોય છે. આવો બાંધો ધરાવતી સ્ત્રીઓના શરીરમાં એંડ્રોજનનું સ્તર વધુ હોવાથી તેમના દેહની સંરચના થોડાગણા અંશે પુરુષો જેવી હોય છે. તેમના ચહેરા, વક્ષ અને પેટ ભરાવદાર હોય છે.
જ્યારે બનાના આકારનો દેહ ધારવતી માનુનીનઈ કમરનું માપ નિતંબ અને વક્ષસ્થળ કરતાં નવ ઇંચ જેટલું ઓછું હોય છે. તેમના શરીરમાં એસ્ટ્રોજનની તુલનામાં એન્ડ્રોજનનું સ્તર ઊંચું હોવાથી તેમનો બાંધો પણ વત્તાઓછા અંશે પુરુષો જેવો લાગે છે. આવા ફિગરમાં ચરબી પેટ, નિતંબ, વક્ષ અને ચહેરા પર જામે છે.
પેર શેપમાં નિતંબનું માપ વક્ષસ્થળ કરતાં વધારે હોય છે. આવો દેહાકાર ધરાવતી માનુનીના શરીરમાં પેટના ઉપરના ભાગમાં અને કમર પર ચરબી જામે છે.
જ્યારે આવર ગ્લાસ આકારમાં માનુનીની કમર છાતી અને પેટની તુલનામાં ઘણી પાતળી હોય છે. યુવતીનો આ પ્રકારનો બાંધો સૌથી આકર્ષક માનવામાં આવે છે.
સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે સેક્સ અપીલ માત્ર સ્ત્રીઓ સાથે જોડાયેલી હોય છે. પણ આ માન્યતા તદ્દન ખોટી છે. આકર્ષક બાંધો ધરાવતા પુરુષો પણ એકદમ સોહામણા લાગે છે. એમ કહેવાય છે કે અંગ્રેજી 'વી' આકારનું ધડ ધરાવતા પુરુષ એકદમ આકર્ષક લાગે છે. આવા પુરુષોની કમર પાતળી, ખભા પહોળા અને છાતી માંસલ હોય છે. 'વી' આકારના પુરુષો મર્દાનગીના પ્રતિક ગણાય છે. પુરુષના શરીરમાં થતો ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સનો સામાન્ય સ્ત્રાવ તેને આકર્ષક બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ સામાન્ય કરતાં ઓછો સ્ત્રાવ તેની ઉંચાઇને અસર કરે છે. મોટાભાગની પામેલાઓને ઉંચા પુરુષો જ આકર્ષક લાગે છે.
પુરુષની છાતીના વાળ ઘણી સ્ત્રીઓને અપીલ કરે છે, જ્યારે કેટલાંક દેશની સ્ત્રીઓને છાતી પર વાળ ધરાવતા પુરુષ નથી ગમતા. ચીન, કેલિફોર્નિયા અને ન્યુ ઝીલેન્ડની સ્ત્રીઓને છાતી પર વાળ ન હોય એવા પુરુષો ગમે છે. જ્યારે બ્રિટન અને શ્રીલંકાની મહિલાઓને છાતી પર થોડાં વાળ ધરાવતા પુરુષો ગમે છે.








