Magazines

ચારિત્ર્ય એકાંતમાં પરખાય છે .

By GS TEAM
27 May 20265 mins read
ચારિત્ર્ય એકાંતમાં પરખાય છે                                   .

- આજના સમયમાં શીલ, સદાચાર અને પ્રામાણિકતા પ્રત્યેની સાવધતા ઓસરી ગઈ છે. સુખ-સગવડથી ધરાયેલા માણસો પણ બેફિકર થઈ 'હું'પણાના નશામાં ચકચૂર લાગે છે. નસીબમાં સુખ મળ્યું છે તો શા માટે ના ભોગવવું? ખાવા પીવા, ફરવા કે ઇન્દ્રિય સુખની તક મળી છે તો શા માટે જતી કરવી? 

નંદબાવા ગોકુળના મહાવનમાં રહેતા હતા. તેમને ત્યાં સુનંદ નામનો એક મુખ્ય ગોપાલક હતો. નંદરાયજી પાસે અસંખ્ય ગાયો હતી. શ્રીમદ્ ભાગવતના દસમસ્કંધના પાંચમા અધ્યાયમાં કૃષ્ણજન્મના મહોત્સવ પ્રસંગે અતિ આનંદમાં તેણે અલંકારોથી સારી રીતે શણગારેલી 'બે લાખ' ગાયો તો દાનમાં આપી હતી. નંદબાવાની ગાયોની સંભાળ રાખવાનું, તેમને ચરાવવા લઈ જવાનું કામ વત્સપાલ સુનંદના માથે હતું. માતા તેના બાળકને સ્પર્શ કે ગંધથી ઓળખી લે એટલી સહજતાથી સુનંદ દરેક ગાયોને તેમના હાવભાવ પરથી ઓળખી લેતો. સુનંદ રોજ પ્રાતઃકાળે તૈયાર થઈ પોતાના સાથે ગોપાલકો સાથે ગાયો ચરાવવા લઈ જતો. એક દિવસ નિત્યક્રમ મુજબ તે વનમાં જતો હતો ત્યારે કંસનો એક માણસ રસ્તામાં મળી ગયો. આમ તો નંદબાવા જાતે કંસને વાર્ષિક કર (ટેક્સ) ચુકવવા મથુરા જતા, તો પછી કંસનો કારભારી અત્યારે ગોકુળમાં શું કરી રહ્યો હતો ! સુનંદે તેનું અભિવાદન કર્યું. કારભારી  હસતાં હસતાં નજીક આવ્યો. આડીઅવળી વાતો કરીને તેણે સુનંદને ફોસલાવ્યો. 'સુનંદ, તારી પાસે લાખો ગાયો છે. શું તું મને એમાંથી દસ-પંદર દુધાળી ગાયો આપીશ ? બદલામાં હું તને મથુરા નગરના સોનાના સિક્કા આપીશ.' સુનંદે કહ્યું, 'માફ કરજો. પણ આ ગાયો મારી નથી. નંદરાયજીની છે.' કારભારીએ તરત કહ્યું, 'એ હું જાણું છું. પણ તારે ફક્ત દસ-પંદર ગાયો જ આપવાની છે. આટલી ગાયો ઓછી થાય એમાં નંદને શું ખબર પડવાની છે ? અને તું સમજ ! તારે ઉંમરલાયક બે કન્યાઓ છે. હું જે સિક્કા આપીશ એમાંથી એ કન્યાના વિવાહનો ખર્ચ આસાનીથી નીકળી જશે ! તું મારી વાત માને તો થોડા વધારે સિક્કા આપીશ.' સુનંદ તેની કપટી દાનત પારખી મર્માળુ હસ્યો. કારભારી સુનંદને મૌન ઉભેલો જોઈ આગળ વધ્યો. 'જો સુનંદ, આ વનમાં તારા અને મારા સિવાય કોઈ નથી. અહીં એકાંતમાં આપણને જોનાર કોઈ નથી. તું નંદનો વિચાર છોડ - તારો વિચાર કર...!! આટલી મહેનત પછી નંદે તને શું આપ્યું છે ? મારી વાત માન, હું તને તું માંગીશ એટલા સિક્કા આપીશ.' ત્યારે સુનંદે કહ્યું, 'તમે કહો છો એ વાત સાચી છે. અહીં આપણા બે સિવાય કોઈ નથી. આપણને જોનાર કે આપણી વાતો સાંભળનાર કોઈ નથી. પણ ભાઈ, મારો આતમરામ બધું જુએ છે. બધું જાણે છે. હું સોનાના સિક્કા માટે તમારી પ્રપંચી વાત સ્વીકારી, ચારિત્ર્યભંગ ના કરી શકું. હું ગોપાલક છું, ગાયને માતા સમજું છું. અને કોઈ પોતાની માતાનો સોદો ના કરે. માફ કરજો. મારી ગાયો અને સાથીઓ આગળ વધી ગયાં છે. મને જવા દો. જય... જય..' કપટી કારભારી ચારિત્ર્યશીલ વત્સપાલને જતાં જોતો જ રહ્યો. સદાચારી સુનંદ સામે તેનો પ્રપંચ કામ ના લાગ્યો.

જીવન જ્યારે ચારિત્ર્યઘાતક ઘટનાઓમાંથી પસાર થતું હોય ત્યારે મનને અંકુશમાં રાખવું કપરું છે. એમાંય લોભ, લાલચ અને ઇચ્છિત ઇન્દ્રિય સુખનું આકર્ષણ નજર સામે હોય ત્યારે નિરંકુશ મન સહેલાઈથી વચન અને વિવેક ચૂકી જાય છે. ઉત્તેજિત કામના ચારિત્ર્યગઠનની ભાવનાને નબળી પાડે છે. એકાંતમાં માણસ ભલે એકલો હોય, એકલવાયો નથી હોતો. તેના વિચારો, તેની વૃત્તિ, તેની રૂચિ, તેની કામના તેની સાથે જ હોય છે. સદાચારમાં જીવનના સારભૂત તત્વને વધારવાની, તેનું રક્ષણ કરવાની શક્તિ રહેલી છે. વૈશાખી ઋતુમાં લૂ વરસતી હોય છતાં ગુલમહોર રાતું-પીળું થઈને અડીખમ ઊભું રહી હવામાં ઝૂલતું રહે છે એમ સદાચારી વ્યક્તિ ગમે તેવા સંજોગોમાં અચળ રહે છે.

એક નગરશેઠે બાજુના ગામમાં રહેતા પોતાના મિત્રની ભલામણથી એક અક્ષરજ્ઞાની બેકાર યુવાનને પોતાના ફળની વાડી અને આંબાવાડિયાની રખેવાળીનું કામ સોંપ્યું. યુવાન સંસારી હોવા છતાં વિરક્ત જીવન જીવતો. વાડીના રસ્તેથી પસાર થતા લોકોએ ઘણીવાર તેને ભજનો ગાતાં સાંભળ્યો હતો. તે વાડીની ઝૂંપડીમાં રહેતો. રખેવાળી કરતાં કરતાં પ્રભુ સ્મરણ કરતો. એક દિવસ નગરશેઠ તેમના મિત્રો સાથે વાડીમાં આવ્યા. આંબા પર લટકતી પાકી કેરીઓ જોઈ શેઠે રખેવાળને થોડી મીઠી કેરીઓ તોડી લાવવા કહ્યું. ખાટલા ઢળાયા. કૂવાના મીઠા જળના માટલાં મૂકાયા. સૌ આરામથી બેઠા. રખેવાળ છાબડીમાં કેરીઓ તોડી લાવ્યો. સૌએ કેરીઓ ચાખી. પણ કેરીઓ ખાટી હતી. શેઠ ગુસ્સે થયા. 

'તું આટલા વખતથી વાડીમાં રહે છે છતાં એટલી ખબર નથી કે કયા આંબાની કેરી ખાટી છે અને કયા આંબાની મીઠી ?' રખેવાળ અદબથી ઊભો રહ્યો. શેઠે ફરી પૂછયું ત્યારે રખેવાળે કહ્યું, 'માફ કરજો શેઠ. પણ મને શી ખબર કયા આંબાની કેરી ખાટી છે અને કઈ મીઠી ? હું તો વાડીનો રખેવાળ છું. રખેવાળી કરવી મારું કામ છે. ફળ ખાવાનો મારો અધિકાર નથી. હું આપની રજા વગર કોઈપણ ફળ કઈ રીતે ચાખી શકું ?' ત્યાં બેઠેલા સૌ અચરજ પામ્યા. શેઠ યુવાનની પ્રામાણિકતાથી મુગ્ધ થઈ ગયા. ત્યારબાદ શેઠે તેને રખેવાળી છોડાવી હિસાબનીશના પદસ્થાને ગોઠવી દીધો.

આજના સમયમાં શીલ, સદાચાર અને પ્રામાણિકતા પ્રત્યેની સાવધતા ઓસરી ગઈ છે. સુખ-સગવડથી ગળા સુધી ધરાયેલા માણસો પણ બેફિકર થઈ 'હું' પણાના નશામાં ચકચૂર લાગે છે. આવા સંજોગોમાં માણસ જાતે જ પ્રશ્ન પૂછી જાતે જ તેના જવાબો મેળવી સંતોષ પ્રાપ્ત કરી લે છે. નસીબમાં સુખ મળ્યું છે તો શા માટે ના ભોગવવું ? ખાવા પીવા, ફરવા કે ઇન્દ્રિય સુખની તક મળી છે તો શા માટે જતી કરવી ? જે દુઃખી છે તે એમના કર્મોથી દુઃખી છે. એમાં મારે શું ? ભગવાન ખૂની, ગુનેગાર, ભ્રષ્ટાચારી કે આતંકવાદીઓને દેખીતી સજા નથી કરતા તો ખાનગીમાં જરૂરિયાત પૂરતું અનિષ્ટ કરવામાં શી મોટી સજા મળી જવાની છે ? અધર્મ કરીને કંઈક મેળવી લઉં તો કયું મોટું પાપ લાગી જવાનું છે ? એવું તો આખી દુનિયા કરે છે. જે બધાનું થશે એ મારું થશે !!

આવા સ્વાર્થી કે અધર્મી વિચારોથી ચારિત્ર્યનો પિંડ બંધાતો નથી. ચારિત્ર્યવાન બનવા માટે છટકબારી ના શોધાય. અને સદાચારી થવા અલગ અભ્યાસક્રમ કે કોઈ ડીગ્રી નથી હોતી. એ તો સ્વયંભૂ જાગૃત થવાથી બનાય છે. એના માટે જરૂર છે કરૂણાસભર હૃદયની. નિસ્વાર્થ ભાવનાની. ખોટી ઇચ્છાપૂર્તિના આક્રમણ સામે જાગૃત થવાની. જેના જીવન બગીચાની ચારેબાજુ ચારિત્ર્યની વાડ બંધાયેલી હોય તેનું જ જીવન લીલુંછમ અને સુગંધીદાર રહે છે.

- સુરેન્દ્ર શાહ