Get The App

વ્રજવાસીઓની રક્ષા માટે ભગવાન શ્રીકૃષ્ણે ટચલી આંગળીએ ગોવર્ધન તોળ્યો

Updated: Nov 20th, 2019

GS TEAM

Google News
Google News
વ્રજવાસીઓની રક્ષા માટે ભગવાન શ્રીકૃષ્ણે ટચલી આંગળીએ ગોવર્ધન તોળ્યો 1 - image


આપણી ભારતીય સંસ્કૃતિ અનેક બાહ્ય સંસ્કૃતિ સાથે સેળભેળ થઈ ગઈ છે. પરિણામે મૂળ દેવતાઓ ક્યા છે તેને ઓળખવાનું કોઈ સાધન આપણી પાસે નથી. આપણે પૂજતા દેવતાઓ કે જે વેદદેવતાઓ તરીકે સ્થાન આપ્યા છે તે અને સ્થાનિક લોકદેવતાઓ આ બંને દેવતાઓને બેયમાં પરસ્પરમાં એકરૂપ કરવાની પ્રક્રિયા વૈદિકયુગમાં જ થઈ છે.

આ દેવતાઓને સાથે રાખીને માનવ પોતાના જીવનને ધન્ય ગણે છે. આ દેવતાઓના ઉત્સવો પણ ઉજવાય છે. કારણકે માનવજીવનને આનંદમય રાખવા માટે ઉત્સવો જ અગત્યનો ભાગ ભજવતા હોય છે. પ્રાચીન સમયમાં જે ઉત્સવો થતાં હતાં તેમાં લોકોની આંતરિકભાવના ભળતી હતી. આત્માનો આનંદ જ ઉત્સવોને વધારે દેદીપ્યમાન બનાવતો હતો.

ભારતીય પ્રાચીન ગ્રંથોમાં આવા ઉત્સવો જોવા મળે છે. તેમાં સૌથી મોટા ઉત્સવ તરીકે ઇન્દ્રનો ઉત્સવ ગણાતો હતો. ત્યાર પછી ગિરિમહાયજ્ઞા એટલે ગોવર્ધનપૂજા ઉત્સવનું સ્થાન આવતું હતું. ઇન્દ્રમહને 'શક્રમહ' કહ્યો છે. હરિવંશમાં ઇન્દ્રોત્સવનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ થયેલો છે. તે કાળના રાજા-મહારાજાઓ અને સમગ્ર પ્રજા ઇન્દ્રિદેવનું પૂજન કરતાં હતા. આ પૂજનનું કારણ એ જ હતું કે કૃષિપ્રધાન જીવનવ્યવસ્થા સાથે ઇન્દ્રનો સંબંધ હતો.

કારતક મહિનાના પ્રથમ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ ગોવર્ધનપૂજા કરી હોવાથી પ્રતિ વરસે આજે પણ એ સ્મૃતિરૂપે વ્રજમાં વૈષ્ણવો દ્વારા ગિરિરાજ ઉત્સવ અને અન્નકૂટ ઉત્સવ મનાવાય છે.

ઇ.સ.પૂર્વે ૩૨૨૧ને કારતક સુદિ પ્રતિપદા (એકમ)ના દિવસે માત્ર સાત વર્ષની બટુક ઉંમરે શ્રીકૃષ્ણએ ગોવર્ધનપર્વત પોતાની ટચલી આંગળીએ ઊંચકી વ્રજવાસીઓને ઇન્દ્રના કોપથી બચાવ્યા હતા.

ગિરિરાજ પર્વત એ ઠાકોરજીનું જ એક સ્વરૂપ છે અને તે ઠાકોરજીના અંગમાંથી પ્રગટ થયો છે. તેથી તેનો રંગ મેઘશ્યામ છે. આ સ્વરૂપ એટલે : ઘનીભૂત રસાત્મૈષા સર્વાગીણશ્રમમ્બુભિ : । ઠાકોરજીનાં હૃદયમંડળમાંથી પોતાની પ્રાણેશ્વરી, શ્રી રસેશ્વરી રાધિકાને માટે જે પ્રેમરસ વહ્યો તેનું ધનીભૂત સ્વરૂપ તે ।। ગોવર્ધન રૂપે ।। ઓળખાયું.

જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામ વનમાં રહેતા હતા ત્યારે ચોમાસું પૂરું થયે એમણે સાંભળ્યું કે વ્રજના ગોવાળો ઉત્સવની મોજ માણવા માટે 'શક્રમહ' ઉત્સવની તૈયારી કરી રહ્યા છે. એ પુરાતનકાળમાં આ 'ઇન્દ્રોત્સવ' પ્રૌષ્ઠપદ એટલે ભાદરવા મહિનાના શુક્લપક્ષમાં ઊજવાતો હતો. ભાદરવા સુદિ-૧૨ને ઇન્દ્રાદ્વાદશી કહેવાતી હતી.

ત્રિલોકનો નાથ બધું જ જાણે છે, છતાં તેણે ગોપગ્વાલોને પૂછયું: 'આ બધી શેની તૈયારી ચાલે છે ? અને આ શક્રમહ શું છે ?' કનૈયાના આવા સવાલના જવાબરૂપે એક ઘરડા ગોવાળે કહ્યું:' કાના ! આજની આ તૈયારી ઇન્દ્રમહની છે. ઇન્દ્રરાજા આપણા સૌના દેવતા છે અને એ જ વરસાદ મોકલે છે. સૂર્ય-ચંદ્રને પણ એ જ પ્રકાશિત કરે છે. ધનધાન્યનું એ જ પોષણ કરાવે છે. આ ઇન્દ્રયજ્ઞાને ' શક્રમહ' કહેવાય છે.'

ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું:' ઇન્દ્રરાજાનો યજ્ઞા ન કરવો એમ હું નથી કહેતો. પણ ઇન્દ્રથી પણ કોઈ મોટી શક્તિ છે. જે આપણને જીવાડે છે. આપણું પાલનપોષણ કરે છે અને આપણું રક્ષણ કરે છે. અને એ શક્તિ ગોવર્ધન પર્વતરૂપે વિહરી રહી છે. આપણે સૌ ગોવર્ધનથી જીવિકા ચલાવનારા વનચારી ગોવાળો છીએ. ગાયો આપણી દેવતા છે. પર્વતો આપણા દેવતા છે આપણા જીવનનિર્વાહ માટે ગાયો જ આપણું સર્વસ્વ છે. પહાડો તો આપણો સાચો આશહારો છે. એજ આપણું રક્ષણ કરે છે.'

મંત્રયજ્ઞાપરા વિપ્રા: સીતાયજ્ઞાશ્વ કર્ષકા :।

ગિરિયજ્ઞાાસ્તથા ગોપા ઇજયોસ્માભિર્ગિરિર્વને ।।

( હરિ ૨-૧૬-૯)

આ શ્લોકમાં એવો ચોખ્ખો ઉલ્લેખ છે કે બ્રાહ્મણ જેમ મંત્રો દ્વારા યજ્ઞા કરે છે તેમ ખેડૂતો હળદ્વારા સીતાયજ્ઞા (ખેતીકામ) કરે છે અને ગોપાલકો સૌ ગોપાલન દ્વારા ગિરિયજ્ઞા કરે છે.

કનૈયાની આવી ડાહી વાતો સાંભળી ગોપાલક ગોવાળિયાઓએ એનું સમર્થન કર્યું ને કહ્યું કે- હવે તો ગિરિયજ્ઞા જ થશે. શુક્રમહ ભલે પડયો રહે. ગાયો અને ગોવાળોના હિત માટે આ યજ્ઞા જ ઉત્તમ છે.

આસો વદિ અમાસની રાત્રિએ બધા વ્રજવાસીઓ ગિરિરાજ તળેટીમાં પહોંચી ગયા. એ પૂર્વે તેઓએ ગિરિરાજની પૂજા 

માટે ભાતભાતના પકવાનો, ખીર, શીરો, માલપૂડા, મગની દાળ તથા વ્રજની તમામ ગાયોનું દૂધ એકઠું કરી સૌ સાથે લાવ્યા હતા.

આસો વદ અમાસની રાત્રિએ કાનુડાએ જાગરણ કર્યું હતું ને ગોવાળોને ઊંઘ ન આવે તે માટે તળેટીમાં લઘુરાસ રમ્યો હતો. ગોપાલકોએ પોતપોતાની સામગ્રી ગિરિરાજની ચારે બાજુ ખડકી દીધી. ગિરિરાજ અન્નથી ઢંકાઈ ગયો હતો.

વેદના બ્રાહ્મણો દ્વારા પ્રથમ વેદયજ્ઞા કર્યો. પછી ભેગી કરેલી સામગ્રી ગિરિરાજને આરોગાવી. બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવ્યું. ગાયોને લીલું ઘાસ નીર્યું. પછી બધી ગાયોને આગળ કરી સૌએ ગિરિરાજની પ્રદક્ષિણા શરૂ કરી.

ગોપાલક વ્રજવાસીઓને વિશ્વાસ બેસાડવા ભગવાને એક બીજો વિશાળ દેહ ધારણ કરી તે ગિરિરાજમાં પ્રગટ થયા ને બોલ્યા : 'હે વ્રજવાસીઓ ! હું પોતે જ ગિરિરાજ છું. તમારી સેવાથી પ્રસન્ન થયો છું.'

આંગળીના વેઢા જેવડા એક બાળકે આદિકાળથી ચાલી આવતી ઇન્દ્ર પૂજાયજ્ઞા કરવાને બદલે ગિરિરાજયજ્ઞા કરી આ પ્રથા ઉપર પાણી ઢોળ્યું છે એમ વિચારી ઇન્દ્ર કોપાયમાન થયો ને તેણે વરુણ તથા પ્રલય જન્માવનાર એવા 'સાર્વત્રક' મેઘને વ્રજનો વિનાશ કરવા મોકલ્યા.

સાર્વત્રક પ્રલયકારી મેઘે વ્રજભૂમિ ઉપર તરખાટ મચાવી દીધો. સાંબેલાધારે વરસતા પ્રલયકારી મેઘની વિનાશકારી લીલાએ વ્રજભૂમિનો વિનાશ કરવાનું શરૂ કરી દીધું. ગોપાલકોના ઘર પવનના સૂસવાટે ઉડવા લાગ્યા. ગાયો તણાવા લાગી સંપત્તિઓનું નુકશાન થવાં લાગ્યું. આવું તાંડવ જોઈને વજ્રવાસીઓ ભગવાનને શરણે આવ્યા ને બોલ્યા : હે કાના ! અમારું રક્ષણ કરો. અમને ઉગારો.

તસ્માત મચ્છરણં ગોષ્ઠ મન્નાર્થ મત્પ્રરિગ્રહમ ।

ગોપાયે સ્વાત્મયોગેન સોડયં મે વ્રત આહિત :।

અર્થાત્ : ગોકુળ જેનું શરણ છે, અથવા આશ્રય છે (એટલે કે ભગવાનનો જ આશ્રય છે) જેનો હું રક્ષક છું. જેનો પરિગ્રહ મેં કરેલો છે તેનું હું આત્માથી રક્ષણ કરીશ. કારણકે પહેલાંથી જ મેં એ વ્રતનો સ્વીકાર કરેલો છે.

ભગવાન જેનું શરણ છે તેવા વ્રજવાસી ગોવાળો અને ગાયો વગેરેને આશ્રયજ્ઞાાન નથી, પરંતુ ભગવાનનો જે આશ્રય લે છે તેનું રક્ષણ કરવા ભગવાન સ્વયં સાબદા થઈ જાય છે.

ઇન્દ્રની વિનાશકારી લીલાથી વ્રજવાસીઓને ઉગારવા ભગવાન પોતે સાબદા થયા. અને ધરતી સાથે ઘરબાયેલો ગિરિરાજપર્વત જેમ નાનું બાળક લખોટી ઉપાડી લે તેમ ગિરિરાજને જમીનમાંથી ઉખેડી કાઢી ટચલી આંગળી વડે અધ્ધર કરી વ્રજવાસીઓને કહ્યું :

'હે વ્રજવાસીઓ ! તમે તમારી ગાયોને લઈને પર્વત નીચે આવી જાઓ. તમે બીક ન રાખશો કે આ પર્વત પડશે અને સૌ દબાઈ જશે. તમને ઉગારવાનો આ એક જ રસ્તો છે. માટે બધાં નીચે આવી જાઓ. ગિરિરાજ એ આપણો દેવ છે એ જ તમારૂં રક્ષણ કરી શકે તેમ છે.'

સૌ વ્રજવાસીઓ પોતપોતાનું પશુધન લઈને ગિરિરાજ નીચે આવી ગયા. ભગવાને સાત દિવસ સુધી ગોવર્ધન પર્વત પોતાની ટચલી આંગળી વડે અધ્ધર તોળી રાખ્યો ત્યારે ઇન્દ્રનું ગુમાન ગળી ગયું. તેણે સાંવર્તક મેઘને રોકી દીધોને ઇન્દ્રે ભગવાનના ચરણોમાં સ્પર્શ કરી ભગવાનને ઇન્દ્રલોકમાં પધારવા આમંત્રણ આપ્યું.

વર્તમાન સમયમાં વ્રજમંડળમાં ગોવર્ધનનો જે મેળો ગોવર્ધનયાત્રાને નામે પ્રસિદ્ધ છે એનું મુખ્ય અંગ ગિરિરાજ પર્વતની સાત ગાઉની પરિક્રમા પ્રદક્ષિણા છે.

ગિરિમહ કે ગિરિયજ્ઞા નામનો ઉત્સવ ગોપાલના પર લોકજીવનની પરંપરાનું મંડાણ જ હતું. યો હિ યસ્મિન્ રતો ધર્મે સ સં પૂજ્યતે સદા : । માણસનું મન જે ધર્મમાં રમતું હોય છે તેને તે હંમેશા પૂજતો રહે છે.

આજે પણ ગોવર્ધનની પૂજા સાથે અન્નકૂટનો ઉત્સવ વ્રજમંડળમાં ઉજવાય છે. એનું રૂપ સાર્વજનિક મેળાનું જ છે. લોકમાં આજ સુધી ઘેરઘેર દિવાળી પછીના દિવસે પોતપોતાની શ્રદ્ધા અને શક્તિ પ્રમાણે અન્નકૂટનો ઉત્સવ ઊજવાય છે. આ અન્નકૂટએ પ્રાચીન ઇન્દ્રમહોત્સવનો ગોવર્ધન મહોત્સવનો એક ભાગ હતો.

- ચંદ્રકાંત પટેલ

Tags :