Get The App

મંદિરોમાં ગવાતાં કીર્તન એ પ્રભુ તરફ ખૂલતું દ્વાર છે

Updated: Dec 4th, 2019

GS TEAM

Google News
Google News
મંદિરોમાં ગવાતાં કીર્તન એ પ્રભુ તરફ ખૂલતું દ્વાર છે 1 - image


કીર્તન, પદ, ધોળ, પ્રભાતિયાં વગેરે ઉર્મિકાવ્યના પ્રકાર છે. અને તેમાં હૃદયની ઉર્મિઓનો ધોધ વહે છે. ઉર્મિકવિતાઓમાં ભક્તિનાં ભાવસ્પંદનોનો ઉર્મિમય આવિષ્કાર થાય છે. લલિત, મધુર લયાત્મક કોમળકાન્ત પદાવલિનો એમાં સુભગ સમન્વય થયેલો છે.

મધ્યકાલીન સમયથી જ ગુજરાતમાં પ્રેમલક્ષણા ભક્તિનો ઉદય થયો છે. પૌરાણિક ભક્તિની પ્રેરણાથી જ પ્રેમલક્ષણાભક્તિ પ્રગટી છે અને તેની પરંપરાનો નવો ઉન્મેષ પ્રગટયો છે. જો કે વેદના સમયથી જ પ્રેમલક્ષણાભક્તિના સ્વરો વહેતા હતા તે વર્તમાનકાળે નવારંગે ઝીલ્યા છે, નવારૃપે આવકાર્યા છે.

વેદોના ઋષિઓએ વેદકાળમાં અગ્નિ, વરુણાદિ દેવતાઓની સ્તુતિ કરી છે. એમાં પ્રેમાદ્રતા અને સ્વાર્પણના કોમળ સંવોદનોની પરંપરા સહેજે જ પ્રગટી છે. વેદોની ઋચાઓ એની દ્યોતક છે. આથી કહી શકાય છે કે વૈદિક યુગમાં પ્રેમલક્ષણા ભક્તિ પ્રચલિત હતી.

કીર્તન, પદ, ભજન, આરતી, પ્રભાતિયાં, ઘોળ વગેરે જેવા ભક્તિના ચોક્કસ સ્વરૃપ માટે વપરાતો પદ્ય શબ્દ છે. કીરતાર ઉપરથી કીર્ત અને સંસ્કૃત શબ્દ 'કીર્ત' ઉપરથી અર્થાત્ ધાતુ ઉપરથી કીર્તન શબ્દ આવ્યો છે. અને તે અતિ પ્રાચીન ભક્તિની એક ધારા છે.

કીર્તન,પદ અને પ્રભાતિયું. આ ત્રણે પ્રકારો કાવ્યના જ છે પણ ત્રણે સંજ્ઞાાઓ અમુક બાબતે નોખી પડે છે. સંગીત અને નૃત્ય જેમાં ભળેલા છે તે કીર્તન, પદ એટલે ટૂંકો કાવ્યપ્રકાર જેને ઊર્મિકાવ્ય પણ કહી શકાય. પદ દેશી ઢાળમાં રચાયેલું હોય છે. સવારે ઊઠતાવેંત જે ગવાય છે તે પ્રભાતિયુ. પરંતુ આ ત્રણેનાં મૂળમાં તો ઊર્મિનો જ ઉછાળ છે, દબદબો છે.

સહજાનંદસ્વામિ કૃત' શિક્ષાપત્રી'માં મહારાજ પોતાના આશ્ચિત ભક્તોને કીર્તન કરવાનો જ બોધ આપે છે.

ભગવાન મંદિર સર્વંઃસાર્ય

ગન્તવ્યમન્યહમ ।

નામ સંકીર્તન કાર્ય,

તત્રોચ્યે રાધિકાપતે :।।

ભક્તજનોએ, સત્સંગીઓએ નિત્ય રોજ સંધ્યા સમયે ભગવાનના મંદિરે જવું, અને રાધિકાના પતિ ભગવાન શ્રીકૃષ્ણનાં નામનું ઉચ્ચસ્વરે કીર્તન કરવું.

પરસ્યાનુભવો વિરક્તિર ન્યત્ર સ્યાત :। જીવને શાંતિ તો આદ્યાત્મિક રાહ જ આપે છે. આદ્યાત્મિક રસ્તે ચડેલો જીવ જીવનમાં કદી પણ દુઃખ, શોક કે વ્યથા અનુભવતો નથી. આદ્યાત્મિક રસ્તે જવા માટે ઇશ્વરની ભક્તિ જ શ્રેષ્ઠસાધન છે. આના માટે ભૌતિકવાદ- ભર્યા સુખભોગોથી વિરક્ત રહેવું જોઈએ. ભગવાનનું કીર્તન કરવાથી તમામ પાપો બળીને નાશ પામે છે અને ભગવાન તરફના દ્વારો ઊઘડે છે. તથા શુદ્ધ ભક્તિ પ્રગટ થાય છે. 

વૈષ્ણવસંપ્રદાયમાં વિકસેલી ભક્તિનો સંપ્રદાયમાર્ગ બે પ્રકારનો છે. એક ધ્યાન- ઉપાસના પ્રધાન અને બીજો સ્નેહ- પ્રેમપ્રધાન. આમાં શ્રી વલ્લભાચાર્યજીએ પ્રબોધેલી ભક્તિ પ્રણાલીમાં પ્રેમલક્ષણા પ્રધાન છે. જ્યારે શ્રી વિઠ્ઠલનાથજીએ માધુકર્યભક્તિ પ્રબોધી છે.

રામાનુજાચાર્ય અને મધ્વાચાર્યજીએ પ્રવર્તાવેલી ભક્તિપ્રણાલીમાં ધ્યાન અને ઉપાસના પ્રધાનપણે જોવા મળે છે.

પુષ્ટિમાર્ગમાં અષ્ટસખાઓ જેવાં કે, કુંભનદાસ, સૂરદાસજી, છીતસ્વામી, પરમાનંદદાસજી, કૃષ્ણદાસજી, ગોવિંદસ્વામી, ચતુર્ભુજદાસજી અને નંદદાસજી. આ અષ્ટસખાનો પ્રભાવ વૈષ્ણવસંપ્રદાયના પુષ્ટિમાર્ગ પર વધારે રહ્યો છે. તેઓ નિત્ય સેવાના કીર્તન ગાતાં હતાં.

આ અષ્ટછાપ કવિઓમાં સૂરદાસ જન્મથી જ અંધ હતા. છતાં પણ આંતર- દિવ્યદૃષ્ટિ વડે તે ઠાકોરજીના શણગારના આબેહૂબ પદ ગાતાં હતાં. આ આઠેય પરમભગવદી ભક્તોએ પ્રેમલક્ષણાભક્તિમાં તરબોળ બની પ્રભુની સાથે આઠે પહોર સાંનિધ્ય સાધ્યું છે. ને પ્રેમભક્તિ વડે ભગવાનને વશ કરી સાક્ષાત્કાર કર્યો છે. તેથી જ તેમને સાક્ષાત પ્રભુની લીલાનાં દર્શન થયાં છે. અને તે દર્શન તેમણે કીર્તનોમાં ગાયાં છે. અષ્ટસખા સિવાય અન્ય વૈષ્ણવભક્તોએ પણ પદ-કીર્તન રચ્યાં છે ને ગાયાં પણ છે.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ આવા જ અષ્ટસખાઓ થઈ ગયા છે. આ સંપ્રદાયમાં પ્રેમાનંદ, નિષ્કુળાનંદ, બ્રહ્માનંદ, મુક્તાનંદ, મંજુ, કેશાનંદ, દેવાનંદ, ભૂમાનંદ અને દયાનંદ એ આઠ કવિભક્તોએ પોતાનાં કીર્તન-પદ અને ભજનમાં શ્રી હરિના લાડ લડાવ્યાં છે. તેઓએ વિવિધ રાગોમાં પદ-કીર્તનો રચ્યાં છે, જેમાં યમન, બિહાગ, મારુ, ભૂપાલી, ખમાજ, કાફી, ભૈરવી, રામકલી, કેદાર, બસંત, પરજ, પહાડી, રાગેશ્રી, કલ્યાણ, મલ્હાર, પનાશ્રી અને તોડી જેવા શાસ્ત્રીય રાગોમાં પદો અને કીર્તન લખ્યાં છે.

પ્રેમાનંદ ભટ્ટ અને દેવાનંદ તથા બ્રહ્માનંદનાં પદ-કીર્તનો ઘેર ઘેર ગવાય છે. આ ભક્તકવિઓ પ્રાસાનુપ્રાસ બેસાડવામાં માહિર હતા. એટલે તેનાં પદ-કીર્તનોની ગેયશૈલીનો પ્રવાહ લોકોમાં વધારે ઝીલાયો છે. તેમની સરળ અને સાદી ભાષા બધાને તરત જ સમજાઈ જતી હતી.

વૈષ્ણવસંપ્રદાયમાં અષ્ટસખાઓની ભાષામાં વ્રજભાષા સાથે અન્ય ભાષાના શબ્દોનું મેળવણ થવાથી તેનાં પદો સામાન્ય માણસથી સમજાતા ન હોવાથી તે ઘેર ઘેર ગવાતાં નથી.

 પરંતુ જે ભક્તોએ ગુજરાતીમાં કીર્તનો લખ્યાં છે તે લોકોમાં પ્રસરી ગયા છે.

કીર્તન ગાતી વખતે કીરતનિયો ભૌતિકસુખ- ભોગોથી અલિપ્ત અને વિરક્ત બને છે ત્યારે જ પરમાત્મા તેના ગાયનનો સ્વીકાર કરે છે. અન્યથા નહિ.

તદશ્મસારં હૃદયં બતેદં,

યદ્ ગૃહ્યમાર્ણેહરિ નામધેય ।

ન વિક્રિયેતાથ યદા વિકાશે

નેત્રે જલં ગાત્ર- રુહેષુ હર્ષ :।।

અર્થાત્ : જે કોઈ માણસ શ્રીકૃષ્ણ ભગવાન મહામંત્રનું સંકીર્તન કરે છે. ત્યારે તેનું હૃદય પરિવર્તન ન થાય, તેની આંખોમાંથી આંસુ વહે નહિ, તેનું શરીર કંપે નહિ તેમજ તેનાં ગાત્રો ઉપર રોમાંચ ન થાય, તો સમજી લેવાનું કે તેનું હૃદય વજ્ર-પથ્થર જેવું કઠોર છે.

શ્રીમદ્ ભાગવતપુરાણમાં લખ્યું છે કે, જે ફળ, યજ્ઞા, તપશ્ચર્યા કે સમાધિથી નથી મળતું તે ફળ પ્રભુસંમુખ કીર્તન કરવાથી મળે છે. સાચાં હૃદય અને દિલના સાચા ભાવથી પરમાત્માનું કીર્તનસ્વરૃપે નામ-રટણ કરવાથી પ્રભુની સમીપ પહોંચી શકાય છે.

જ્યારે આપણને પ્રભુ પરમાત્મા તરફ અતિશય પ્રેમ જાગે છે અને દિવ્યભક્તિ પ્રગટ થાય છે ત્યારે શરીરમાં કંપન, રોમાંચ, પ્રસ્વેદ અને આંખોમાં ભગવાનના પ્રેમને કારણે અશ્રુધારા ઉમટે છે. હૃદય પુલકિત બની જાય છે. આ છે કીર્તનકારની સાચી ભક્તિ, જે પ્રભુ તરફ ખેંચી જાય છે. આવી પ્રેમલક્ષણાભક્તિ સુધી પહોંચવાનો માર્ગ ખૂબ કઠિન છે. તેથી જ ભગવાન શ્રીકૃષ્ણ ગીતાજીના સાતમા અધ્યાયના અઠ્ઠાવીસમાં શ્લોકમાં કહે છે:

યેષાં ત્વન્તગતં પાપં જનાનાં

પુણ્ય-કર્મણામ્ ।

તે દ્વંદ્વ મોહનિર્મુક્તા ભજન્તે

માં દૃઢવ્રતા:।।

પૂર્વ જન્મ અને આ જન્મમાં ભગવદ્કીર્તન દ્વારા જે મનુષ્યોએ  પુણ્યનો સંચય કર્યો હોય અને તેથી તેમનાં પાપ નાશ પામ્યાં હોય અને જે મોહના દ્વંદ્વથી, રાગ-દ્વેષથી મુક્ત થયેલા નિર્મળ હૃદયના અને વિશ્વાસુ ભક્તો મને સર્વ રીતે ભજે છે ને મારા ગુણગાનમાં પરોવાયેલા રહે છે.

પદ- કીર્તનનાં ઉત્પત્તિસ્થાનો મંદિરો અને હવેલીઓ વગેરે છે. તેમ જ ઘણાં ધાર્મિકસ્થળો પણ કીર્તનવિકાસના માધ્યમો બન્યાં છે.

મંદિરોમાં જુદે જુદે સમયે થતાં દર્શન, શણગારનાં દર્શન અને હીંડોળાનાં, થાળનાં, ફાગનાં, કૃષ્ણજન્મનાં તથા ઋતુ ઋતુનાં દર્શન સમયે જુદાં જુદાં કીર્તન-પદો ગવાતાં હોય છે.

આ કીર્તન એ કોઈ લૌક્કિ કવિઓની કાવ્યરચના નથી. પરંતુ અષ્ટસખાઓને પ્રત્યક્ષ- સ્વરૃપે ભગવાનની પ્રત્યક્ષ લીલા અને દર્શન થયેલાં સૂક્ષ્મ ગાનનો હૃદયખીલવતો પ્રકારાનંદ છે.અને પુષ્ટિમાર્ગમાં તેને પાંચમો વેદ કહ્યો છે. મહાપ્રભુજીએ પાંચસો વર્ષ પૂર્વે આ કલાપ્રથા શરૃ કરી છે એમ માણાવદરના કીર્તનકાર ભનુભાઈ ગરાળા જણાવે છે.

- ચંદ્રકાન્ત પટેલ

Tags :