સેલીના જેટલીનો નવો અવતાર : હું હવે નવા જીવનનો આનંદ અનુભવ કરી રહી છું

સેલીના જેટલીએ મુંબઇની કોર્ટમાં પતિ પીટર હેગ વિરુદ્ધ ઘરેલુ હિંસા અને ક્રૂરતા આચરવાનો કેસ કર્યો છે. અંગત જીંદગી ગૂંચવાયેલી છે, પણ સેલિના અંગત પીડા અને હતાશાને ફગાવીને નવા ઉત્સાહ સાથે જીવવાની કોશિશ કરી રહી છે
સેલીના જેટલી. હિન્દી ફિલ્મ જગતની રૂપકડી અભિનેત્રીને તેની કારકિર્દીમાં ઠીક ઠીક સફળતા મળી. સેલીના જેટલીની કારકિર્દી બોલીવુડમાં જેટલી વ્યસ્ત નથી રહી એટલી તે તેના અંગત જીવનની સમસ્યાઓમાં અને મુંઝવણોમાં વધુ વ્યસ્ત રહી છે.
ફોડ પાડીને કહીએ તો સેલીના જેટલીએ મુંબઇની કોર્ટમાં તેના પતિ પીટર હેગ સામે ઘરેલુ હિંસા, ક્રૂરતા કરવાનો કેસ કર્યો હોવાથી તેમાં વધુ અટવાઇ ગઇ છે. આટલું જ નહીં, સેલીનાને તેના પરિવાર તરફથી પણ કોઇ મદદ કે હૂંફ પણ નહીં મળતી હોવાનું જાણવા મળે છે.
બીજીબાજુ આ જ સેલીના જેટલીએ થોડા દિવસ પહેલાં તેના સોશિયલ મિડિયા હેન્ડલ પર કેટલાક ફોટોગ્રાફ્સ રજૂ કર્યા છે. સેલીના જેટલીએ સાથોસાથ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ખાસ સંદેશો પણ વહેતો કર્યો છે.
મૂળ શિમલાના પંજાબી હિન્દુ પરિવારમાં જન્મેલી સેલીના જેટલીએ તેના સંદેશામાં કહ્યું છે, જુઓ, આજે તમે મને સુંદર -- આકર્ષક વસ્ત્રોમાં હસતી અને ખુશમિજાજ જુઓ છો. મારા ચહેરા પર આનંદના ફુવારા ઉડે છે. મારી આંખોમોં નિર્દોષ મસ્તી જોઇ શકો છો. તમને સહુને આશ્ચર્ય થશે કે હું હવે મારી મનગમતી અને ભાવતી વાનગીઓ આરોગવાનો આનંદ માણી રહી છું. બસ, મારે હવે આવી જ મોજમસ્તીમાં રહેવું છે અને જીવવું છે. જોકે આપ સહુને મારા દુ:ખના, દર્દના, પીડાના દિવસોની જરાય ખબર નથી. હું રાતોની રાતો રડી છું. સાવ જ એકલી અટૂલી. મારાં આંસુ લૂછવા કે મને આશ્વાસન આપવાવાળું કોઇ કરતાં કોઇ જ નહોતું. અરે, મને મદદ કે હૂંફ આપવા પણ કોઇ તૈયાર નહોતું. કોને કહું અને ક્યાં જાઉં ? હું સંપૂર્ણપણે હતાશ થઇ ગઇ હતી. એમ કહો કે મારું જીવન નષ્ટ થઇ ગયું હતું. દિશાહીન થઇ ગયું હતું.
જોકે કોણ જાણે કેમ , એક હકારાત્મક અને શુભ વિચારે જબરો ચમત્કાર કર્યો. મારા હૃદયમાંથી -- આત્મામાંથી અવાજ આવ્યો, સેલીના બેટા, તું જરાય એકલી, અટૂલી, નિ:સહાય નથી. તારી પાસે નારી શક્તિ છે. સૂર્યનાં કિરણો જેવું તેજ છે. મક્કમ મનોબળ છે. પહાડ જેવી અડગ હિંમત છે. તું તારી મુંઝવણ કે સમસ્યાને ફગાવી દે. તું પોત જ તારી મદદ કર. સ્વયંની શક્તિ ઓળખીને તારો પોતાનો વિકાસ કર.
૨૦૦૧ માં ફેમિના મિસ ઇન્ડિયા સ્પર્ધાની વિજેતા અને ૨૦૦૧ માં જ મિસ યુનિવર્સ સ્પર્ધાની ચોથી રનર અપ સેલીના જેટલી ભરપૂર ખુશી વ્યક્ત કરતાં કહે છે, બસ, આ એક જ તેજસ્વી વિચારથી મારા જીવનમાં નવી ચેતનાનો સંચાર થયો. મારો આત્મવિશ્વાસ બુલંદ થયો. મેં મારા જીવનમાંથી નકારાત્મક વિચારો, વાણી-વર્તનને કાય માટે તિલાંજલી આપવાનો મક્કમ નિર્ધાર કર્યો. ખરું કહું તો મારા આવા શુભ નિર્ણયની એટલી જ શુભ અસર થઇ.મને હાશકારો થયો. અમે કહો કે મને ઘણા લાંબા અંતરાળ બાદ ખરા અર્થમાં શાંંતિનો અનુભવ થયો. મેં મારા જીવનમાં અને કારકિર્દીમાં આગળ વધવાનો નિર્ણય કર્યો.
મારું મનોમંથન પણ શરૂ થયું. મને એવો સવળો અને સાચો વિચાર ઉગ્યો કે રડવું કે રૂદન કરવું કાંઇ માનવીની નબળાઇ નથી. આંસુ તો માનવ હૃદયની હળવાશ છે. માનસિક હાશકારો છે. બસ, સમયના સથવારે તમારી આંખમાંથી આંસુ સાવ જ સૂકાઇ જશે.
છેલ્લે કોમેડી ફિલ્મ થેન્ક્ યુ (૨૦૧૧) માં જોવા મળેલી સેલીના જેટલી કહે છે, હું આજે ભરપૂર ઉર્જા અને ચેતનાથી ટેલિવિઝન જાહેરખબર કરું છું. મ્યુઝિક વિડિયો બનાવું છું. બસ, કુદરતના આશીર્વાદરૂપ જીવનનો સાચુકલો આનંદ માણું છું.









