દિલથી છૂટા પડવા છતાં ડિવોર્સ ન લેનારાં સેલિબ્રિટી કપલ્સ

બોલિવુડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાના અવસાનને લગભગ ૧૪ વરસ થયા છતાં હજુ એમનું નામ મુંબઈની અદાલતોમાં ગુંજ્યા કરે છે. હજુ બે અઠવાડિયા પહેલા બોમ્બે હાઇકોર્ટમાં એક કેસ સંબંધમાં ખન્નાના નામનો ઉલ્લેખ થયો. બુધવાર, પહેલી એપ્રિલે હાઇકોર્ટના જસ્ટિસ શર્મિલા દેશમુખે એકટ્રેસ અનિતા અડવાનીની રાજેશ ખન્ના સાથેના એના સંબંધોને લગ્ન (મેરેજ) તરીકે માન્યતા આપતા કરેલી અપીલને ફગાવી દીધી હતી.
અહીં નોંધવું ઘટે કે ખન્નાનું ૧૮મી જુલાઈ, ૨૦૨૧ના રોજ નિધન થયું ત્યાં સુધી એમના મિસ અડવાની સાથેના સહવાસ વિશે કેટલાક ફિલ્મ જર્નાલિસ્ટો અવારનવાર રિપોર્ટસ આપતા રહ્યા હતા.
ખન્નાની કહેવાતી ગર્લફ્રેન્ડ મીડિયા સમક્ષ એવો દાવો કરતી હતી કે સુપરસ્ટારના છેલ્લા વરસોમાં હું એમના બંગલા આશીર્વાદમાં એમની સાથે રહેતી હતી. તેઓ બહુ બિમાર રહેતા હતા અને હું જ એમની સંભાળ લેતી હતી. હું તેઓ સાજા થઈ જાય એ માટે ઉપવાસ પણ કરતી હતી. એટલે મારો એમની સાથેનો આઠ વરસનો સહવાસ મેરેજ જ ગણાય.
પોતાના દાવા માટે કાયદાનું સમર્થન મેળવવા અનિતાએ મુંબઈની દિંડોશી સિવિલ કોર્ટમાં કેસ પણ કર્યો હતો. પરંતુ નીચલી અદાલતે ૨૦૧૭માં એના દાવાનો અસ્વીકાર કરતો ચુકાદો આપ્યો. એ ચુકાદાને પડકારવા એકટ્રેસે બોમ્બે હાઇકોર્ટમાં ફર્સ્ટ અપીલ નોંધાવી હતી. પરંતુ હાઇકોર્ટે સિવિલ કોર્ટના ચુકાદાને માન્ય રાખી અનિતાની અપીલ ફગાવી દેતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તમારા દાવાઓ સંબંધને મેરેજ તરીકે માન્યતા આપવા જેટલા લાયક નથી. હાઇકોર્ટમાં ચાલેલી સુનાવરણીઓ દરમ્યાન ખન્નાના પત્ની ડિમ્પલ કાપડિયા, એમની પુત્રી ટ્વિન્કલ ખન્ના અને જમાઈ અક્ષય કુમાર વતી એમના વકીલોએ દલીલ કરી હતી. ખન્નાના ફેમિલીએ અડવાનીના આગ્રહોનો રદીયો આપતા કહ્યું હતું કે અનિતાના એક્ટર સાથે કદી લગ્ન નહોતા થયા અને એ એમની સાથે કાયદેસરના લિવઈન રિલેશનશીપમાં પણ નહોતી.
આ ચકચારભર્યા કેસમાં નોંધવા જેવી વાત એ છે કે ટીનેજ વયમાં રાજેશ ખન્નાને પરણેલી ડિમ્પલ કાપડિયાએ બે પુત્રીઓના જન્મ બાદ મતભેદો અને વિવાદોથી કંટાળી એમનું ઘર છોડી દીધું. પતિ-પત્ની દાયકાઓ સુધી જુદા રહ્યા પણ બંનેમાંથી કોઈએ છુટાછેડા (ડિવોર્સ) લેવાનું વિચાર્યું નહિ. ખન્નાના છેલ્લા શ્વાસ સુધી ડિમ્પલ એમની પત્ની બની રહી. ખન્ના દંપતિ દિલથી જુદું થયું પણ કાગળ પર એક જ રહ્યું.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવો ચીલો પાડનાર તેઓ એકલા નથી. બોલિવુડના બીજા બે સેલિબ્રિટી કપલે પણ અંગત કારણોસર છુટા પડયા બાદ દાયકાઓ સુધી ડિવોર્સ લેવામાં શાણપણ નથી માન્યું. કદાચ એટલા માટે કે ૧૯૭૦ અને ૮૦ ના દાયકામાં સમાજ ડિવોર્સને સારી વાત નહોતો ગણતો. આજની જેમ ત્યારે ડિવોર્સ કોમન નહોતા ગણાતા ડિવોર્સથી અળગા રહેનાર દંપતિઓમાં પહેલું નામ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા શાયર અને ગીતકાર ગુલઝાર અને અભિનેત્રી રાખીનું આવે.
રાખી સિત્તેરના દશકમાં ટોપની એકટ્રેસ ગણાતી હતી ત્યારે મે, ૧૯૭૩માં ગુલઝારને પરણી રાખીના આ બીજા લગ્ન હતા, જે બે વરસ પણ ન ટક્યા. પોતાની એક માત્ર ફિલ્મમેકર પુત્રી મેઘના ગુલઝારના જન્મ બાદ હાઇ-પ્રોફાઈલ કપલ છુટુ પડયું. માંજરી આંખોવાળી રાખી એના સાંતાક્રુઝના ઘરે રહેવા ગઈ. જ્યારે ગુલઝારસાહેબ પોતાના પાલી હિલના આઇકોનિક બંગલામાં જ રહેવાનું ચાલુ રાખ્યું.
ગુલઝાર અને રાખીને જુદા થયાને પાંચ દાયકા થયા છતાં બંનેમાંથી કોઈએ આજ સુધી ડિવોર્સનો 'ડ' પણ ઉચ્ચાર્યો નથી.
આજે પણ ગુલઝારના બોસ્કિયાના બંગલાની મુલાકાત લેનાર વ્યક્તિને રાખીને ત્યાં હાજરાહજુર જોઈને આશ્ચર્ય થાય છે. રાખી વારે-તહેવારે પોતાનું ફાર્મહાઉસ છોડી પતિ અને પુત્રીને મળવા મુંબઈ આવતી રહે છે. ૯૩ વરસના શાયર માંદા પડે ત્યારે એમની પત્ની એમની સેવામાં હાજર રહે છે.
આવી જ એક અજીબ દાસ્તાન ફિલ્મમેકર-એક્ટર રણધીર કપૂર અને એની કો-સ્ટાર બબિતાની છે. રણધીરે ૧૯૭૧માં અભિનેત્રી બબિતા સાથે મેરેજ કર્યા પણ એમના લગ્ન લાંબા ચાલ્યા નહિ. ચાર દાયકા સુધી કપૂર કપલ એકબીજાથી જુદું રહ્યું. રણધીરે છુટા પડયા બાદ પોતાના દેવનારના કૌટુંબિક બંગલામાં જ રહેવાનું રાખ્યું. જ્યારે બબિતા પોતાની પુત્રીઓ કરિશ્મા અને કરીના કપૂર સાથે ખારમાં રહેવા લાગી.
જુદાઈના વરસોમાં છુટાછેડા વિશે પૂછાતું ત્યારે રણધીરનો મીડિયાને એક જ જવાબ રહેતો કે 'હું અને બબિતા કદી ડિવોર્સ નહિ લઈએ. અમારા બંનેમાંથી કોઈને ફરી મેરેજ કરવામાં રસ નથી. અમને અમારી પુત્રીઓ અને એમના બાળકો બહુ વહાલા છે. તો પછી ડિવોર્સ લેવાનો શું અર્થ છે?'
આનંદની વાત એ છે કે રણધીર અને બબિતા કપૂર છેલ્લા પાંચ વરસથી બાન્દ્રામાં એક જ અપાર્ટમેન્ટમાં સાથે રહે છે. પોતાની બંને પ્રેમાળ દીકરીઓનો આગ્રહ માથે ચડાવી બંને સાથે જીવન વીતાવી રહ્યા છે.









