Get The App

ભારતીય મહિલાઓ માટે કેરિયરનાં દ્વાર ખુલ્યા, પરંતુ મહિલાઓની સુરક્ષા સામે સતત જોખમો વધી રહ્યા છે?

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
ભારતીય મહિલાઓ માટે કેરિયરનાં દ્વાર ખુલ્યા, પરંતુ મહિલાઓની સુરક્ષા સામે સતત જોખમો વધી રહ્યા છે? 1 - image

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય મહિલાઓ માટે કેરિયરના ક્ષેત્રમાં અભૂતપૂર્વ તકો ઊભી થઈ છે. શિક્ષણ, ટેકનોલોજી, સરકારી સેવા, સ્ટાર્ટઅપ અને ઉદ્યોગસાહસિકતા જેવા અનેક ક્ષેત્રોમાં મહિલાઓ સક્રિય રીતે આગળ વધી રહી છે. બદલાતા સમય સાથે સમાજની માનસિકતા, સરકારી નીતિઓ અને ડિજિટલ ક્રાંતિએ મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડયું છે. પરંતુ, આ બધાની સાથે મહિલાઓની સુરક્ષાના સવાલો ઉભા થયા છે, ત્યારે મહિલાઓમાં સેફટી પ્રત્યે પણ જાગૃતિ આવી રહી છે. મહિલાઓ માટે સરકારી મદદ વગર સ્વબળે પોતાની રક્ષા કરવા પણ નવી ટેકનીક અને ઉપાય અપનાવવા પડી રહ્યા છે. આ સંજોગોમાં મહિલાઓએ પોતાની સેફટી માટે પણ નીતનવા આઈડિયા અને તે સંબધી જાણકારી રાખવી જરૂરી છે. કારણ કે મહિલાઓ સાથે ક્રાઈમના આંકડાઓ પણ વધી રહ્યા છે.

મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા વિકસિત રાજ્યોમાં મહિલાઓ શિક્ષણ, નોકરી અને બિઝનેસમાં આગળ વધી રહી છે, પરંતુ તેમની સુરક્ષા હજુ પણ મહત્વપૂર્ણ મુદ્દો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી)ના આંકડાઓ મુજબ, મુંબઈમાં દર વર્ષે સરેરાશ ૫,૦૦૦ થી વધુ મહિલાઓ સંબંધિત ગુનાઓ નોંધાય છે. શહેરમાં વધતા સીસીટીવી  કેમેરા, પોલીસ પેટ્રોલિંગ અને સેફ સિટી પ્રોજેક્ટના કારણે ગુનાઓ પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મુંબઈ પોલીસ દ્વારા નિર્ભયા સ્ક્વોડ અને મહિલા પોલીસની ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે, જે જાહેર સ્થળો અને ટ્રેન-બસમાં મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.

મહારાષ્ટ્ર અને ગુજરાત બન્ને રાજ્યોમાં સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ હજારો સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. હાલમાં પોલીસબળમાં મહિલાઓનું પ્રમાણ આશરે ૧૧ થી ૧૨ ટકા છે, જેને વધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

આ બધી સરકારી મદદ સાથે ડિજિટલ યુગમાં મહિલાઓ માટે સેફટી એપ્સ પણ મહત્વપૂર્ણ બની છે. જો કે સર્વે મુજબ હજુ પણ માત્ર ૩૦ ટકા મહિલાઓ જ સેફટી એપ્સ અને હેલ્પલાઈન અંગે સંપૂર્ણ જાણકારી ધરાવે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, મહિલાઓમાં સજાગતા, સેલ્ફ-ડિફેન્સ તાલીમ અને ટેકનોલોજીનો ઉપયોગ વધારવાથી સુરક્ષા વધુ મજબૂત બની શકે છે.

મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ માત્ર પોલીસની નહીં પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે. સરકાર, પોલીસ અને જનજાગૃતિના સંયુક્ત પ્રયાસોથી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મહિલાઓ વધુ સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહી છે.

આજના આધુનિક યુગમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે, પરંતુ સાથે સાથે તેમની સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ બની છે. વધતા શહેરીકરણ, વ્યસ્ત જીવનશૈલી અને ડિજિટલ યુગને ધ્યાનમાં રાખીને મહિલાઓ માટે સ્વબળે સુરક્ષિત રહેવું સમયની માંગ બની ગયું છે. હવે મહિલાઓ માત્ર પોલીસ અથવા સિસ્ટમ પર નિર્ભર રહેવાને બદલે પોતાની સુરક્ષા માટે સજાગ અને સશક્ત બની રહી છે.

મહિલા સેફટી અંગે શું છે હકિકત?

વર્ષ ૨૦૨૫ દરમિયાન મુંબઈમાં કુલ ગુનાઓમાં ૨૧%નો વધારો નોંધાયો, જેમાં મહિલાઓ સામેના ગુનાઓમાં ૧૩%નો વધારો થયો. એનઆરસીબીના અહેવાલ મુજબ, મુંબઈમાં મહિલાઓ સામેના ગુનાઓમાં અગાઉના વર્ષોમાં ૨.૫%નો ઘટાડો નોંધાયો હતો, પરંતુ દહેજ હેરાસમેન્ટ જેવા કેસોમાં વધારો થયો છે. મહારાષ્ટ્રમાં રેલવે વિસ્તારમાં મહિલાઓ સામેના ૧૦૧ કેસ નોંધાયા, જે દેશમાં સૌથી વધુમાંના હતા.  નાગપુરમાં ૨૦૨૫ માં ચેન સ્નેચિંગના કેસમાં ૧૫૬%નો વધારો થયો, જેમાં મહિલાઓ મુખ્ય ભોગ બનતી હતી. એક અંદાજ મુંજબ મહારાષ્ટ્રમાં દર વર્ષે મહિલાઓ સામેના ગુનાઓ  ૪૫,૦૦૦ થી વધુ કેસ બન્યા છે. જ્યારે ગુજરાતમાં મહિલાઓ સામેના ગુનાઓ આઠ થી દસ હજાર કેસ દર વર્ષે જાણવા મળ્યા છે. એથી ગુજરાત સરકારના ૨૦૨૬-૨૭ ના બજેટમાં મહિલાઓની સુરક્ષા માટે ખાસ ફોકસ કરવામાં આવ્યો છે.રાજ્યમાં અમદાવાદ, સુરત અને વડોદરા શહેરોમાં સૌથી વધુ કેસ નોંધાય છે.સમગ્ર ભારતમાં તાજેતરના ટ્રેન્ડ  અને એનસીઆરબી મુજબ, દેશમાં મહિલાઓ સામેના લાખો કેસ દર વર્ષે નોંધાય છે.

સરકારે પણ મહિલા સુરક્ષા માટે અનેક હેલ્પલાઈન અને યોજનાઓ શરૂ કરી છે. ૧૧૨ ઈમરજન્સી નંબર અને ૧૦૯૧ મહિલા હેલ્પલાઈન મહિલાઓને તાત્કાલિક મદદ પૂરી પાડે છે. ઉપરાંત, સેફ સિટી પ્રોજેક્ટ અને મહિલા પોલીસ પેટ્રોલિંગ જેવી પહેલોથી સુરક્ષા વધુ મજબૂત બની રહી છે.

આ રીતે, સજાગતા, તાલીમ અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા મહિલાઓ સ્વબળે પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરી શકે છે. આત્મવિશ્વાસ અને સતર્કતા સાથે મહિલાઓ માત્ર સુરક્ષિત જ નહીં પરંતુ વધુ સશક્ત બનીને સમાજમાં આગળ વધી રહી છે.

-  પ્રીતિ ખુમાણ ઠાકુર

મહિલાઓ પોતાને કેવી રીતે સેફ રાખી શકે છે..

સૌથી મહત્વપૂર્ણ પગલું સેલ્ફ-ડિફેન્સ તાલીમ છે. કરાટે, તાઈક્વોન્ડો અને અન્ય આત્મરક્ષા કળાઓ મહિલાઓને જોખમ સમયે પોતાને બચાવવાની શક્તિ આપે છે. ઘણી શાળાઓ, કોલેજો અને સંસ્થાઓ મહિલાઓ માટે ખાસ સેલ્ફ-ડિફેન્સ વર્કશોપનું આયોજન કરી રહી છે. આ તાલીમ મહિલાઓમાં આત્મવિશ્વાસ અને માનસિક મજબૂતી વધારવામાં મદદરૂપ બને છે. એમાં પણ વિશેષ તરીકે મહિલાઓએ ઓફિસે જતી વખતે પર્સમાં નાનું કટર, બ્લેડ અથવા કોઈપણ નાની ધારદાર વસ્તુ રાખવી ખૂબ જરૂરી છે. એની સાથે પેપર સ્પ્રે પણ રાખી શકાય છે. આ ઉપરાંત મહત્વનું એ ધ્યાનમાં રાખવા જેવું છે કે મોઢેરાતના અથવા તો સુમસામ જગ્યાએ પ્રવાસ કરતી વખતે  વાહનમાં બેસવા પહેલાં એ વાહનો નંબર સ્વજનને શેર કરી લેવો. એની સાથે રિક્ષા, ટેક્સીમાં બેસતા પહેલા સ્વજનને ફોન કરીને જાણ કરી લેવી જેથી તમે પ્રવાસ કરવા બેઠા છો એની અને વાહન ચાલકને પણ તમે પરિવારજનોના કોન્ટેક્ટમાં છો એનું ધ્યાન રહેશે. જેથી તમે તમારી સેફટી પોતાની રીતે જાળવી રાખી શકો છો.

મહિલાઓએ ઈમરજન્સી મદદ સમયે શું કરી શકાય?

જાહેર સ્થળોએ સતર્ક રહેવું પણ એટલું જ જરૂરી છે. મહિલાઓએ રાત્રે મુસાફરી કરતી વખતે વિશ્વસનીય વાહન પસંદ કરવું, અજાણી જગ્યાએ સાવચેતી રાખવી અને પોતાના નજીકના લોકોને મુસાફરીની માહિતી આપવી જોઈએ. સાથે જ પેપર સ્પ્રે અને પર્સનલ એલાર્મ જેવા સેફટી સાધનો રાખવાથી ઈમરજન્સી સમયે મદદ મળી શકે છે.

ડિજિટલ સેફટી અને મોબાઈલ ઉપયોગ..

ભારતમાં લગભગ ૬૦% મહિલાઓ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, પરંતુ ફક્ત ૨૫-૩૦% મહિલાઓ સેફટી એપ્સ વિશે જાણે છે.  તાજેત્તરના એક સર્વમાં લગભગ ૩૫% કામકાજ કરતી મહિલાઓએ ક્યારેક હેરસમેન્ટનો અનુભવ કર્યો હોવાનું જણાવ્યું. ભારતમાં લગભગ ૩૦% મહિલાઓએ જીવનમાં ક્યારેક હિંસાનો અનુભવ કર્યો છે, લગભગ ૭૦% મહિલાઓ રાત્રે એકલી બહાર જતાં અસુરક્ષિત અનુભવ કરે છે.

ડિજિટલ યુગમાં મોબાઈલ સેફટી એપ્સ જરુરી

ડિજિટલ યુગમાં મોબાઈલ સેફટી એપ્સ પણ મહિલાઓ માટે મહત્વપૂર્ણ સાધન બની છે. ૧૧૨ ઈમરજન્સી એપ, અને અન્ય સેફટી એપ્સ દ્વારા મહિલાઓ ર્જીંજી એલર્ટ મોકલી શકે છે, અને પોતાના પરિવાર સાથે લાઈવ લોકેશન શેર કરી શકે છે. આ સુવિધા એકલી મુસાફરી કરતી મહિલાઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે.

સાયબર સુરક્ષા પણ ખૂબ જ મહત્વપૂર્ણ

સાયબર સુરક્ષા પણ આજના સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની છે. સોશિયલ મીડિયા પર વ્યક્તિગત માહિતી શેર કરતી વખતે સાવચેતી રાખવી, અજાણ્યા લોકો સાથે સંપર્ક ટાળવો અને કોઈપણ પ્રકારની ઓનલાઈન હેરાસમેન્ટ થાય તો તરત જ સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ કરવી જરૂરી છે.