તાડ જેવા ઊંચા કેકટસ: સાગુઆરો
ગામડાના ખેતરની વાડ માટે થોર ઉગાડવાની પ્રથા જાણીતી છે. થોર રણ પ્રદેશમાં થતી અજાયબ વનસ્પતિ છે. ઓછા પાન અને કાંટાવાળી આ વનસ્પતિના થડ અને ડાળીમાં પાણીનો સંગ્રહ થાય છે એટલે પ્રચંડ ગરમી સહન કરી શકે છે. કેકટસ તરીકે જાણીતા થોરની અનેક જાતો છે. ઘર આંગણે કે ઇન્ડોર પ્લાન્ટ તરીકે સુશોભનમાં પણ ઉપયોગી થાય છે. વળી બહુ ઓછા પ્રાણીઓ કેકટસ ખાય છે એટલે તે સુરક્ષિત રહે છે.
સામાન્ય રીતે કેકટસ પાંચથી છ ફૂટ ઊંચા હોય છે. પરંતુ અમેરિકાના એરિઝોનામાં થતા સાગઆરો કેકટસ પાંચ માળના મકાન જેટલા ઊંચા હોય છે. લીલા રંગના જાડા અને કાંટાવાળા થડ ઉપર લીલા રંગની ડાળીઓ ફૂટેલી હોય છે. રણપ્રદેશમાં સંખ્યાબંધ સાગુઆરોનું દૃશ્ય જોવા જેવું હોય છે. સાગુઆરોનું થડ ૧૦ ફુટનો ઘેરાવો ધરાવે છે. તેના ઉપર પીળા રંગના ફૂલો અને બોર જેવા ફળ પણ થાય છે. સાગુઆરોના થડમાં કીડી મકોડા હજારો કિટકો દર કરીને રહે છે. નાના અને વિવિધ પ્રકારના કેકટસ ઘરઆંગણાનું અને બગીચાનું સૌંદર્ય વધારે છે પરંતુ સાગુઆરો અફાટ રણપ્રદેશનું સૌંદર્ય વધારે છે.