કમી જાસ્તી પત્રકનું (કેજેપી) મહત્વ અને અમલવારી જમીન મહેસુલ કાયદા અને ટીપી એક્ટની જોગવાઈઓ

- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)
- ટીપી આખરી થયા બાદ મહેસુલી રેકર્ડ પ્રમાણિત (Promulgate) કરવું જરૂરી
- વિકાસની પ્રક્રિયામાં ખેતી વિષયક જમીનોનું મોટા પાયે બિનખેતીમાં રૂપાંતરિત થઈ રહી છે
જાહેર જનતામાં અને ખેડુત ખાતેદારોમાં કેજેપી (કમી જાસ્તી પત્રક) મહેસુલી વહિવટી પરિભાષાનો શબ્દ પ્રયોગ (Terminology) હોવાથી જાણકારી ન હોય તે સ્વાભાવિક અને અપેક્ષિત છે. પરંતું કેજેપીનું મહત્વ અને અમલવારી ખુબ જ અગત્યની છે. મહેસુલી અધિકારીઓ પણ આ કામગીરી પરત્વે દુર્લક્ષ સેવે છે. રેવન્યુ એકાઉન્ટ મેન્યુઅલમાં (RAM) કેજેપી બે બાબતોને કારણે મહત્વ ધરાવે છે. એક ખાતેદારી મિલ્કત ધારક પાસેથી જમીન મહેસુલની વધ-ઘટ અને બીજું જમીનના ક્ષેત્રફળમાં ફેરફાર.
આ બે બાબતો જમીન મહેસુલ વહિવટમાં અગત્યતા ધરાવે છે. જ્યારે ટાઉન પ્લાનીંગ એક્ટમાં માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન, ટીપી (ટાઉનપ્લાનીંગ)માં સમાવિષ્ઠ સર્વે નંબર (Co-Occupational Plot) હોય તેના ક્ષેત્રફળમાં ફાયનલ પ્લોટ (એફપી) થવાથી ક્ષેત્રફળમાં ફેરફાર થાય તે અગત્યનું છે. બંન્ને કાયદાઓ અન્વયે જે ફેરફાર કરવાના થાય છે તેની કાર્યપધ્ધતિ છે તે કેજેપી તરીકે ઓળખાય છે. અને તેની પ્રાથમિક જવાબદારી જીલ્લાના જમીન દફ્તર નિરિક્ષકની (ડીઆઈએલઆર) છે. અને કેજેપી કયા કયા પ્રસંગોએ આપવાનું થાય છે તેની વિસ્તારથી વિવરણ કરીશું. પરંતું ડીઆઈએલઆર દ્વારા આપવામાં આવતા કેજેપીની અમલવારી હક્કપત્રકમાં એટલે કે હાલના ઈધરા કેન્દ્રમાં હક્કપત્રકની નોંધ સ્વરૂપે કરવાની છે. અગાઉ આ કાર્યવાહી તાલુકાના મામલતદાર દ્વાર કરવામાં આવતી પરંતું ૨૦૧૬ બાદ આ અધિકારો સીધેસીધા ડીઆઈએલઆરને ઓનલાઈન હક્કપત્રકમાં કેજેપી આધારે નોંધ કરવાના અધિકારો આપવામાં આવેલ છે.
ઉપરોક્ત બાબતથી સામાન્ય જનતાને / ખેડુત / મિલ્કત ધારણકર્તાઓને કેજેપી શું છે તેનું હાર્દ સમજાશે. હવે વિસ્તારથી સમજવા માટે જ્યારે સૌ-પ્રથમ સર્વે સેટલમેન્ટ (મોજણી અને જમાબંધી આકારણી) કરવામાં આવ્યું ત્યારે દરેક મહેસુલી ગામનો નમુનો નં.-૧ એટલે કાયમી ખરડો આકારબંધ કહેવામાં આવે છે. તેમાં વખતોવખત જે ફેરફાર થાય તે મુજબ કેજેપી આધારે દુરસ્તી ફેરફાર કરવામાં આવે છે. જેમાં હાલ સૌથી મોટા ફેરફાર થાય છે જેમાં ખેતીની જમીનનું જમીનોની દુરસ્તી કરવામાં આવેલ નથી. ઘણીવાર આ સામાન્ય લાગતી બાબત ખેડુત ખાતેદાર / મિલ્કત ધારક માટે ખુબ અગત્યની છે. એક તબક્કે તો જે જમીન સંપાદન થયેલ હોય તેનું જમીન મહેસુલ વસુલ કર્યું હોય તે જાદે વધારાની વસુલાતને મજરે આપવાની બાબત પણ છે. ત્યારબાદ સરકારી / ગૌચરની જમીનો જાહેર હેતુ માટે નીમ કરવામાં આવે. સરકારી વિભાગોને જાહેર હેતુ માટે કલેક્ટરશ્રી દ્વારા જમીન મહેસુલ નિયમોના વહિવટી હુકમ નં.-૩ અન્વયે તબદીલ કરવામાં આવે ત્યારે સરકારના એક હેડથી અન્ય વિભાગને તબદીલ કરવામાં આવે કે સાર્વજનિક હેતુ માટે નીમ કરવામાં આવે.
જ્યારે ખાતેદારની જમીન નદી કિનારે હોય અને ધોવાણ (Diluvial) થાય ત્યારે તેટલું જમીનનું મહેસુલ ન ઉઘરાવવાના ભાગરૂપે કેજેપી કરવાનું હોય છે. પરંતું આ અંગે ખાતેદાર તાલુકાના મામલતદારને જાણ કરવાની થાય. આ ઉપરાંત એવું પણ બને કે નદીની જમીનના તટ ઉપર બાજુના સર્વે નંબરમાં પુરાણથી (Alluvial) કાંપ થાય તો તેવી જમીનોને લાગુ ખાતેદાર તરીકે આપવા માટેની જોગવાઈઓ છે. આ રીતે જેમ જમીન સંપાદન થયા બાદ એવોર્ડ આધારે કેજેપી થાય તેમ જ્યારે સરકાર દ્વારા જમીન સંપાદનનો હેતુ કમી કરવામાં આવે અથવા તો જમીન રીગ્રાન્ટ કરવામાં આવે, સંપાદનમાંથી મુક્તિ આપવામાં આવે ત્યારે પણ કેજેપી કરવાનું (દુરસ્તી) થાય છે. રાજ્યમાં ખાસ કરીને નર્મદા યોજના માટે કેનાલ / પુનઃસ્થાપન માટે ઘણી જમીનો સંપાદન કરવામાં આવેલ, હવે તેની જરૂર પણ નથી. પરંતું ખાતેદારોને જરૂર સિવાયની ફરીથી રીગ્રાન્ટ કરવામાં આવતી નથી. મૂળ ખેડુતોના હિતમાં સર્વગ્રાહી નિર્ણય કરવો જરૂરી છે. આ ઉપરાંત જમીન મહેસુલ અધિનિયમની કલમ-૭એ મુજબ પ્રાદેશિક ફેરફાર (Territorial Changes) જીલ્લા, તાલુકા, ગામની હદમાં ફેરફાર થાય ત્યારે District Boundaries, સર્વે નંબરોની તબદીલી વિગેરે પ્રસંગોએ કેજેપી કરવાનું થાય છે. જ્યારે જમીનનો સતાપ્રકાર બદલાય, મહેસુલ માફીથી જમીન આપી હોય તેમજ જમીન મહેસુલને પાત્ર ગણી હોય ત્યારે અને જેમ જમીનોનું રીસર્વે કરવામાં આવ્યું હોય, એકત્રીકરણ (Consolidation) યોજના દાખલ કરવામાં આવે ત્યારે ફરીથી એકત્રીકરણ તખ્તા મુજબ ફેરફાર કરવાનો થાય, હાલ રીસર્વે બાદ જે રેકર્ડ લખાયું છે તેમાં ક્ષેત્રફળ અને આકરમાં મોટાપાયે અનિયમિતતાઓ થઈ છે. સરકારે અવારનવાર Suo-Moto બિનખેતીમાં રૂપાંતર (NA) એક તબક્કે એવુ માનવામાં આવે કે આનાથી શું ફેરફાર થાય તો મૂળ સર્વેનંબરનો જે આકાર મહેસુલ નક્કી કરેલ હોય તેમાં બિનખેતી ધારો નક્કી થાય, બીજું કે મૂળ સર્વે નંબરના ક્ષેત્રફળના બિનખેતી વિષયક ઉપયોગનો હેતુ / પ્લોટ / સબ પ્લોટ થાય અને વેચાણ થયા બાદ જે પ્લોટ હોલ્ડર પ્રમાણે ક્ષેત્રફળ અને જમીન મહેસુલ નક્કી થાય અને તે આધારે હવે મિલ્કત કાર્ડ આપવાનું થાય અને ટીપી સ્કીમ લાગુ કરવામાં આવી હોય તો ફાયનલ એફપી થાય અને તે મુજબ ક્ષેત્રફળ નક્કી થાય અને ટીપી ફાયનલ થાય તે મુજબ મહેસુલી રેકર્ડ લખવાનું થાય પરંતું સમગ્ર રાજ્યમાં જ્યાં ટીપી ફાયનલ થયા બાદ મહેસુલી રેકર્ડ તે મુજબ લખાવું જોઈએ અને પ્રમાણિત જાહેર કરવું જોઈએ તે થયેલ નથી. જેથી લોકોને મૂળ સર્વે નંબરના ૭ ટ ૧૨ અને ટીપીના એફપીનું ફોર્મ એફ આધાર તરીકે રજુ કરવું પડે છે. ખરેખર તો ટીપી એક્ટ પ્રમાણે ટીપી ફાયનલ થયા બાદ તે કાયદાનું સ્વરૂપ મેળવે છે એટલે તમામ હેતુ માટે તેને આખરી ગણવાનું છે.
બીજો અગત્યનો મુદ્દો છે તે પ્રસંગે કેજેપી કરવાનું છે તે જાહેર હેતુ માટે જમીનની પ્રાપ્તી સંપાદન સરકારના જાહેર હેતુ જેવા કે રોડ - આંતર માળખાકીય સુવિધા માટે, જમીન સંપાદન અધિનિયમ જુનાં - ૧૮૯૪ અને હાલ - ૨૦૧૩ના કાયદા અન્વયે અથવા તો સંમતિ આધારે જમીન સંપાદન કરવામાં આવે છે અને જમીન સંપાદન અધિકારી દ્વારા જ્યારે સંપાદન અંગેનો એવોર્ડ કરવામાં આવે છે તેમાં જમીન / મિલ્કત ધારણ કરનાર સર્વે નંબરના કબજેદારી મિલ્કતની કેટલી જમીન સંપાદન ક્ષેત્રફળ સહિત દર્શાવવામાં આવે છે. આ એવોર્ડના આધારે ડીઆઈએલઆર દ્વારા કેજેપી આપવાનું થાય છે અને અમલ કરવાનો છે. સમગ્ર રાજ્યમાં ઘણી જગ્યાએ વર્ષોથી જમીન સંપાદન થઈ સ્થળ રોડ અથવા જાહેર હેતુ માટે જગ્યાઓનો ઉપયોગ થાય છે. પરંતું ખાતેદારના નામે ચાલતા ક્ષેત્રફળમાં ફેરફાર થયેલ નથી. જો હું આદર્શ દ્રષ્ટાંત જણાવું તો અમો પ્રાન્ત ઓફિસર ચોરાસી સુરત હતા અને ધ્યાન ઉપર આવેલ કે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પલસાણા તાલુકાના બલેશ્વર ગામ થઈને પસાર થાય છે. પરંતું વર્ષો સુધી ક્ષેત્રફળમાંથી કમી કરેલ ન હતું. જે અમોએ ડીઆઈએલ પાસેથી મેળવી અમલ કરાવેલ, આજે પણ રાજ્યમાં એ પરિસ્થિતિ હશે કે જાહેર હેતુ માટે સંપાદન થયેલ ક્ષેત્રફળ દુરસ્તી કરવાની સુચનાઓ આપી છે જે લોકોના હિતમાં ઝડપથી નિકાલ થાય તે જરૂરી છે. હાલના શહેરીકરણ / ઔદ્યોગિકરણ અને વિકાસની પ્રક્રિયામાં ખેતી વિષયક જમીનોનું મોટા પાયે બિનખેતીમાં રૂપાંતરિત થઈ રહી છે અને ટીપી ફાયનલ થયા બાદ તે મુજબ રેકર્ડ લખાય અને પ્રમાણિત જાહેર કરવામાં આવે તે પ્રજાહિતમાં જરૂરી છે.









