Magazines

ઈરાન યુદ્ધની અસર વચ્ચે ભારતથી ચીન તરફ ચાની નિકાસ વધી રહ્યાના નિર્દેશો

By GS TEAM
14 Jun 20263 mins read
ઈરાન યુદ્ધની અસર વચ્ચે ભારતથી ચીન તરફ ચાની નિકાસ વધી રહ્યાના નિર્દેશો

- ઊભી બજારે - દિલીપ શાહ

- વર્તમાન નાણાં વર્ષના આરંભમાં નિકાસ બેકફૂટ પર જોવા મળી

દેશમાં ચા બજાર તથા ઉદ્યોગમાં તાજેતરમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. આ વર્ષે ૨૦૨૬મા પ્રાથમિક મહિનાઓમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની છાશવારે બદલાતી ટેરીફ નીતિ તથા ત્યારબાદ ઈરાન-અમેરિકા-ઈઝરાયલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધના પગલે વિશ્વના વિવિધ બજારોને અસર પડી છે તથા આની ઈમ્પેક્ટ ચા બજાર તથા ઉદ્યોગ પર પણ દેખાઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ઈન્ડિયન  ટી એસોસીએશનના સૂત્રોના જણાવ્યા મુજબ ભારતથી નોર્મલ સંજોગોમાં ઈરાન, ઈરાક, યુનાઈટેડ આરબ અમીરાત, સાઉદી અરેબિયા, તુર્કી, ઈજીપ્ત વિ. વિવિદ દેશોમાં ચાની નિકાસ કુલ નિકાસના આશરે ૪૬થી ૪૭ ટકા જેટલી થતી હોય છે તથા ઈરાન યુદ્ધના પગલે આ વિસ્તારમાં અશાંતિ વધતાં દેશમાંથી દેશો તરફ થતી ચાની નિકાસ પર યુદ્ધની વિશેષ અસર જોવા મળી છે.

દરમિયાન, ગયા વર્ષનાં ૨૦૨૫ના જાન્યુઆરીથી માર્ચના ગાળામાં હતી તેની સરખામણીએ આ વર્ષે નિકાસમાં પીછેહટ દેખાઈ છે. ભારતમાં નોર્થ ઈન્ડિયામાં આસામ તેના પશ્ચિમ બંગાળમાં ચાનું વિશેષ ઉત્પાદન થાય છે.  આસામ  તથા પશ્ચિમ બંગાળમાંથી ચાની નિકાસ ૨૦૨૫માં નોંધપાત્ર થયા પછી આ વર્ષે નિકાસના આંકડાઓ બેકફૂટ પર જોવા મળ્યા છે. યુદ્ધના પગલે જહાજી ભાડાઓ વધ્યા છે તથા શિપિંગ કંપનીઓ ઈમરજન્સી ફયુઅલ સરચાર્જ વસુલ કરતી થયાના વાવડ પણ મળ્યા હતા. વિશ્વ વિપારમાં માલની અવરજવરમાં વપરાતા ઈન્સ્યોન્સના પ્રીમિયમો પણ વધ્યા છે. ગૌહત્તી ટી ઓકશન બાયર્સ એસોસીએશનના જણાવ્યા મુજબ વિશ્વ બજારમાં ભારતના ચાના ભાવની સ્પર્ધાત્મક પણ ઘટી છે. ઘરઆંગણે પેટ્રોલ-ડિઝલના ભાવ વધતાં તથા મોંઘવારી વધતાં ઘરની બહાર પીવાતી ચાનું પ્રમાણ ઘટયું છે. હનવે યુદ્ધ સમાપ્તી પર બજારની નજર રહી છે. યુદ્ધના પગલે ચાના શિપમેન્ટોમાં ૩૦થી ૪૦ દિવસોનો વિલંબ પણ જોવા મળ્યો છે. આવા શિપમેન્ટો હવે અગાઉના સામાન્ય સ્તરે ક્યારે પહોંચશે તેના પર ચા બજારની નજર રહી હતી.  દરમિયાન, કેરળમાં તાજેતરમાં કોચી-કુન્નુર ખાતે ચાના ઓક્શનિમાં નિકાસકારોની માગ દેખાઈ હતી. ભાવ પણ ઓકશનમાં ઉંચા જતા દેખાયા હતા. સીટીસી ચામાં વિશેષ માગ દેખાઈ હતી. ભારત ખાતેથી ચાની કુલ નિકાસ ૨૦૨૫-૨૬ના નાણાં વર્ષમાં વધી રેકોર્ડ ૨૮૨૧થી ૨૮૨૨ લાખ કિલોના સ્તરે પહોંચી છે પરંતુ હવે ૨૦૨૬-૨૭ના નિકાસના આંકડા સરખામણીએ નીચા આવવાની ભીતિ જાણકારો બતાવી રહ્યા હતા. ૨૦૨૫-૨૬માં ચીન તરફ ભારતની ચાની નિકાસ વધી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.ચીન તરફ નિકાસ ૨૦૨૪-૨૫૫માં ૧૧૬ લાખ કિલો થઈ હતી તે ૨૦૨૫-૨૬માં વધી ૧૮૩થી ૧૮૪ લાખ કિલો નોંધાઈ છે. ભારતના નિકાસકારો પરંપરાગત દેશો ઉપરાંત હવે નવા-નવા દેશો તરફ ચાની નિકાસ વધારવા પ્રયત્નો કરતા થયા છે. ભારતથી ચાની નિકાસ મધ્ય-પૂર્વના દેશોમાં ૨૦૨૫-૨૬માં આશરે ૧૧૫૦ લાખ કિલો થઈ છે. જો કે ૨૦૨૬-૨૭માં આ આંકડા નીચા આવવાની શક્યતા બતાવાઈ રહી છે. દરમિયાન, આ વર્ષે તાજેતરમાં એપ્રિલ મહિનામાં ચાની નિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે. આ પૂર્વે જાન્યુઆરીથી માર્ચનીા ગાળામાં ચાની નિકાસમાં આશરે ૧૪૦ લાખ કિલોનો ઘટાડો થયો છે તથા ત્યારબાદ એપ્રિલ મહિનામાં પણ નિકાસમાં પીછેહટ આગળ વધી હતી. મે તથા જૂનના આવા આંકડાઓ પણ નિરુત્સાહી આવવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. જો કે  યુધ્ધ સમાપ્ત થાય પછીના ગાળામાં આગળ ઉપર આવનારા મહિનાઓમાં ભારતથી ચાની નિકાસ ફરી વધવાની  આશા જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, પશ્ચિમ બંગાળમાં ચાના બગીચાઓમાં કામ કરતા વર્કરો માટે રૂ.૩૧૪ કરોડનું વેલફેર ભંડોળ રિલીઝ થવાની શક્યતા છે તથા આ માટે વિશિષ્ટ કમિટિ પણ બનાવવામાં આવી હોવાના સમાચાર  મળ્યા હતા.