વિશ્વમાં વિચારસરણીઓના યુદ્ધનો આવી ગયેલો અંત

- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા
- હવે જગતની સરકારોએ આર્થિક વૃદ્ધિ દર વધારવાની વ્યવહારૂ પધ્ધતિઓમાં વધુ રસ લેવા માંડયો
- એકવીસમી સદીમાં વિવિધ દેશોએ હવે વ્યવહારૂ પદ્ધતિઓમાં રસ લેવા માંડયો
૧૯૧૭માં રશિયન ક્રાંતિ પછી એક રાજકીય અને આર્થિક વિચારસરણી તરીકે સામ્યવાદ (માર્ક્સવાદ)નો વ્યાવાહરિક રૂપમા જન્મ થયો. ૧૯૪૯મા ચીનમા સામ્યવાદી વિચારસરણી અમલમા આવી જેનું સોવિયેટ રશિયાથી કાંઈક જૂદી રીતે માઓવાદમા રૂપાંતર થયું. તે પછીના વીસમી સદીના લગભગ ૮૦ વર્ષ વિચારસરણીના યુદ્ધો ચાલ્યા અને ૧૯૪૫મા બીજા વિશ્વયુદ્ધ બાદ મૂડીવાદ વિરૂદ્ધ સામ્યવાદ વચ્ચે પ્રચંડ વૈચારીક ઘર્ષણો થયા.
રશિયાએ પંચવર્ષીય યોજનાઓ દ્વારા એટલી ઝડપથી આર્થિક વિકાસ કર્યો કે પ્રેસીડેન્ટ કેનેડીના કાળ દરમિયાન ઝડપથી આર્થિક વિકાસ માટે સામ્યવાદ વધુ સારો કે મૂડીવાદ તેની લાંબી ચર્ચાઓ ચાલી. ૧૯૬૦ના દાયકામા એક સમયે તો એવી ચર્ચા ચાલી હતી કે સોવિયેટ રશિયાનંુ અર્થકારણ મૂડીવાદી અમેરીકાના અર્થકારણને આંબી જશે પરંતુ તેમ થયું નહીં. સમગ્ર વીસમી સદીમા જેને અંગ્રેજીમા 'ગ્રાન્ડ નેરેટીવ' કહેવાય તે મૂડીવાદ વિરૂદ્ધ સામ્યવાદ, માઓવાદ વિરૂદ્ધ અમેરીકન ડેમોક્રસી નીઓલીબરાલીઝમ વિરૂદ્ધ રાજ્ય સંચાલિત અર્થકારણ, ડેમોક્રસી વિરૂદ્ધ ડીક્ટેટરશીપ, પ્રોલેટેરીયન રીવોલ્યુશન (મજૂરો દ્વારા ક્રાંતિ) વિરૂદ્ધ રીપ્રઝેન્ટેટીવ ડેમોક્રસી અંગેની હતી.
સામ્યવાદી અર્થકારણ જે ચીનમા માઓવાદ સ્વરૂપે પ્રગટયો તેમા માઓ જીવતા હતા ત્યાં સુધી ચીનનું અર્થકારણ બહુ જ નબળુ હતુ પરંતુ ઇતિહાસમા જેને વિભૂતી કહી શકાય એવા ડેન્ગે સામ્યવાદી પ્રકારના અર્થકારણને અવગણીને ચીનને (જે ૧૯૪૭મા ભારતની આઝાદીના સમયે વધારે ગરીબ હતું.) જગતનો સૌથી સમૃદ્ધ દેશ અમેરીકા પછી બીજા નંબર પર લાવી દીધું. ટ્રાન્સફોર્મીટીવ લીડરશીપનું અદ્ભુત ઉદાહરણ ચીનના લીડર ડેન્ગે પૂરૂ પાડયું.
૨૧મી સદીમા મૂડીવાદ અને હવે વિચાર સરણીઓનો અંત આવ્યો છે તેની સૌ પ્રથમ શરૂઆત અમેરીકાના સોશીયોલોજીસ્ટ પ્રોફેસર ડેનીયલ બેલે તેમના ૧૯૬૦મા પ્રકાશિત થયેલા પુસ્તકમા કરી તેમના મતે પશ્ચિમ જગતના અપાયેલા માર્ક્સવાદ, પરંપરાગત સમાજવાદ જેવી ભવ્ય થીયરીઝ હવે અપ્રસ્તુત બની ગઈ છે.
સામ્યવાદ વિરૂદ્ધ મૂડીવાદની ચર્ચાની જગ્યાએ જગતની સરકારો આર્થિક વૃદ્ધિ દર કેવી રીતે વધારવો, કલ્યાણ રાજ્યો કેવી રીતે ઊભા કરવા તે અંગેની ટેકનીકલ ચર્ચામા પડી ગયા છે. ટૂંકમા વિચારસરણીઓ અંગેની મોટી મોટી ચર્ચાઓને બદલે હવે ૨૧મી સદીમા જગતની સરકારોએ આર્થિક વૃદ્ધિ દર વધારવાની વ્યવહારૂ (પ્રેગ્મેરીક) પધ્ધતિઓમા વધુ રસ લેવા માડયો છે.
પશ્ચિમ જગતે મૂડીવાદને કલ્યાણ રાજ્યમા ફેરવી નાખ્યો છે જ્યારે ચીને સામ્યવાદ અર્થકારણને બજારવાદ સાથે જોડીને ચીનને જગતનો એક નંબરનો નિકાસ કરનાર દેશ બનાવી દીધો છે.









