ઇંધણના ભાવ વધશે તો દેશના અર્થકારણને મોટું નુકસાન થશે

- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા
- પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાથી લોકોના ઘરેલું બજેટ પર સીધી અસર થશે
કેન્દ્ર સરકારનું અર્થકારણ અત્યારે મજબૂત નથી. ભલે ૨૦૨૫-૨૦૨૬મા ભારતનો અંદાજીત આર્થિક વૃદ્ધિ દર ૬.૬ ટકા જેટલો રહેશે. પરંતુ ભારત સરકારનું દેવુ ૨૦૨૫મા જીડીપીના આશરે ૮૪ ટકા હતું. સરકાર ભારતમાં મટીરીઆલીસ્ટ ફીલોસોફીના સ્થાપક ચાર્વાકની જેમ દેવુ કરીને ઘી પીવામા ભલે માનતું હોય પરંતુ સરકારે જાહેર દેવા પાછળ વ્યાજની મસમોટી રકમ ખર્ચવી પડે છે. તે કારણે સરકારે કલ્યાણ યોજનાઓ પાછળ ખર્ચ ઘટાડવો પડે છે.
ભારતને અનુરુપે તેની બજેટ ખાદ્ય અને જાહેર દેવુ ઘટાડવાની જરૃર છે. સરકારની અત્યારની બજેટ ખાદ્ય તેની જીડીપીના ૭.૮ ટકા છે જેને ઇ.સ. ૨૦૩૧મા ઘટાડીને તે ૬.૬ સુધી લઇ જવા માંગે છે.
સાડા છ ટકાથી પણ વધુ આર્થિક વૃદ્ધિ દરથી ધમધમતા આપણા દેશના અર્થકારણમા ડીઝલ પેટ્રોલનો સંભવિત ભાવ વધારો દેશના અર્થકારણને ઘણુ નુકસાન કરશે. જગતમા ક્રૂડ ઓઇલ અને પેટ્રોલના ભાવો ખૂબ ઝડપથી વધી રહ્યા છે. ભારત સરકારે છેલ્લા અઢી મહીનાથી ચાલતી ઓઇલ ક્રાઈસીસને કારણે ઘણી ચિંતિત છે.
ભારતની ૨૦૨૫-૨૦૨૬ના ફા. વર્ષમા કુલ આયાત ૭૭૫ અબજ ડોલર્સ હતી તેમાથી ૧૪૩ અબજ ડોલર્સની આયાત તો માત્ર ક્રૂડ ઓઇલની જ હતી, ૭૨ અબજ ડોલર્સ ખાદ્ય તેલની અને ૧૪.૫ અબજ ડોલર્સ ખાતરની હતી. ઉપરના આંકડા દર્શાવે છે કે ક્રૂડ ઓઇલની કિંમત ભારતીય અર્થકારણ પર મોટી અસર કરે છે. તે ઉપરાંત રીઝર્વ બેંકના અહેવાલ પ્રમાણે ભારતમા ફુગાવાનો દર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ૫.૨ ટકા પર રહેવાનો સંભવ છે. અલબત્ત રીઝર્વ બેંકનો ફુગાવાના દરનો રેન્જ ૨થી ૬ ટકા સુધી છે.
અત્યારે મોદી સરકાર માટે ચિંતાનું કારણ એ છે કે પાંચ રાજ્યોની ચૂંટણીઓમા ભારતની બીજેપી સરકાર હારી ના જાય તે માટે તેણે છેલ્લા અઢી મહીનાથી પેટ્રોલ ડીઝલના ભાવો કૃત્રિમ રીતે ઓછા રાખ્યા છે. તેને કારણે દેશની સરકારી ઓઇલ કંપનીઓને એકલાખ કરોડ રૃપિયાની ખોટનું વિષપાન કરવું પડયું છે. આ ખોટની ભરપાઈ કરવા સરકાર હવે પેટ્રોલ-ડીઝલના ભાવમા ધરખમ વધારો કરશે તે સિવાય કોઈ છૂટકો જ નથી. પેટ્રોલની કે ડીઝલની કિંમતમા ધરખમ વધારો પ્રજાના ઘરેલું બજેટને નુકસાન કરશે.
૧૯૭૩મા આરબ તેમજ અન્ય દેશો જેને ઓપેક નામ આપવામાં આવ્યું છે અને જે હવે ૧૧ દેશોની કમિટી બની ગઈ છે. ક્રૂડ ઓઇલના એક બેરલનો ભાવ ત્રણ ડોલર્સથી વધારીને સીધો બાર ડોલર્સ કરી નાખ્યો અને તે કારણે સમગ્ર પશ્ચિમ જગત રીસેશન (મંદી)મા ફસાઈ ગયું. સદભાગ્યે આ રીસેશન (મંદી) તેના કનિષ્ઠ સ્વરૃપ ડીપ્રેશન (મહામંદી)મા ફેરવાઈ ગયું નહી. એમ થાત તો જગત ૧૯૩૦ની મહામંદીમા ફસાઈ જાત.
છેલ્લા સમાચાર પ્રમાણે ભારતમા હોર્મુઝ ખાડીના બંધ થવાને કારણે ૧૪૦૦ રૃપિયા મળતી ડીએપી (ડાયોએમોનીયમ ફોસ્ફેટ) ખાતરની ૫૦ કીલોગ્રામ થેલીનો ભાવ સીધો ૨૧૦૦ રૃપિયા થઇ ગયો છે. અત્યારનું ખાડીયુદ્ધ ભારતને કેટલુ ભારે પડી રહ્યું છે તેનો આ એક નાનકડો દાખલો છે. હવે ટૂંક સમયમા સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવોની જાહેરાત કરશે પરંતુ પેટ્રોલ ડીઝલના ભાવો લીટર દીઠ ૧૪૦ થી ૧૫૦ રૃપિયા પર પહોંચી જશે તો દેશમા હાહાકાર મચી જવા સંભવ છે. આ લખાય છે ત્યારે ઇરાન અને અમેરીકા વચ્ચે ફરી ઘર્ષણ વધવાની ભીતિને કારણે ક્રૂડ ઓઇલના ભાવો ઉછળીને એક બેરલના ૧૦૭ ડોલર્સ પર પહોંચી ગયા છે. સરકાર હવે ડોમેસ્ટીક અને કોમર્શીયલ એલપીજીના ભાવોમાં પણવધારો કરે તેવી સંભાવના છે.








