Magazines

વૈશ્વિક સ્તરે ટકવા માટે ભારતે ડિપ્લોમેટીક ચાલ ચાલવી પડશે

By GS TEAM
14 Sep 20253 mins read
વૈશ્વિક સ્તરે ટકવા માટે ભારતે ડિપ્લોમેટીક ચાલ ચાલવી પડશે

- પ્રવર્તમાન પ્રવાહો જોતા

- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

- ભવિષ્યમાં વીજળી માટે એટમીક એનર્જી એકમાત્ર સ્ત્રોત બની રહેશે

અમેરીકાના પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને એક બાબત વારંવાર ખૂંચ્યા કરે છે તે એ કે ભારત રશિયા પાસેથી કેમ આટલા સસ્તા ભાવે ખનિજ તેલ ખરીદે છે ? અને આ ઓછું હોય તેમ તે સસ્તુ આયાતી ખનિજ તેલ અન્ય દેશોને વેચીને નફો કરે છે ? ટ્રમ્પની ટેરીફ વોરને કારણે ટ્રાન્સશીપમેન્ટ જેને અપ્રમાણીક વ્યાપાર કહી શકાય તે પણ વધતુ જાય છે તેવા સમાચાર આવવા માંડયા છે.

ટ્રાન્સશીપમેન્ટ એટલે ઉદાહરણ તરીકે અમેરીકાએ અમુક ચીજવસ્તુ પર ભારત પર ૫૦ ટકા ડયુટી લગાડી દીધી જ્યારે તેના માનીતા ઇંગ્લેન્ડ કે સમગ્ર ગ્રેટ બ્રીટન પર માત્ર ૬ ટકા જ ડયુટી (ટેરીફ) લગાવી હોય તો ભારત અમેરિકાથી બ્રિટનમાં માલ મંગાવે અને માત્ર ૬ ટકા જ ડયુટી ભરે અને ભારત પર બ્રીટને આ માલ પર ૭ ટકા ડયુટીનો દર લાગુ કર્યો હોય તો ભારત અમેરિકાનો માલ ૫૦ ટકાની ટેરીફ પર નહીં પરંતુ ૧૩ ટકાની ટેરીફથી આયાત કરી શકે. અલબત્ત આ છેતરપીંડી ગણાય પરંતુ જગતના વ્યાપાર ધંધામાં આવુ બનતું જ આવ્યું છે.

મૂળવાત તો એ છે કે અમેરીકા તેની સમૃદ્ધીને કારણે વિદેશી વ્યાપારમા ટ્રેડ સરપ્લસ ધરાવતો દેશ હોવો જોઇએ તેને બદલે તે જગતમા સર્વોચ્ચ ટ્રેડ ડેફીસીટ ૨૦૨૩માં ૧.૧ ટ્રીલીયન ડોલર્સ એટલે કે ૧૧૦૦ બીલીયન ડોલર્સની અને અત્યારે પણ ૯૦૦ બીલીયન ડોલર્સથી વધારે ટ્રેડ ડેફીસીટ ધરાવે છે. જગતના સૌથી સમૃદ્ધ દેશે જંગી ટ્રેડ સરપ્લસ ઊભો કરવો જોઇએ તેને બદલે જગતમા સૌથી વધુ ટ્રેડ ડેફીસીટ ધરાવતો દેશ કેવી રીતે બની શકે ? અમેરીકા પાસે અઢળક બળતણના તેલના કૂવાઓ છે અને ક્રૂડ ઓઇલનું અઢળક રીઝર્વ પણ છે. છતા જગતમા બળતણના તેલનો સૌથી મોટો નિકાસકાર દેશ સાઉદી અરેબીયા છે. તે પછી રશિયા બીજા ક્રમે અને કેનેડા ત્રીજા ક્રમે છે. રશિયા પાસે તેલનો અખૂટ ભંડાર હોવાથી તે ક્રૂડ ઓઇલ પોલીટીક્સ ખેલવામા માહીર છે. તે ભારતને અને ચીનને સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ વેચીને તેમાથી 'પોલીટીકલ માઈલેજ' ેળવે છે. રશિયાની ક્રૂડ ઓઇલની કુલ નિકાસમાંથી તે ચીનને ૪૭ ટકા અને ૩૮ ટકા ભારતને વેચે છે. યાદ રહે કે બ્રીક્સ સંગઠન જેને ડોનાલ્ડ ટ્રમ્પ પશ્ચિમ જગત સામેનું ષડયંત્ર ગણે છે તેના બે પ્રમુખ સાથી દેશો ચીન અને ભારતને રશિયા સાથીદાર ગણી સસ્તે ભાવે ખનિજ તેલ વેચે છે.

જગતના સૌથી મોટો ક્રૂડ ઓઇલનો આયાતકાર ચીન છે અને પછી ભારત છે. પરંતુ જેને નેેચરલ ગેસ કહે છે તેની જગતમા સૌથી વધુ નિકાસ કરનાર દેશ અમેરિકા છે અને તે પછી રશિયા છે. ભારત રશિયા પર તેના ક્રૂડ ઓઇલ માટે જ નહી પરંતુ નેચરલ ગેસ પર પણ મોટો આધાર રાખે છે. નેચરલ ગેસના ઉત્પાદનમાં ભલે અમેરીકા નંબર ૧ હોય પરંતુ પાઈપ દ્વારા નેચરલ ગેસ પહોંચાડવામાં નંબર એક રશિયા છે. કારણ કે દક્ષિણ યુરોપના ઘણા દેશોની પાસે છે જ્યારે અમેરીકા ઘણું જ દૂર છે તેથી તે યુરોપીયન દેશોમાં પાઈપ દ્વારા ગેસ પૂરો પાડી શકે નહીં. તે બહુ મોંઘુ પડી જાય. કોલસો પણ ઊર્જાનો એક મોટો પણ મોંઘો (પ્રદૂષણ ફેલાવનારો) સ્ત્રોત છે. ભારત રશિયા પાસેથી કોલસાની પણ મોટા પ્રમાણમા આયાત કરે છે. ૨૦૨૪માં રશિયાની કોલસાની કુલ નિકાસમાંથી ચીને ૪૪ ટકા, ભારતે ૧૯ ટકા અને ટર્કીએ ૧૧ ટકા આયાત કરી હતી.

ઊર્જાનો એક મુખ્ય સ્ત્રોત વીજળી છે પરંતુ વીજળી મેળવવા પણ પેટ્રોલ, કોલસો, બળતણનું તેલ જરૂરી છે. એટોમીક એનર્જી કે પાણીનો ધોધ વીજળી પેદા કરી શકે છે પરંતુ બહુ ઓછા દેશોમા પાણીના ધોધની સગવડો હોય છે. ભવિષ્યમા વીજળીનો એક માત્ર સ્ત્રોત એટમીક એનર્જી બની જાય તો નવાઈ નહી. વળી ઇલેક્ટ્રોનીક અને એઆઈ સાધનો માટે જરૂરી જથ્થો જેને દુર્લભ પદાર્થો કહે છે તેનો સૌથી મોટો જથ્થો ચીન પાસે છે. એટલે કે હુક્મનો એક્કો દુર્લભ મેટલ્સની બાબતમા ચીન પાસે છે.