Magazines

વૈશ્વિક અર્થતંત્રના વૃદ્ધિદર કરતા વસતી વધારાનો દર ઊંચો

By GS TEAM
7 Jun 20263 mins read
વૈશ્વિક અર્થતંત્રના વૃદ્ધિદર કરતા વસતી વધારાનો દર ઊંચો

- વિશ્વની વસતી 2026માં 830 કરોડ પર પહોંચી ગઈ છે 

- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

- ઉત્તર પ્રદેશની ૨૪.૩ કરોડની વસતી સામે રશિયાની માત્ર ૧૪.૪ કરોડ વસતી

ભારતના અર્થકારણમાં ૧૯૯૧માં મૂળભૂત ક્રાંતિ લાવવાનો યશ નરસિંહરામ અને મનમોહનસીંઘની કોંગ્રેસ સરકારને જાય છે. તેઓએ ભારતના પરમીટ-લાયસન્સ- કન્ટ્રોલના રાજ્યને હથોડીના એક જ ઘાએ નાબૂદ કરી નાખ્યું અને ભારતીય અર્થતંત્રને સરકારી ચુંગાલમાંથી મુક્ત કર્યું તે પછીના ૩૫ વર્ષમાં કોઈપણ સરકારે દેશના અર્થકારણમાં આવા મૂળભૂત ફેરફારો કર્યા નથી. 

૧૯૯૮થી ૨૦૦૪માં વાજપેયી સરકાર આવી, ૨૦૦૪થી ૨૦૧૪માં યુપીએ સરકાર આવી અને ૨૦૧૪થી ૨૦૨૬ સુધી અત્યારે કેન્દ્રમાં મોદી સરકાર રાજ કરે છે પરંતુ આ સરકારનું અર્થકારણ પણ ચીલાચાલુ છે.

ભારતમાં વસતી વધારો ઃ ભારતમાં વસતી વધારાએ તેના ૬ ટકા કે તેથી વધુ આર્થિક વૃદ્ધિદરને અંશતઃ ભરકી ખાય છે. ૧૯૫૧માં ભારતની વસતી જે આશરે ૩૫ કરોડની હતી તે પર સ્થિર થઈ ગઈ હોત તો ભારતીય જનની માથાદીઠ આવક જે ૨૯૦૦ ડોલર્સની આસપાસ છે તે ૧૨,૦૦૦ ડોલર્સથી પણ વધુ હોત અને ભારતને વિકસિત અર્થકારણનું બીરૂદ પ્રાપ્ત થાત. ભારતની કોઈ સરકારે વસતી વધારાની નિયંત્રણની બાબતમાં કોઈ નક્કર કામ કર્યું નથી.

વસતીની બાબતમાં યુનાઇટેડ નેશન્સના પોપ્યુલેશન કલોક (આ ઘડીયાળ વિશ્વની વસતીની મીનીટે મીનીટે માપણી કરે છે) પ્રમાણે વિશ્વની વસતી ૨૦૨૬માં ૮૩૦ કરોડ પર પહોંચી ગઈ છે. 

જગતમાં સૌથી વધુ વસતી ધરાવતા ત્રણ દેશો ભારત (૧૪૭ કરોડ વસતી), ચીન (૧૪૧ કરોડ વસતી) અને યુએસએ (૩૪.૯ કરોડ વસતી) છે. જગતની કુલ વસતીમાં દર વર્ષે ૬.૮૮ કરોડનો વધારો થાય છે. જગતની વસતી વધારાનો વાર્ષિક દર .૮૪ ટકા છે. ૨૦૩૭માં જગતની વસતી ૯૦૦ કરોડ પર પહોંચી જશે.

જગતમાં કેટલાક ટોચના સમૃદ્ધ રાષ્ટ્રોની વસતી ઘણી ઓછી છે અને તેમાંના મોટાભાગના દેશો પશ્ચિમ યુરોપના છે જે ભારત કરતા ઘણા શાણા અને બુદ્ધિશાળી છે.

 તેમાં કેટલાક નીચેના રાષ્ટ્રોનો સમાવેશ થઈ શકે છે. યુ.કે. (૬.૯૯ કરોડ એટલે કે ગુજરાતની ૭.૪૩ કરોડની વસતીથી પણ ઓછી વસ્તીવાળો દેશ) ફ્રાંસ (૬.૬૭ કરોડ), ઈટાલી (૫.૯૯ કરોડ), કેનેડા (૪ કરોડ), ગ્રીસ (૯૮ લાખ), સ્વીત્ઝલેંડ (૯૦ લાખ), ડેન્માર્ક (૬૦ લાખ), નોર્વે (૫૬.૫ લાખ), ફ્રીનલેંડ (૫૬ લાખ), સ્વીડન (૧ કરોડ સાત લાખ), પોર્ટુગલ (એક કરોડ ચાર લાખ) વગેરે.

ભારતના ઉત્તર પ્રદેશની વસતી અત્યારે અધધધ... ૨૪.૩ કરોડ છે. જ્યારે બિહારની તે ૧૩.૨૯ કરોડ છે. ભારતના ઉત્તર પ્રદેશને જો એક દેશ ગણીએ તો તેની એકલાની વસતીનો જગતમાં છઠ્ઠો ક્રમ આવે. યાદ રહે કે રશિયા જે અત્યારે સુપર પાવર ગણાય છે તેની કુલ વસતી માત્ર ૧૪.૪ કરોડ છે.જગતની વસતી ઉપર જોયું તેમ ૮૪ ટકાના દરે વધી રહી છે પરંતુ જગતનું અર્થકારણ છેલ્લા ઘણા વર્ષોથી સરાસરી ૩ ટકાના દરે વધી રહ્યું છે.

 તેથી આર્થિક રીતે જગત ખાડે ગયું નથી પરંતુ જગતના અર્થકારણની મુખ્ય સમસ્યા તેના ૧૯૫ રાષ્ટ્રો વચ્ચે અને દરેક રાષ્ટ્રની અંદર આર્થિક અસમાનતા (આવક અને સંપત્તિ)ની છે. જગતના મોટાભાગના દેશોને ઝડપી આર્થિક વિકાસ કરવાની ચાવી હાથમાં લાગી ગઈ છે. પરંતુ જગતના દેશો અંદર અંદર લડે છે, એકબીજાની સરહદો ખૂંચવી લેવા માગે છે.