દિલવાલે ડીઝલ લે જાયેંગે, મૈને પેટ્રોલ સે પ્યાર કિયા

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
- જનતામાં ત્યાગની ભાવના જગાવવા પેટ્રોલ-ડીઝલની અછત પર ફિલ્મ બનાવવા નિર્ણય
તમામ પ્રધાનો અને અધિકારીઓને લેસન આપવામાં આવ્યું. દિવસમાં ૧૦ વાર મીડિયા સમક્ષ જઈને કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રટણ કરો કે 'દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત નથી, દેશમાં પેટ્રોલ-ડીઝલનો પુરતો પુરવઠો છે.'
જોકે, અમલના બે-ચાર દિવસમાં જ અધિકારીઓએ મંત્રીઓને ફરિયાદ કરી કે અમે આવી પોસ્ટો મૂકીએ છીએ તેની નીચે લોકો ડીઝલ માટે લાઈનો લાગતી હોય તેવા ફોટા મૂકીને મનફાવે તેમ કોેમેન્ટ કરે છે.
એક મંત્રીએ સજેશન આપ્યું કે 'આપણે દેશમાં સોશિયલ મીડિયા જ બંધ કરાવી દઈએ તો? ન રહેગા બાંસ, ન રહેગી બાંસુરી. પ્રજા લાઈનોના ફોટા મૂકવા જશે ક્યાં?'
બીજા મંત્રીએ તરત જ વિરોધ કર્યો. 'ના..ના..અત્યારે પ્રજાને ઉકળાટ ઠાલવવાની જેટલી જરુર છે તેના કરતાં દસગણી જરુર આપણને સ્પષ્ટતાઓ કરવાની તથા પ્રચાર કરવાની છે. '
ત્રીજા પ્રધાને સજેશન આપ્યું. 'એમ કરીએ. સોશિયલ મીડિયા ચાલુ રાખીએ પરંતુ તેના પર ફક્ત સરકારી અધિકારીઓ, મંત્રીઓ અને સત્તા પક્ષના નેતાઓ જ પોસ્ટ કરી શકે તેવો નિયમ બનાવીએ. પ્રજા ફક્ત મૂકદર્શક. તેને પોસ્ટ કરવાનો કે કોમેન્ટ કરવાનો અધિકાર નહીં. '
ચોથા એક મંત્રી કહે, ' એવું કરશું તો આડીઅવળી પોસ્ટ તથા કોમેન્ટ કરીને અત્યારે પ્રજામાં આપણા કોણ કોણ વિરોધી છે તે ખબર પડે છ ે પણ નહીં પડે. ને આપણે જો આપણા વિરોધીઓને નહિ ઓળખી શકીએ તો પછી ઈડી-સીબીઆઈને વિખેરી નાખવા પડશે.'
પાંચમા મંત્રી કહે, 'જુઓ, દેશનાં કોઈપણ સંકટ વખતે મનોરંજન એ જ આપણો એકમાત્ર આશરો છે. આપણે અત્યારે મોટાભાગના ફિલ્મવાળાઓને સરકારી ફિલ્મવાળાઓ જ બનાવી દીધા છે તો પછી આવાં સંકટ વખતે એમનો પણ ઉપયોગ કરીએ. એ લોકો પેટ્રોલ-ડીઝલની અછત પર ફિલ્મ બનાવે પણ એમાં મનોરંજનનો એવો મસાલો ઉમેરો કે પ્રજા ગળચટી ચટણીની જેમ એને ચાટી જાય.'
એક મંત્રી કહે, 'વાહ, આપણો કોઈ ધુરંધર એજન્ટ પાકિસ્તાન જઈને પેટ્રોલ-ડીઝલની ટેન્કરો તાણી લાવે એવી ફિલ્મ બનાવવી છે?'
બીજા મંત્રી મોઢું બગાડતા કહે, 'યાર, પાકિસ્તાન તો સાવ ભીખારી દેશ છે. એના પેટ્રોલમાં કેટલું પાણી હશે ને કેટલું તેલ એનો કોઈ ભરોસો નહીં.'
એક મંત્રી કહે, આપણા કોઈ ધુરંધર એજન્ટ યુએઈમાં જઈને મારધાડ કરીને ક્રૂડનાં એક હજાર ટેન્કર ભારત તરફ દરિયામાં વહેતાં મૂકી દે એવી સ્ટોરી બનાવી શકીએ. પણ પ્રોબ્લેમ એ છે કે આપણે બધા આરબ કન્ટ્રી સાથે સારી દોસ્તી છે. એમનું દિલ દૂભાય એવી કોઈ એક્શન ફિલ્મ ન બનાવાય.'
'આઇડિયા.' ત્રીજા મંત્રી બોલી પડયા. 'એક્શન નહિ તો રોમાન્ટિક ફિલ્મ. એમાં તો આપણા ફિલ્મવાળાઓની માસ્ટરી છે. 'દિલવાલે ડીઝલ લે જાયેંગે' કે પછી 'મૈને પેટ્રોલ સે પ્યાર કિયા' એવાં કોઈ ટાઈટલ સાથે ફિલ્મ બને જેમાં આપણો ધુરંધર કોઈ આરબ શેખની કુંવરીના પ્રેમમાં પડે અને શેખ એને રાજી થઈને દહેજમાં ૫૦૦ ક્રૂડ ટેન્કરની ભેટ ધરી દે એવી ફિલ્મ બને તો?'
એક અધિકારી તાળી પાડતાં કહે, 'અદ્ભૂત સ્ટોરી આઇડિયા છે પણ આરબ કન્ટ્રીમાં લગ્ન નહિ નિકાહ બતાવવાં પડશે. આપણી દર્શક જનતાને ડીઝલની અછત કરતાં પણ આરબ વહુને દેશમાં લાવવી તો પાછું ધર્મ અને વિદેશી વહુના મુદ્દા પણ ઉભા થશે.'
મંત્રીઓએ વધુ સ્ટોરી આઇડિયા નેક્સ્ટ મીટિંગ પર મુલત્વી રાખ્યા.
સ્માઈલ ટીપ
ઘરે ઘરે ચકલી ખોલોને ક્રૂડ નીકળશે એવું વચન વર્ષો પહેલાં અપાયું હતું, અત્યારની કરકસર જોતાં હજુ વર્ષો પછી પણ આપી શકાશે.








