સાબુ મોંઘા થયા તેનો વાંધો નહિ, જનતાને તો નેતાઓ જ નવડાવી દેશેે

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
- હવે દહેજમાં એક મોટી સૂટકેસ ભરીને સાબુની ડિમાન્ડ થશે
આદિમાનવે ચક્રની અને ખેતીની શોધ કરી તેનાં કેટલાં હજારો વર્ષ પછી સાબુની શોધ કરી હતી તેનો કોઈ ઉલ્લેખ ઈતિહાસમાં મળતો નથી. મતલબ કે આપણા પૂર્વજો હજારોનાં હજારો વર્ષ સુધી ફક્ત પાણીથી મોઢું ધોઈને જ ચલાવી લેતા રહ્યા હતા. જોકે, એક અફવા અનુસાર એ જમાનામાં નદીઓ, તળાવો, દરિયાનું પાણી પણ એટલું ચોખ્ખું રહેતું હતું કે આપણા પૂર્વજોને સાબુની જરુર રહેતી જ ન હતી. આ પરથી કોઈ પર્યાવરણવાદી કે કોસ્મેટિક્સશાસ્ત્રના અભ્યાસુ નદી-તળાવો જેમ ગંદા થતાં ગયાં તેમ સાબુનો વપરાશ વધતો ગયો કે પછી સાબુની શોધ થયા પછી માણસે નદી-તળાવો ગંદાં કરવાં માંડયાં એ વિશે કોઈ તુલનાત્મક અભ્યાસ કરી શકે.
ખેર, એ પછીનાં હજારો વર્ષો એવાં ગયાં જ્યારે માણસો નાહી નાખવા જેવું અંગત કામ જાહેરમાં જ પતાવી દેતા હતા. એ પછી એવો કળિયુગ આવ્યો કે માણસને જાહેરમાં સ્વચ્છ થવામાં પણ શરમ આવવા લાગી. લોકો જ સહજતાથી તમાકુ ખાધા બાદ જે સહજતાથી રસ્તા પર પિચકારી મારી શકે છે એ સહજતાથી રસ્તા પર મોઢું નથી ધોઈ શકતા. બોલો, આપણને જાહેરમાં ગંદકી કરવી ગમે છે પણ ચોખ્ખા થવાનું નહીં.
આ સ્નાનપુરાણ અત્યારે ઉખેડવાનું કારણ એ છે કે સાબુ કંપનીઓએ સાબુના ભાવ વધારી દેવાની જાહેરાત કરી છે. દુનિયામાં તમામ પ્રકારની આર્થિક, માનસિક અને પ્રચારાત્મક ગંદકી વધારી દેનારા ડોનાલ્ડ ટ્રમ્પ જ જનસામાન્યની આ શારીરિક ગંદકી વધારવામાં નિમિત્ત બન્યા છે. યુદ્ધને કારણે સાબુ બનાવવામાં વપરાતાં પામ ઓઈલ અને બીજી કેમિકલ સામગ્રીઓ મોંઘી થતાં ભાવ વધી રહ્યા છે.
આ હિસાબે ઘરમાં હવે આખેઆખા નાહી નાખવાને બદલે ફક્ત મોઢાં પર પાણીનો સ્પ્રે મારીને નીકળી જનારા બચતપ્રેમી ગણાશે. જેમને ઘરે વારંવાર સાબુ રગડીને નહાવાની ટેવ હશે એ બધા ઉડાઉ ગણાશે. કદાચ એવું બને ખરું કે લોકો પૈસાના પ્રદર્શન માટે નવી કાર કે ફોરેન ટૂરના ફોટા મૂકે છે તેમ પોતાના સાબુ કલેક્શનના પણ ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરશે. કદાચ તેના પરથી પ્રેરણા લઈને ફેસબુકવાળા ફેસ-વોશબુક એવું કોઈ નવું વર્ઝન લોન્ચ કરે પણ ખરા.
હવે કદાચ જે છોકરો પોતે મહિને ચાર સાબુ વાપરી જાય છે એવું જાહેર કરશે તેને છોકરીવાળા જલ્દી હા પાડી દેશે. આપણા સમાજનું ભલું પૂછવું, હવે લગ્ન પછી દહેજમાં વરની મા એક મોટી સૂટકેસ ભરીને સાબુની પણ માંગ કરીને એમ કહેશે કે છેવટે આ સાબુથી તો તમારી છોકરી જ અમારે ત્યાં ચોખ્ખી રહેવાની છે. કદાચ લ્હાણીબાજ રાજકીય પાર્ટીઓ ચૂંટણીમાં 'હર હર સાબુ, ઘર ઘર સાબુ'નું સૂત્ર આપી દર મહિને જણદીઠ બે સાબુનું વચન આપી શકશે.
જોકે, આ નેતાઓ પરથી યાદ આવ્યું કે સાબુના ભાવ વધ્યા તેનું ખોટું ટેન્શન લેવા જેવું નથી. આપણા નેતાઓ આમ પણ સાબુ કે પાણી વગર આપણને નવડાવી જ દે છેને!
સ્માઈલ ટિપ
શું જમાનો આવ્યો છે, એક પણ સાબુ કંપનીના શેર ન હોય તેવા લોકો પણ શેરબજારમાં નહાઈ રહ્યા છે.









