ખાવાના નામે ખેલ, મોંઘું છે દૂધ અને નથી વાપરવાનું તેલ

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
- તેલનો વપરાશ ઘટાડવા સરકાર જાતે જ એર ફ્રાયરની ફેક્ટરીઓ શરુ કરી ઘરે ઘરે ફ્રીમાં આપી દે
મંત્રીશ્રીએ અધિકારીઓને તેડાવ્યા. 'તાબડતોબ સીબીકેઆઈની રચના કરો. '
એક અધિકારી કહે, 'સર, વિપક્ષો પર તૂટી પડવું હોય તો સીબીઆઈ અને ઈડી કાફી છે. આ નવી સીબીકેઆઈ શું દુશ્મન દેશો પર તૂટી પડવા માટે છે? '
મંત્રી ગુુસ્સે થઈને કહે,'મોઢું સંભાળીને બોલો. સકળ વિશ્વમાં આપણે ગુરુ છીએ. આપણું કોઈ દુશ્મન રાષ્ટ્ર નથી. સૌ આપણા અનુયાયી રાષ્ટ્રો છે. '
બીજા અધિકારી કહે, 'સર, આ અનુયાયીઓ અંદરોઅંદર ઝઘડે છે એમાં આપણા જેવા વિશ્વગુરુનું જ તેલ નીકળે છે.'
મંત્રી એકદમ ચમકીને વાત બદલતાં કહે, 'યસ..આપણે તેલની વાત જ કરવાની છે. આ સીબીકેઆઈ એટલે સેન્ટ્રલ બ્યુરો ઓફ કિચન ઈન્વેસ્ટિગેશન. આ નવી એજન્સી લોકોના ઘરે ઘરે જશે અને કોણ કેટલું તેલ વાપરે છે તેની તપાસ કરશે. આપણે વિચારી રહ્યા છીએ કે નાગરિકો માટે માથાદીઠ તેલની વપરાશ મર્યાદા નક્કી કરી દઈએ.'
ફરી એક અધિકારી કહે, 'સર, જેના માથે 'ધુરંધર'ના રણવીર જેવા વાળ હોય તેના માટે અને જેના માથે અનુપમ ખેર જેટલા વાળ હોય તેના માટે તેલનો શું એકસરખો ક્વોટા રહેશે ? તો તો લોકો 'આને કહેવાય અન્યાય' એવી બૂમો પાડશે.'
બીજા અધિકારી કહે, 'આવા કેસમાં એક્સચેન્જની છૂટ આપીશું. જેમ કે, અનુપમખેર કેટેગરીના લોકો પોતાના સરકારી ક્વોટાની તેલની બાટલી 'ધુરંધર' સ્ટાઈલના રણવીરને ટ્રાન્સફર કરી શકે.'
મંત્રી ધૂંધવાયા. 'લ્યા, હું માથાદીઠ તેલ એટલે માથે નાખવાના તેલની વાત નથી કરતો. હું તો ખાવાના તેલની વાત કરું છું. ખાદ્યતેલ, સિંગતેલ, સરસિયું, કપાસિયા... સમજ્યા ? '
ફરી એક અધિકારીએ માથું ખંજવાળ્યુું. 'સર, કોપરેલ એક જ એવું તેલ છે જે ખાવામાં અને માથામાં નાખવાના એમ બંને કામમાં વાપરી શકાય. બાકી મારી જાણ મુજબ કોઈ સિંગતેલ કે સરસિયું માથે નાખતું નથી. '
મંત્રીએ પોતાનું માથું કૂટયું. 'અરે , મારા કહેવાનો મતલબ છે કે આપણે હવે વિદેશથી તેલની ખાદ્ય તેલની આયાત ઘટાડવા માટે ઘરઆંગણે તેલનો વપરાશ ઘટાડવો પડે તેમ છે.જેમ ૧૧-૧૧ દેશોની પોલીસ માટે 'ડોન'ને પકડવવો મુશ્કેલ જ નહિ પણ અશક્ય હતું તેમ આપણી પબ્લિકને ગાંઠિયા, ભજીયાં, પુરી, સમોસા ખાતી અટકાવવી એ મુશ્કેલ નહિ પણ અસંભવ છે. એટલે આ સીબીકેઆઈ ઘરે-ઘરે ચેક કરેને ક્વોટા કરતાં જેના પણ ઘરે વધારે તેલ જણાય તેની સામે કાર્યવાહી કરે. '
એક અધિકારી કહે, 'સર, આના કરતાં આપણે લ્હાણીઓ જ કરીએ તો? સરકાર પોતે જ દેશભરમાં ઠેર ઠેર એર ફ્રાયરની ફેક્ટરીઓ નાખી દે અને પછી તાલુકા કક્ષાએ, વોર્ડ કક્ષાએ , શેરી કક્ષાએ એર ફ્રાયર લોકાર્પણ કાર્યક્રમો યોજી લોકોને ફ્રી એર ફ્રાયર આપી દે. આ રીતે ઢગલાબંધ ઈવેન્ટોનો મોકો પણ મળી જશે.'
મંત્રી ચપટી વગાડીને કહે, 'મસ્ત આઇડિયા છે. આ યોજનાનો ઝડપી પ્રચાર કરવા માટે કોઈ સારું સૂત્ર શોધી કાઢો.'
ત્યાં બીજા અધિકારીએ લલકાર્યું, 'ખાવાના નામે ખેલ, મોંધું છે દૂધ અને નથી વાપરવાનું તેલ...'
આ સાંભળી 'ભેજા-ફ્રાય' થઈ ગયું હોય તેમ મંત્રી લાલઘૂમ થઈ જતા રહ્યા.
સ્માઈલ ટીપ
જૂની કહેવતઃ તેલ જુઓ, તેલની ધાર જુઓ.
નવી કહેવત ઃ કરકસરનો ખેલ જુઓ, ચાલે છે કેટલી વાર જુઓ.








