Magazines

દેવું તો લેવું ને લેવું જ, વિના ઉધાર નહીં ઉદ્ધાર

By GS TEAM
15 Jun 20253 mins read
દેવું તો લેવું ને લેવું જ, વિના ઉધાર નહીં ઉદ્ધાર

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી

- છીંડે ચઢેલા ચોરની જેમ અખિલ ભારતીય ઉધાર સંઘના છીંડે ચઢેલા ચોર તરીકે વિજય માલ્યા હોટ ફેવરિટ

વિજય માલ્યાએ પોતે તો બેન્કોની લોન ભરી ચૂક્યા છે, છતાં પણ બેન્કો તેમનો પીછો છોડતી નથી એવું સ્ટેટમેન્ટ આપ્યા બાદ કેટલાક ઉધારિયા ભેગા થઈ ગયા. 

'આ તો હદ થાય છે, બેન્કોની હેરાનગતિની હદ થાય છે,'  એક દેવાદાર મુઠ્ઠી ઉછાળતાં બોલ્યો. 

બીજો  કહે, 'બેન્કો લોન આપવામાં હદ નથી રાખતી ને હવે હેરાન કરવામાં પણ.'

ત્રીજો દેવાદાર કહે, 'ભારતભરના દેવાદારો એક થાઓ, સામેવાળાએ પોતાની બાકી રકમ સિવાય કોઈએ કશું ગુમાવવાનું નથી.'

ચોથો દેવાદાર બોલ્યો, 'બેન્કોનું પણ સંગઠન છે. તો પછી આપણા જેવા બેન્કોની લોન લેનારાનું કોઈ સંગઠન કેમ નહીં? આપણો સંયુક્ત અવાજ નથી તેમાં જ આ બેન્કોનું માથે ચઢી વાગ્યું છે.આપણે પણ ''વિના ઉધાર નહ ીં ઉદ્ધાર', 'દેવું  તો કરવું જ કરવું' જેવાં સૂત્રો  સાથે  એક અખિલ ભારતીય લોનધારક સંગઠનની રચના કરીએ.'

પહેલો દેવાદાર કહે, 'જેમ છીંડે ચઢેલો  ચોર હોય તેમ આ દેવાદાર સંગઠનના છીંડે ચઢેલા ચેરમેન તરીકે વિજય માલ્યાની વરણીની હું  દરખાસ્ત કરું છું.'

સૌએ આ દરખાસ્તને વધાવી લીધી. ત્યાં બીજા ઉધારિયાને લાઈટ થઈ, 'એલા, વિજય માલ્યા બેન્કોની અમીદૃષ્ટિથી જ્યારે પણ સ્વદેશ પાછા આવે અને આપણા આ સંગઠનનું તેમની જાણ બહાર સોંપાયેલું ચેરમેનપદ સંભાળે  ત્યારની વાત ત્યારે, પણ અત્યારે તો આપણે આ સંગઠનને તાબડતોબ આગળ વધારવા  માટે કોઈ વર્કિંગ પ્રમુખની નિયુક્તિ કરવી પડશે.'

ચોથો દેવાદાર કહે, 'ચાલો,  એક ઠરાવ  કરો. જેમ સરકાર વખતોવખત ખેડૂતોને દેવા માફી યોજના જાહેર કરે છે તેમ પર્સનલ લોન, હોમ લોન, વ્હિકલ લોન, લોન અગેઈન્સ્ટ  ગોલ્ડ,  પ્રોજેક્ટ લોન એમ તમામ પ્રકારની લોનના બાકીદારોને પણ વખતોવખત માફીની જાહેરાત કરવામાં આવે.'

ત્રીજો  દેવાદાર કહે, ' કમસેકમ દેશની આઝાદીને ૭૭ વર્ષ  થયાં છે એ નિમિત્તે ૭૭ ઈએમઆઈ બાકી  રાખવા જેવી  છૂટછાટ આપે તો પણ ઘણું.'

ચોથો દેવાદાર કહે, 'મારું વિન્રમ  સૂચન છે કે આપણા દેવાદાર  સંગઠનને જો  એક અને સંયુક્ત રાખવું  હોય તો કોઈ રિકવરી એજન્ટને જ રાખીએ.એ લોકો સારું ફોલો-અપ કરે છે.'

આ દરખાસ્ત મુદ્દે  ઉગ્ર ચર્ચા જામી પડી. કોઈ કહે, આપણા દુશ્મનને જ રાખવો હોય તો પછી કોઈ બેન્કના ઓફિસરને જ વર્કિંગ ચેરમેન બનાવો. બીજો કહે, આપણને લોનો મંજૂર કરાવી  આપવામાં ઓડિટરોનો પણ સારો ફાળો હોય છે એવા  એકાદને  રાખો. એક સૂચન આવ્યું કે આજના ડિજિટલ જમાનાને અનુરુપકોઈ મોબાઈલ લોન એપવાળાનું એક્ઝેટ લોકેશન મળી જાય તો તેને જ ચેરમેન બનાવી દઈએ.

બધા અંદરોઅંદર મોટે મોટેથી દલીલ કરવા માંડયા. વાતાવરણ ઉગ્ર બની ગયું. ત્યાં એક વડીલ દેવાદારે  ઘાંટો પાડયોઃ'ખામોશ... મારે કંઈ કહેવું છે.'

એક દેવાદાર કહે, 'શું તમારે ઉંમર પ્રમાણે સિનિયોરિટીના હિસાબે કાર્યકારી  ચેરમેન બનવું છે, એમ ?'

વડીલ કહે, 'ના, ના. હું તો કહું છું કે દેશમાં જો  કોઈ સૌથી મોટું  દેવાદાર  હોય તો  તે સરકાર પોતે છે. સરકાર પર ૧૮૨ ખર્વ  રુપિયાનું દેવું છે. તો કોઈ સરકારી મંત્રીેને જ આપણા દેવાદાર સંગઠનના કાર્યકારી ચેરમેન બનાવીએ તો..'

વડીલ બોલી રહે તે પહેલાં તો તમામ દેવાદારો  મુઠ્ઠીઓ વાળીને નાઠા. 

સ્માઈલ ટિપ

જૂની કહેવતઃ દેવું કરીને ઘી પીઓ 

નવી  કહેવતઃ દેવું કરીને બેન્કોને ભૂ પીવડાવો