Magazines

જીએસટી ડાયેટિંગ પર છે, ટોલ ટેક્સ અકરાંતિયો

By GS TEAM
14 Sep 20253 mins read
જીએસટી ડાયેટિંગ પર છે, ટોલ ટેક્સ અકરાંતિયો

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી

-  અખિલ ભારતીય  સર્વ સ્તરીય ટેક્સ મંડળમાં અધ્યક્ષ બનવા પડાપડી

તમામ ટેક્સની મીટિંગમાં ધમાલ મચી. 

ઈન્કમટેક્સ મોટે મોટેથી  બૂમો પાડતો હતો. 'નવા  નવા ટેક્સ આવે ને જાય, વધે ને ઓછા થાય. મારો મોભો  એમનો એમ છે. હજુય લોકોને મારી જેટલી બીક લાગે છે તેટલી બીજા કોઈની લાગતી નથી. આપણા અખિલ ભારત સર્વ સ્તરીય ટેક્સ મંડળની મીટિંગમાં અધ્યક્ષસ્થાન તો મને જ મળવું જોઈએ અને એ પણ કાયમી ધોરણે.'

સ્ટેમ્પ ડયૂટી  તાડૂકી 'અલ્યા, તને ગયા બજેટમાં બરાબરનો વેતર્યો હતો એ ભૂલી ગયો ?  તારા કરતાં ંતો મારો દાવો મજબૂત છે. દેશનાં દરેક ગામ કે શહેરમાં એક ઈંચ જગ્યાનો પણ વ્યવહાર કરવો હોય તો મારા વગર ચાલતું નથી. મારા કેસમાં તો બહુ અપીલ કે છૂટછાટ પણ શક્ય નથી. કીધા એટલા આપી દેવાના. '

'જુઓ ભાઈ, લોકશાહી છે. તેમાં મારા જેવા તળિયાના પાત્રને પણ ચાન્સ મળવો જોઈએ. ' પ્રોપર્ટી ટેક્સએ પોતાનો દાવો રજૂ કરતાં કહ્યું, ' દેશનાં દરેક શહેરમાં ને ગામમાં મારી વસૂલાત માટે પ્રયાસો કરવા પડે છે . ૫૦-૫૦ લાખના ફલેટ લેનારાને પણ મારા ૧૫૦૦  રુપિયા ભરવાના મોંઘા લાગે છે.  મારું તો ક્યાંય રીઈમ્બર્સમેન્ટ  કે કપાત પણ નથી. આ વખતે  એકદમ  નીચલા પરંતુ સૌથી વ્યાપક સ્તરેથી મારો વિન્રમ દાવો છે. '

તરત જ શોર્ટ ટર્મ ગેઈન્સ ટેક્સએ મગજ ગુમાવ્યું. 'અરે યાર ભરવાનું અઘરું પડતું હોય એ જ જો ક્રાઈટેરિયા હોય તો હું સૌથી ટોપ પર છું. કરોડ રુપિયાનો પ્રોફિટ લેનારાએ પણ જ્યારે મને ભરવાની નોબત આવે છે ત્યારે મોતિયા મરી જાય છે.  શેરબજાર હોય કે પ્રોપર્ટી માર્કેટ કે સોનું ચાંદીનું વેચાણ, હું  મોટા મોટા આસામીઓના ગળે હું સિફતથી વળગી જાઉ છું. તમારા બધાં કરતાં પ્રમાણમાં હું ન્યૂ કમર છું પણ બહુ મોટા લેવલે મારું કામકાજ છે. આવકમાં નહિ પણ નફામાં ભાગીદારીવાળો તો હું એકલો જ છું.'

 આ સાંભળીને ટોલ ટેક્સએ ચીસો પાડવા માંડી. 'ઓ ભાઈ, નફાની ક્યાં વાત કરો છો. લોકો ફક્ત પ્રવાસ ખેડે એમાં ચાંલ્લો ભરવો  પડે છે. ને બીજા બધા ટેક્સમાં વધઘટ થતી હશે પરંતુ મારો તો વિસ્તાર અને રેટ વધતાં જ જાય છે. હવે  તો દેશમાં સુપર હાઈવે ચાલુ થવાનાછે. પછી તો જોજો મારો વટ. ભલે  બધા મને એવો  અકરાંતિયો કહે જે ક્યારેય ધરાતો જ નથી. પણ,  હું એક માત્ર એવો  ટેક્સ છું જે વિકાસનું  પ્રતીક હોય. આજકાલ ડેવલપમેન્ટ એટલે હાઈવે અને હાઈવે એટલે હું. '  

'બસ હવે. આટલી ચીસો પાડવાની જરુર નથી. ' જીએસટીએ એકદમ  શાંત સ્વરે કહ્યું, 'તમે બધા ગમે તેટલી બૂમો પાડો પણ અત્ર તત્ર સર્વત્ર ચર્ચાના કેન્દ્રમાં  તો હજુ  હું જ છું. જુઓ આજકાલ હું ડાયેટિંગ પર છું એ વાત સાચી પણ હજુય મારા જેવું સર્વવ્યાપીપણું તો કદાચ ઈશ્વરનું પણ નથી. હું હવે  થોડો સ્લીમ ટ્રીમ  થયો છું તો તેના  પણ કેવાં ગુણગાન  ગવાય છે તેતો  જુઓ. '

ત્યાં તો રુમમાં યુએસ  ટેરીફે મોડી મોડી એન્ટ્રી મારી અને એકદમ ક્રૂર ઠંડકથી પૂછ્યું. 'કોઈને કાંઈ કહેવું  છે ?'

સમગ્ર રુમમાં શાંતિ છવાઈ ગઈ.

સ્માઈલ ટીપ 

૧૨-૧૫ વર્ષ પહેલાંની સરકારી ફિલ્મમાં કેગ સુપર હિરો હતો, આજકાલ બિચારો એકસ્ટ્રા કલાકાર જેવો થઈ ગયો છે.