ઊઘડતાં સત્રએ આવ્યો માઈન્ડલેસ સ્કૂૂલ ફેક્ટરીનો આઈપીઓ

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
- જગત આખામાં કોરોનાનો ઉપદ્રવ ફેલાય કે ટ્રમ્પનો , આ એક જ ધંધો એવો છે જેમાં કયારેય મંદી આવતી નથી
રોકાણકાર મોકાણકુમારને એક ફોન આવ્યો. 'બોસ, જોરદાર આઈપીઓ આવ્યો છેે.'
મોકાણકુમાર મોઢું મચકોડતાં કહે, 'અત્યારે તો બજારની એવી દશા બેઠી છે કે ભલભલા આઈપીઓ જ લિસ્ટિંગ થતાંવેંત તળિયે ઝંપલાવે છે. એમાંય પેલા ટ્રમ્પે તો હમણાં યુદ્ધનો ઉપાડો લીધો છે એમાં બધાય ધંધા મંદા પડી ગયા છે.'
કોલર કહે, 'અરે ે યાર, ટ્રમ્પ તો હવે ટાઢા પડી ગયા છે. એટલે આપણું બજાર પણ હરખથી ઉછાળા લેવા માંડયું છે. અને હું જે આઈપીઓની વાત કરુ ંછું એ તો એવા ધંધાની કંપની છે જેમાં દુનિયાભરમાં કોરોનાનો ઉપદ્રવ હોય કે ટ્રમ્પનો, તો પણ ક્યારેય મંદી આવતી નથી.'
'ભલા માણસ, આખા ઉદ્યોગમાં તેજી હોય તો પણ કંપની માંદી હોય તેવા પણ દાખલા છે.'
'અરે બોસ, સાંભળવાના પૈસા નથી. સાંભળી લો. ઊઘડતાં શૈક્ષણિક સત્રમાં જ નવો આઈપીઓ આવ્યો છે, માઈન્ડલેસ એજ્યુકેશન ફેક્ટરીનો.રોકાણ કરી જ નાખવા જેવુું છે.'
'હેં? માઈન્ડલેસ? ઓ મિસ્ટર... જે કંપનીના નામમાં જ માઈન્ડલેસ હોય તેમાં કયો મગજવાળો માણસ પૈસા રોકે?'
'બોસ... મગજ ચલાવીને વિચારી જુઓ એજ્યુકેશનનો આખો ધંધો જ માઈન્ડલેસ છે. બાકી, માઈન્ડથી ચાલતું હોય તો આ પેપર ફૂટવાનું ને એવું બધું બને?'
મોકાણકુમાર ફક્ત 'હેં?' એટલું જ બોલી શક્યા. કોલરે આગળ ચલાવ્યુું, ' જુઓ, આ કંપની પારદર્શી સંચાલનમાં માને છે એટલે એણે કંપનીના નામમાં જ માઈન્ડલેસ શબ્દ રાખ્યો છે અને ફેક્ટરી શબ્દ પણ રાખ્યો છે. અહીં પહેલા ધોરણમાં વિદ્યાર્થીઓ કાચા માલ તરીકે કે ક્લાસીસનો ખર્ચો પણ વાલીનો, કંપની માથે કોઈ બોજ નહીં.
'આ એક જ બિઝનેસ એવો છે કે જ્યાં કસ્ટમર જ કાચો માલ મોકલે છે, પ્રોસેસિંગના પૈસા માગે છે અને ફિનિશ્ડ પ્રોડક્ટની ગુણવત્તા ખરાબ નીકળે તો કોઈ રિફન્ડ પણ લેતા નથી.
'કંપની ડાયવર્સીફિકેશનમાં પણ માને છે એટલે સ્કૂલિંગ સાથે સ્કૂલ ફંક્શન્સના નામે ઈવેન્ટ મેનેજમેન્ટ, શાળા પ્રવાસના નામે ટૂર એન્ડ ટ્રાવેલ્સ, સ્ટેશનરી પ્રિન્ટિંગ એન્ડ ડિસ્ટ્રિબ્યુશન, ટેક્સટાઈલ એટલે કે યુનિફોર્મ ડિસ્ટ્રિબ્યુશન, ફૂડ બિઝનેસ એટલે કે સ્કૂલ કેન્ટિન, ટ્રાન્સપોર્ટેશન એટલે કે સ્કૂૂલ બસ સંચાલન આ બધામાંથી પણ હંમેશા પૈસા કમાયા જ કરશે. કંપની એકદમ ગ્રોથ ઓરિએન્ટેડ છે. ૪૦ની કેપેસિટીવાળા ક્લાસમાં ૮૦ છોકરા ભરશે, દર વર્ષે સ્કૂલની નવી બે બ્રાન્ચ ખોલશે. એના માટે જ તો આ આઈપીઓ છે.'
મોકાણકુમાર કહે, 'મારી પાસે એક આઇડિયા છે. તમારી માઈન્ડલેસ એજ્યુકેશન કંપનીને કહો કે તેની સ્કૂલમાં એડમિશન કરાવનારા દરેક વાલીને ફરજિયાત તમારી કંપનીના શેર પ્રિમિયમમાં લેવડાવે. આ શેર ઊંચામાં જ ખુલવાના છે તો વાલીઓ લિસ્ટિંગ ગેઈનમાં કે પછી ઊંચા ભાવે સોદા પાડીને જ તમારી ફી ભરપાઈ કરી દેશે. તમને અને એમને બંનેને ફાયદો.'
કોલરે ફોન કાપી નાખ્યો.
સ્માઈલ ટિપ
ભાર વગરનુ ંભણતર એ સૂત્ર વિદ્યાર્થીઓને ઉદ્દેશીને છે, વાલીઓને નહિ, એમણે તો ખર્ચાઓનો ભાર વેઠવાનો જ છે.









