Magazines

બચીને રહેજો, સોશિયલ મીડિયા પર ફેલાયો છે માફીચાળો

By GS TEAM
9 Nov 20253 mins read
બચીને રહેજો, સોશિયલ મીડિયા પર ફેલાયો છે માફીચાળો

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી

- ફિલ્મવાળાઓ, તકલાદી માલ માથે મારતા વેપારીઓ, સરકારી કચેરીઓ અને નેતાઓ આ માફી ટ્રેન્ડમાં જોડાય તો....

બંધ પડેલી ગ્રાહક કોર્ટની બિલ્ડિંગના બાંકડા પર બેઠાં બેઠાં કેટલાક ગ્રાહકો ગપ્પાં મારતા હતા. 

ગ્રાહક ૧ : લ્યા, ચારે બાજુથી માફી માગનારાઓનું દળ કટક માફી માગવા આક્રમણ કરતું ધસમસતું  આવી રહ્યું છે, આ ટોળાથી  કેમનું બચવું એ સવાલ થઈ પડયો છે. 

ગ્રાહક ૨ : હેં? માફીનું આક્રમણ? લ્યા, તું શું લવારી કરી રહ્યો છે? 

ગ્રાહક ૧ : લવારી હું નહીં, આ બધું દળ કટક કરી રહ્યું છે, બધે જાણે માફી માગવાનો વાયરલ રોગચાળો  ફેલાયો  છે. 'જુઓ શું છો, જોડાઈ જાઓ'ના ધોરણે બધાએ એમાં ઝંપલાવી દીધું છે. 

ગ્રાહક ૩ : બોસ, કાંઈક સમજાય તેવી ભાષા બોલો. ગ્રાહકોને અપાતી વોરંટી જેવી  ગોળ-ગોળ વાત ન કરો. 

ગ્રાહક ૧ : તમે લોકો આજકાલ ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, એક્સ કોઈપણ સોશિયલ મીડિયા ખોલીને જોઈ લો. બધી કંપનીઓ ને મોટી મોટી બ્રાન્ડો આપણી ગ્રાહકોની માફી  માગવા દોટ લગાવી રહી છે. સાલું, જ્યારે પણ આ સોશિયલ મીડિયા ખોલીએ કે સામે તરત જ કોઈને કોઈની માફી  ભટકાય છે. 

ગ્રાહક ૩ : પણ આ બધી કંપનીઓ ને બ્રાન્ડઝ શેના માટે માફી માગે છે? એમણે આપણો કાંઈ ગુનો કર્યો? આમ તો જોકે, મોટાભાગના કરે જ છે, પરંતુ અચાનક આ માફીચાળો? 

ગ્રાહક ૧ : લ્યા, વાસ્તવમાં કોઈ માફી માગતું નથી. આ તો એ બહાને બધા પોતાની જ પીઠ જાતે થાબડી લે છે કે અમે તમને કેવી ઉત્તમ પ્રોડક્ટ અને બેસ્ટ ગુણવત્તાની સર્વિસ આપીએ છીએ... પણ એ લોકો જે પોસ્ટ મૂકે તેની શરુઆત માફીથી કરે છે.  જો ઓટો મોબાઈલ કંપનીઓ એવી પોસ્ટ મૂકે છે કે બહુ સારી કાર બનાવવા  બદલ સોરી... તમને નાહકનું લાંબુ ફરવાનું મન થાય છે, સિમેન્ટ કંપનીવાળા લખે  છે કે મજબૂત દીવાલ બનાવી આપી એ બદલ સોરી... તમે  એમાં કાણું નહીં પાડી શકો, સરકારી બીએસએનએલ કંપનીએ લખ્યું છે કે તમે હવે રિચાર્જ કરાવતા બે ઘડીનો પણ વિચાર કરતા નથી, કારણ કે અમે પ્લાનજ બહુ સસ્તા બનાવી દીધા છે એટલે એ માટે સોરી. 

ગ્રાહક ૩ : ઓહો? બીએસએનએલએ અણીના સમયે તેનું નેટવર્ક પકડાતું નથી કે કોલ ડ્રોપ થાય છે એ માટે માફી નથી માગી? 

ગ્રાહક ૧ : ના, યાર. તું સમજ. આ બધો ખેલ સ્વપ્રશંસાનો છે, તમને પડતી તકલીફ માટે સાચી માફી માગવાનો નહીં. આ લોકોએ માફીને પણ બ્રાન્ડિગ ટૂલ બનાવી  દીધી. 

ગ્રાહક ૨  : યાર, આના કરતાં દેશમાં સાચુકલો માફીચાળો શરુ થાય તો કેટકેટલા લોકોએ માફી માગવાની પોસ્ટ મૂકવાની આવે. સરકારી કચેરીઓ પોસ્ટ મૂકે કે અમારે ત્યાં કામ માટે તમારે વજન મૂકવું પડે છે અને તે છતાં પણ તમને ધક્કા પડે છે એ માટે માફી. બજારમાં  જાતભાતની તકલાદી ચીજો વેચનારાઓ તો બિલની પાછળ જ એક માફીપત્રક લખી આપે કે આ વસ્તુ ટકાઉ ન નીકળે તો એ બદલ એડવાન્સમાં  માફી. ફિલ્મવાળાઓ તો ફિલ્મની શરુઆતમાં ટાઈટલ નંબરની સાથે જ જાહેર માફીનું ડિસ્ક્લેમર મૂકી દે કે આ ફિલ્મ હથોડો પુરવાર થાય તો એ માટે માફી... ને આપણા નેતાઓએ તો દિવસમાં દસ વાર માફી-માફી-માફીના જાપ જેવી પોસ્ટ મૂકવી  પડે. 

ગ્રાહક ૧ : એના કરતાં આપણે જ ગ્રાહક સંગઠન બનાવીને એક કાયમી જાહેરાત મૂકી દઈએ કે આ દેશમાં ગ્રાહક તરીકે અમે તમારી સૌ પાસેથી બહેતર પ્રોડક્ટ અને બેસ્ટ સર્વિસની અપેક્ષા રાખી બેઠા છીએ. આવા મૂર્ખ ગ્રાહક તરીકે તમને ભટકાઈ જવા બદલ અમારી જાહેર માફી...

બધા ગ્રાહકો રોતલ લાગે એવું હસી પડયા. 

સ્માઈલ ટિપ 

ક્ષમા હવે વીરનું ભૂષણ નહીં, બ્રાન્ડવીરનું આભૂષણ છે.