Magazines

ભ્રષ્ટાચારને પણ કાયદેસર કરી એના પર સિન-ટેક્સ નાખો

By GS TEAM
4 Jan 20263 mins read
ભ્રષ્ટાચારને પણ કાયદેસર કરી એના પર સિન-ટેક્સ નાખો

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી

- તમાકુ કંપનીઓનાં શેર સાથે પણ રોકાણનાં જોખમની ચેતવણી આપવી જોઈએ

સરકાર પાસે પ્રતિનિધિ મંડળ પહોંચ્યું. આગેવાન કહે, 'તમાકુથી ખુવાર થનારાઓ માટે  સહાય જાહેર કરો.'

અધિકારી કહે, 'જુઓ, અમે તો દરેક ફિલ્મ શરુ થાય તે પહેલાં તમાકુ સેવન વિશે  ચેતવણીની રીલ બતાવીએ છીએ.  સિગરેટના પેકેટ પર પણ તમાકુ સેવનનાં  જોખમો વિશે છાપેલું  હોય છે. તેમ છતાં  પણ કોઈ સેવન કરે અને કેન્સર થાય તો સરકાર ગરીબ દર્દીઓને સહાય આપે જ છે.'

એક જણ કહે,  'મારા પિતાએ તો ક્યારેય તમાકુને હાથ નથી લગાડયો છતાં પણ તમાકુના  કારણે બીમાર પડયા છે.'

અધિકારી કહે, 'સોરી, પણ આપણે ત્યાં હજુ પેસિવ સ્મોકિંગના કારણે બીમારીની બાબતમાં બહુ જોગવાઈઓ નથી.'

પેલા ભાઈ કહે, 'અરે સાહેબ, મારા પિતા પેસિવ સ્મોકિંગના કારણે નહીં, પરંતુ સિગારેટ બનાવતી કંપનીના શેરમાં પૈસા રોક્યા હતા તે ડૂબી ગયા એટલે હાર્ટ એટેક આવતાં સારવાર હેઠળ છે.'

અધિકારી કાંઈ બોલે તે પહેલાં બીજા લોકો બોલવા  લાગ્યા. 'અમારા  મોટાભાઈએ સિગારેટ કંપનીના શેરમાં લાખો ગુમાવ્યા પછી દેવું કરવું પડયું છે.' બીજો જણ કહે, 'અમારા બનેવીએ સિગરેટ કંપનીના શેરમાં ખોટ કરી પછી હવે જમીન વેચવાનો વારો આવ્યો છે.' ત્રીજો જણ કહે, 'અમે તો દલાલ પર ભરોસો રાખી તમાકુ પ્રોડક્ટની કંપનીમાં રોકાણ કર્યું હતું. દલાલે  કહ્યું હતું કે માણસજાતમાં તમાકુનું વ્યસન ક્યારેય ખતમ નથી થવાનું એટલે આ શેર તો ચાલશે  જ ચાલશે. હવે અમારે દાગીના વેચવાનો વારો આવ્યો છે.'

એક જણ કહે, 'સિગરેટ અને ગુટખાના પેકેટ પર આરોગ્ય માટે જોખમી એવી ચેતવણી આવે છે, પરંતુ સિગરેટ કંપનીઓમાં રોકાણ કરતી વખતે પણ એવી ચેતવણી આપવા જેવી હતી કે આ કંપનીઓમાં રોકાણ જોખમી છે.'

અધિકારી કહે, 'ભલા  માણસ, એવી ચેતવણી તો દરેક શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વખતે અપાય જ છે કે તમારાં રોકાણ બજાર જોખમોને આધીન રહેશે.'

તો પણ પેલા  ભાઈએ દલીલ ન છોડી, 'બજાર જોખમો તો બરાબર છે, પરંતુ આ તો સરકારી જોખમ થયું. સરકારે બેફામ ટેક્સ નાખ્યો એટલે અમે આ કંપનીઓમાં  ધોવાઈ ગયાને! સરકારે ધ્યાન રાખવાનું હતું કે આ ટેક્સ નાખવા જતાં જેણે ક્યારેય તમાકુનું સેવન ન કર્યું હોય તેવા લોકો પર પણ માઠી અસર થશે. સિગરેટ પીનારા ઘટે કે ન ઘટે, પરંતુ સિગારેટ કંપનીમાં રોકાણ કરનારા ઘણાને ચા પીવાના પૈસાના પણ ફાંફા થઈ જશે.'

અધિકારી કહે, 'જુઓ,  સેક્ટર પ્રમાણે ચેતવણીની માંગ સ્વીકારવા જઈએ તો આવતીકાલે અમારે મેટલ કંપનીઓમાં રોકાણમાં અરવલ્લી ઉત્ખનન વિરોધી આંદોલનથી માઠી અસરનાં જોખમની પણ ચેતવણી આપવી પડે. કાર કંપનીઓમાં રોકાણ વખતે ટોલટેક્સ વધતા જવાથી કાર ઉદ્યોગ પર માઠી અસરની ચેતવણી આપવી પડે. એરલાઈન્સ કંપનીઓમાં રોકાણથી ડીજીસીએની નિષ્ક્રિયતાને લીધે નુકસાનની  ચેતવણી પણ આપવી પડે.'

એક રોકાણકાર કહે, 'વાંધો નહીં, સરકારી-અર્ધ સરકારી  કંપનીઓમાં  રોકાણ કરતી વખતે ભ્રષ્ટાચાર  બાબતે પણ ચેતવણી આપો ને, એવું હોય તો દેશમાં ભ્રષ્ટાચાર કાયદેસર કરી દો અને તેને પાપ ગણીને એની કમાણી પર પણ સિન ટેક્સ નાખોને. અમને વાંધો નથી.'

આ સાંભળી અધિકારીએ બહાર ભાગવા દોટ મૂકી. ટોળું પાછળ પડયુું. 

સ્માઈલ ટિપ 

ચાંદી હવે બાળવાર્તાઓની રાજકુમારી જેવી થઈ ગઈ છે, દિવસે ન વધે તેટલી રાતે વધે છે અને રાતે ન વધે એટલી દિવસે વધે છે.