હવે ફોરેન કમિશન ઉપર રિવર્સ ચાર્જ ભરવાનો થશે

- વેચાણવેરો - સોહમ મશરુવાળા
GST કાયદા હેઠળ ઈન્ટરમીડિઅરી સેવાઓ બાબતે વિવાદ ઘણો મોટો હતો. IGST કાયદાની કલમ ૧૩(૮)(બ) હેઠળ ઈન્ટરમીડિઅરી સેવા માટે સપ્લાયનું સ્થળ તે ગણાતું જ્યાં ઈન્ટરમીડિઅરી સ્થીત છે. આનાથી તેવી પરિસ્થિતિ ઉપસ્થિત થતી કે જો ઈન્ટરમીડિઅરી ભારતમાં હોય તો તેના બાહ્ય સપ્લાય ઉપર GST ભરવાનો થાય અને સપ્લાયની અવેજ ફોરેન કરન્સી મળે તો પણ GST ભરવાનો થાય. હવે ફાઇનાન્સ એક્ટ ૨૦૨૬ આવ્યો અને તે તારીખ ૩૦ માર્ચ ૨૦૨૬થી અમલમાં આવી ગયો. આના લીધે જે પ્રચંડ વિવાદાસ્પદ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ અને કાયદો ફરી એકવાર ડંખવા આવશે તે બાબતે આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે.
ઈન્ટરમીડિઅરી સેવાની વ્યાખ્યા
IGST કાયદાની કલમ ૨(૧૩) હેઠળ ઈન્ટરમીડિઅરી સેવાની વ્યાખ્યા આપી છે જેના મુજબ ઈન્ટરમીડિઅરી એટલે કે કોઈ બ્રોકર, એજન્ટ અથવા ગમે તે નામે ઓળખાતી વ્યક્તિ જે બે અથવા તેથી વધુ લોકોની વચ્ચે માલ અથવા સેવા અથવા બન્નેનો સપ્લાય જોડી આપે અથવા સિક્યોરીટીઝની વ્યવસ્થા કરાવી આપે. ઈન્ટરમીડિઅરી માટે ખાસ જરૂરી એ છે કે તે પોતે પોતાના ખાતે આવી માલ કે સેવાનો સપ્લાય આપતો ન હોય અને વચેટીયાનું કામ કરે.
IGST કાયદાની કલમ ૧૩
GST કાયદા હેઠળ IGST લાગશે કે પછી ભGST તથા જીGST લાગશે અથવા તો નિકાસ ગણાશે તે માટે સૌ પ્રથમ સપ્લાય માટે પ્લેસ ઓફ સપ્લાય નક્કી કરવાની થાય અને ત્યારબાદ સપ્લાયરનું લોકેશન જોવાનું થાય. IGST ની કલમ ૧૩ હેઠળ વિશિષ્ટ જોગવાઈ આપી છે સેવાના સપ્લાય માટે સપ્લાયનું સ્થળ નક્કી કરવા માટે જ્યારે સપ્લાયર અથવા તો રેસિપિયન્ટ ભારત દેશથી બહાર હોય. કલમ ૧૩ની પેટાકલમ (૮)(બ) હેઠળ તેમ જોગવાઈ કરી છે કે તે વિશિષ્ટ સેવા માટે સપ્લાયર જ્યા સ્થીત હશે તે પ્લેસ ઓફ સપ્લાય ગણાશે.
ફાઈનાન્સ એક્ટ ૨૦૨૬
ફાઇનાન્સ એક્ટ ૨૦૨૬ હેઠળ કલમ ૧૩(૮) IGST કાયદાની નાબૂત કરવા માટે જાહેર કર્યું અને તેના માટે કોઈ અમલી તારીખ લખી નથી. માટે જ્યારે ૩૦ માર્ચ ૨૦૨૬ના રોજ બીલ પાસ થયું ત્યારે આ કલમ ૧૩(૮) IGST કાયદાની અસ્તિત્વમાં રહી નહીં.
સુધારાની અસર
ભારતમાં સ્થીત ઈન્ટર્મિડયરી જે ફોરેન કરન્સી પ્રાપ્ત કરે છે પોતાના સપ્લાય માટે વિદેશથી તેમના તમામ વ્યવહાર ૩૧.૩.૨૦૨૬થી નિકાસ ગણાશે. જ્યારે ભારતનો કોઈ વેપારી વિદેશમાં ફોરેન કમિશન ચૂકવે છે તેની ચૂકવણી ઉપર Import of Service તરીકે રિવર્સ ચાર્જ ભરવાનો થાય. સરકારે સુારામાં અમલી તારીખ લખી નથી જેથી તેમ અર્થ થાય કે ૧.૭.૨૦૧૭થી RCM ભરવાનું જોખમ પણ ઊભું રહેવાનું.








