Magazines

ASMT-12 : સમાન મુદ્દા માટે કલમ 74ની નોટીસ અયોગ્ય

By GS TEAM
11 Jan 20262 mins read
ASMT-12 : સમાન મુદ્દા માટે કલમ 74ની નોટીસ અયોગ્ય

- વેચાણવેરો - સોહમ મશરુવાળા

GST કાયદા હેઠળ સરકારના અધિકારીઓને વિવિધ રીતે કાર્યવાહી હાથ ધરવાની સત્તા આપી છે જેમ કે પત્રક ચકાસણી, સમન્સ, કલમ ૭૩ હેઠળ કારણદર્શક નોટીસ, કલમ ૭૪ હવે કલમ ૭૪એ હેઠળ કારણદર્શક નોટીસ વધુમાં CERA ઓડિટના પગલે પણ અધિકારીને ગમ ખાઈને નોટીસ વેપારીને ઠોકવી પડે છે અને લાચાર વેપારી તેને અવિરત લડત આપ્યા કરે. ઘણી વખતે જે મુદ્દા ASMT-10 માં અધિકારી દ્વારા સ્વિકારવામાં આવે છે તેના માટે પણ ASMT-12 આપ્યા બાદ CERA ઓડિટ કે કોઈ કારણસર કલમ ૭૪ હેઠળ નોટીસ પાઠવવામાં આવે છે. આ નોટીસ કેટલા અંશે યોગ્ય છે તે બાબતની તકરાર પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ સમક્ષ મેં જે.એસ.બી. ટ્રેડિંગ કં. વિ. સ્ટેટ ઓફ પંજાબ (CWC-14843-2023) ઉપસ્થિત થઈ જેમાં ખૂબ જ રસપ્રદ ચૂકાદો આપ્યો છે જેની આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે.

કેસની હકીકત

અરજદાર લોખંડના ભંગારના ફેર-વેચાણનો ધંધો કરતા હતા અને નાણાકિય વર્ષ ૨૦૧૭-૧૮માં બે વિશિષ્ટ વેપારીઓ પાસેથી માલ ખરીદ કરેલો હતો. તારીખ ૫.૯.૨૦૨૨ના રોજ ખાતાના અધિકારી દ્વારા ASMT-10 આપી અને આવા વિશિષ્ટ વેપારી પાસેથી ખરીદની વિગત અને યથાર્થતા તપાસી અરજદાર દ્વારા વિસ્તૃત જવાબ આપવામાં આવ્યા અને તેની ચકાસણી કર્યા બાદ અધિકારી દ્વારા તારીખ ૨૮.૨.૨૦૨૩ના રોજ ASMT-12 પાઠવી જવાબ યોગ્ય ઠરાવ્યો. ત્યારબાદ તારીખ ૨૩.૧.૨૦૨૩ ના રોજ ખાતાના અધિકારી દ્વારા કલમ ૭૪ હેઠળ DRC-IA આપ્યું. સમાન મુદ્દા ઉપર ત્યારબાદ તારીખ ૨૧.૪.૨૦૨૩ના રોજ કલમ ૭૪ હેઠળ કારણદર્શક નોટીસ ફટકારી જેમાં ASMT-10 ના જ મુદ્દા હતા. આ નોટિસની સમક્ષ જવાબ આપેલ અસ્વિકાર થતા ખાતાએ કલમ ૭૪ હેઠળ આદેશ કર્યો જેની સમક્ષ હાઈકોર્ટ સમક્ષ રીટ દાખલ થઈ.

અરજદારની દલીલ

અરજદાર દ્વારા દલીલ કરવામાં આવી કે જ્યારે કલમ ૬૧ હેઠળ આદેશ પસાર કરીને મુદ્દા સ્વીકારી લીધા હોય તો પછી ફરી તે જ મુદ્દા ઉપર કલમ ૭૪ હેઠળ નોટીસ અને આદેશ અયોગ્ય છે.

સરકારની દલીલ

સરકાર પક્ષે દલીલ કરી કે ASMT-12 આદેશ ખોટો હતો માટે જ કલમ ૭૪ હેઠળ કાર્યવાહી કરી.

હાઈકોર્ટનો ચૂકાદો

હાઈકોર્ટ દ્વારા કલમ ૬૧ તથા કલમ ૭૪ની જોગવાઈ ખાસ ધ્યાને લીધી. તેમના મતે એવું ફલીત થવું જોઈએ કે વેપારીએ વેરાશાખ ફોડ, હકીકત છુપાવીને કે જાણી બૂઝીને ખોટું નિવેદન આપી લીધી હોય. પ્રસ્તુત કેસમાં અરજદારનો જવાબ કલમ ૬૧ હેઠળની કાર્યવાહીમાં માની લીધો તો પછી કલમ ૭૪ની નોટીસ અને આદેશ અયોગ્ય ગણાય.