જીએસટીએટી કાર્યરત બનતા કરદાતાઓ માટે ન્યાય મેળવવાનો માર્ગ સરળ

- વેચાણવેરો - સોહમ મશરુવાળા
સરકારે Goods and Services Tax Appellate Tribunal (GSTAT) ને કાર્યરત બનાવી આ લાંબા સમયથી રહેલી ખામી દૂર કરી છે. GSTAT માત્ર એક નવી સંસ્થા નથી પરંતુ સમગ્ર GST વિવાદ નિવારણ વ્યવસ્થામાં એક ઐતિહાસિક સુધારો છે.
CGST છબા, ૨૦૧૭ ની કલમ ૧૦૯ હેઠળ GSTAT ની રચના કરવામાં આવી છે. આ ટ્રિબ્યુનલ Appellate Authority તથા Revisional Authority દ્વારા પસાર કરાયેલા આદેશો સામેની અપીલોની સુનાવણી કરશે.
GST કાયદા હેઠળ અપીલની વ્યવસ્થા કલમ ૧૦૭ હેઠળ પ્રથમ અપીલ અપીલ અધિકારી સમક્ષ, કલમ ૧૦૮ હેઠળ Revisional Authority ની સત્તા, કલમ ૧૧૨ હેઠળ GSTAT સમક્ષ બીજી અપીલ, કલમ ૧૧૭ હેઠળ કાયદાનો પ્રશ્ન હોય તો હાઈકોર્ટ સમક્ષ અપીલ, કલમ ૧૧૮ હેઠળ ચોક્કસ સંજોગોમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલ ગોઠવવામાં આવી છે. આ રીતે GSTAT કરદાતા અને ઉચ્ચ ન્યાયિક મંચો વચ્ચેનું સૌથી મહત્વપૂર્ણ અપીલ ફોરમ બનશે. ગુજરાત તથા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ માટે ત્રણ બેન્ચ કાર્યરત રહેશે. અમદાવાદ બેન્ચનું અધિકાર ક્ષેત્ર અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, સાબરકાંઠા અને છોટાઉદેપુર, સુરત બેન્ચનું અધિકારક્ષેત્ર સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, નર્મદા, આણંદ, ખેડા, તાપી, ડાંગ તથા દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ. રાજકોટ બેન્ચનું અધિકારક્ષેત્ર રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ રહેશે.
કોણ અપીલ કરી શકશે ?
કલમ ૧૧૨ મુજબ કોઈપણ વ્યક્તિ, જે અપીલ અધિકારી અથવા Revisional Authorityના આદેશથી અસંતુષ્ટ હોય, તે GSTAT સમક્ષ અપીલ કરી શકશે. અપીલ સામાન્ય રીતે આદેશની જાણ થયાની તારીખથી ત્રણ મહિનાની અંદર કરવી પડશે. પૂરતું કારણ દર્શાવવામાં આવે તો વધુ ત્રણ મહિનાનો વિલંબ માફ થઈ શકે છે. વિભાગીય અધિકારીઓને પણ ચોક્કસ સંજોગોમાં ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ દાખલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
GST ટ્રિબ્યુનલ વિશે વધુ માહિતીની આગામી લેખમાં ચર્ચા કરવામાં આવશે.









