Magazines

બજારની વાત .

By GS TEAM
17 May 20263 mins read
બજારની વાત                                               .

30,000ને પાણીચું આપનાર હવે સ્ટાફ શોધે છે

અમેરિકી ટેકનોલોજી જાયન્ટ ઓરેકલ કંપની લોકોની નોકરી આંચકી લેવામાં જેટલી શૂરી સાબિત થઇ છે એટલીજ શૂરી તે નવી ભરતી કરવામાં પણ છે. ઓરેકલે એપ્રિલ માસમાં ૩૦,૦૦૦ જેટલા સ્ટાફને રાતોરાત રવાના કરી દીધો હતો. હવે ઓરેકલ કંપની વિવિધ કેમ્પસમાં ખાસ કરીને નેશનલ ઇન્સટીટયુટ ઓફ ટેકનોલોજી અને ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજીમાંથી ફ્રેશરને નોકરીની ઓફર કરી રહ્યા છે. ઓરેકલ ૩૫-૪૦ લાખ રૂપિયાના પગારનું પેકેજ આપે છે પરંતુ ત્યાં ભાવિ અધ્ધરતાલ હોય છે. વિદેશની કંપનીઓ ઓફર લેટરમાં પણ ગમે ત્યારે જોબ આંચકી લેવાશેની કલમ ઉમેરે છે. ટૂંકમાં તેમને સ્ટાફની ગરજ હોય તે ઘેર આવીને બોલાવી જાય નહીંતર દૂધમાંથી માંખીની જેમ કાઢી નાખે..


16 જુનથી ધ જ્વેલ ઓફ ઇન્ડિયા

ભારતનું સૌથી મોટું  એરપોર્ટ ૧૫ જુનથી શરૂ થઇ રહ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તેની જાહેરાત કરતા કહ્યું હતું કે  જ્યાં જેવર એરપોર્ટ ઉભું થયું છે ત્યાં એક સમયે જમીનોના વિવાદ, પૂરતી સવલતો, ગુનેગારોનું સામ્રાજ્ય જોવા મળતું હતું ત્યાં હવે રાજ્યની આર્થિક સધ્ધરતાને વેગ મળતો જોવા મળશે. આ વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિશાળ પ્રોજેક્ટ ઉભા થયેલા છે. યોગી આદિત્યનાથ વારંવાર જેવર એરપોર્ટને જ્વેલ ઓફ ઇન્ડિયાની ઉપમા આપી ચૂક્યા છે. એરપોર્ટ યમુના એક્સપ્રેસ નેટવર્ક સાથે જોડાયેલું હોઇ તે ગ્લેાબલ ઇન્વેસ્ટમેન્ટ માટેનું ગેટવે બની જશે. 


વિમા કંપનીઓની ચાલબાજી

 હેલ્થ ઇન્સ્યોરન્સ ઉતારીને સંતોષ વ્યક્ત કરતા લોકોને એ ખબર નથી હોતી કે તે ધક્કા બેંકમાં ખાતુ ખોલાવી રહ્યા છે. વિમા કંપનીઓના એજન્ટો વિવિધ પ્રલોભનો આપીને હેલ્થ ઇન્સ્યોરન્સ ઉતારે છે. એજન્ટોને પ્રિમિયમમાંથી કમીશન મળતું રહે છે. પરંતુ વિમો ઉતારનાર અને વિમો પાસ કરનારા બંને અલગ લોકો હોય છે. વિમો ઉતારનારા જેટલા વાચાળ હોય છે તેનાથી વિરૂધ્ધ વિમો પાસ કરનારા હોય છે. ગ્રાહકોને વિમાના પૈસા કેવી રીતે ના મળેતે જોવાનું તેમનું કામ હોય એમ લાગે છે. હજારો વિમા ગ્રાહકોના વિમાની રકમ અટવાયેલી છે. તેમને ચોક્કસ જવાબ મળતો નથી અને અંતે રીજેક્શનની નોટીસ મળી જાય છે. સરકારે લોકપાલની સિસ્ટમ વિકસાવી છે પરંતુ ગ્રાહકોને પરેશાન કરતી વિમા કંપનીઓ સામે ભાગ્યેજ પગલાં ભર્યા છે.


સાયબર ઠગો આગળ લાચારી

સાયબર ઠગો જ્યારે કોઇને ડિજીટલ એરેસ્ટ કરીને કરોડો રૂપિયા પડાવી લે છે ત્યારે પ્રશ્ન એ થાય છેકે કરોડો રૂપિયાની મૂડી ભેગી કરનાર તેમને ઠગનાર લોકોને ઓળખી કેમ નથી શકતા? કરોડો કમાનાર બુધ્ધિશાળી હોય તે સ્વભાવિક છે છતાં તે સાયબર ઠગોના ટ્રેપમાં આવી જાય છે. ડિજીટલ એરેસ્ટ કરનાર ઠગો વ્યક્તિને ચૂપ રહેવા કહે છે અને અમે તમારી પર નજર રાખી રહ્યા છે એમ કહે છેે છતાં તેની આંખો ખૂલતી નથી અને ઠગો કહે તેમ પૈસા ટ્રાન્સફર કર્યા કરે છે. એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે સિનિયર સિટીઝનો હોંશિયાર હોય છે પરંતુ લોકો શું કહે છે અને ધરપકડ કરાશે તો શું થશે? તે બીકથી પીડાય છે જેનો લાભ સાયબર ઠગો ઉઠાવતા હોય છે.


AI  ઇકો સિસ્ટમ અને કર્ણાટક

દેશના ગ્લોબલ કેપેબીલીટી સેન્ટરમાં(ય્ભભ) કર્ણાટક તેનું પ્રભુત્વ ધરાવે છે. પરંતુ હવે હૈદ્રાબાદ તેને પડકારી રહ્યું છે. હાલમાં ભારતમાંના નિષ્ણાત લોકો પૈકી ૩૦ ટકા કર્ણાટકમાં જોબ કરી રહ્યા છે. AI  ઇકો સિસ્ટમ હૈદ્રાબાદ ઉભું કરી શક્યું છે પરંતુ તે AI  ના નિષ્ણાતોને આકર્ષી શક્યું નથી. છેલ્લા ૨૦ વર્ષથી કર્ણાટક આઇટી ક્ષેત્રે પગ મજબૂત કરી રહ્યું છે. બેંગલુરૂમાં વિશ્વની ટોચની કંપનીઓની ઓફિસો છે.  મોટા ભાગના સ્ટાર્ટઅપની શરૂઆત બેંગલુરૂમાંથી થયેલી છે. તેને દેશની સિલિકોન વેલી પણ કહે છે. હવે હૈદ્રાબાદ તેને ટકરાઇ રહ્યું છે પરંતુ તેનો પનો ટૂંકો પડે છે. કર્ણાટકની જીસીસી સિસ્ટમ છેલ્લા ચાર દાયકાથી આઇટી ઇકો સિસ્ટમનો એક ભાગ બનેલી છે.


ભારતીયોને તગેડી મૂકાયા

 છેલ્લા ૧૫ દિવસમાં વિશ્વના ૫૨ દેશો એ અનેક ભારતીયોને તગેડી મુક્યા છે. તેમના સામે વિઝા ફ્રોડ અને શોષણખોરીના આરોપ મુકાયા છે. એક અહેવાલ અનુસાર ૨૦૨૧થી ૨૦૨૫ દરમ્યાન ૫૨ દેશોમાંથી હજારો ભારતીયોને તગેડી મુકાયા હતા. ૨૦૨૫માં ૯૦૦ ભારતીયોને તગેડી મુકાયા હતા. પશ્ચિમ એેશિયાઇ દેશોએ સૌથી વધુ ભારતીયોને તગેડી મુક્યા હતા. યુએઇ, યુએસએ, મલેશિયા, મ્યાનમાર જેવા દેશોએ વિઝા ફ્રોડ તેમજ ગુનાખોરીમાં સંડોવાયેલા ભારતીયોને  તગેડી મુક્યા હતા. તગેડી મુકાનારામાંથી ૩૦ ટકા લોકો ઓવર સ્ટેના ગુનામાં પકડાયા હતા.