સાયબર હુમલાખોરોનું નવું ધાતક શસ્ત્ર.. માયથોસ AI.....

- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા
- દેશના 105 લાખ કરોડની સાઇઝ ધરાવતા BFSI ક્ષેત્ર સામેના સાયબર જોખમોઃ નાણા મંત્રાલય, સેબી, રિઝર્વ બેંકે ચિંતા વ્યક્ત કરી
- દેશની મોટી આર્થિક પ્રવૃત્તિઓ ડિજિટલ સિસ્ટમ પર આધારિત બની રહી છે. જ્યાં જેટલી મોટી ડિજિટલ વ્યવસ્થા હોય, ત્યાં હુમલાનો ખતરો પણ એટલો જ મોટો હોય છે.
- પહેલાં હેકર્સને કોઈ સોફ્ટવેરની ખામી શોધવામાં અને તેનો દુરુપયોગ કરવામાં અઠવાડિયા કે મહિનાઓ લાગી જતા, પરંતુ હવે એઆઇ થોડી જ મિનિટોમાં કે કલાકોમાં જ નબળાઈઓ શોધી શકે છે
ભારતનું બીએફએસઆઇ (બેન્કિંગ, ફાઇનાન્શિયલ સવસીસ અને ઇન્સ્યોરન્સ) ક્ષેત્ર ડિજિટલ પેમેન્ટ, યુપીઆઇ અને ઓનલાઈન બેન્કિંગના વધતા ઉપયોગને પગલે રૂ।. ૧૦૫ લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશન સુધી પહોંચી ગયું છે. જો કે, ક્લોડ માયથોસ પ્રીવ્યૂ જેવા અદ્યતન એઆઇ મોડેલને કારણે આ ક્ષેત્ર સામે સાયબર જોખમો વધી ગયાં છે. પરિણામે, સરકાર, રિઝર્વ બેન્ક અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓની ચિંતા વધી જતાં તેઓ સફાળી જાગી છે. નાણાપ્રધાન સહિતના મહાનુભાવો પણ હવે આ વિષયે ગંભીરતાથી વિચાર કરવા લાગ્યા છે. હવે ભારત માટે પડકાર માત્ર ડિજિટલ વિકાસનો નહીં, પરંતુ ડિજિટલ સુરક્ષાનો પણ બની ગયો છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં ડિજિટલ બેન્કિંગ, યુપીઆઇ અને ઓનલાઈન પેમેન્ટ તથા ફિનટેક કંપનીઓનો ઝડપી વિકાસ થયો છે. આથી જ બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ઇન્સ્યોરન્સ (બીએફએસઆઇ) ક્ષેત્રે ખૂબ જ વૃદ્ધિ થઈ છે. આ ક્ષેત્રનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન વર્ષ ૨૦૦૫થી અત્યાર સુધીમાં ૬૦ ગણું વધીને હાલ આશરે રૂ।. ૧૦૫ લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. આ માત્ર એક આંકડો નથી, પરંતુ દેશની આર્થિક શક્તિનું પ્રતીક છે, કારણ કે દેશની કુલ રાષ્ટ્રીય પેદાશ (જીડીપી)માં એનો હિસ્સો ૨૭ ટકા થઈ ગયો છે. જો કે, આ ભવ્ય વિકાસની પાછળ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સાયબર હુમલાઓની એક નવી અને ગંભીર ચિંતા ઊભી થઈ રહી છે.
તાજેતરમાં દુનિયાભરમાં એન્થ્રોપિક કંપનીના ક્લોડ માયથોસ પ્રીવ્યૂ નામના એક અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) મોડેલ અંગે ચર્ચા વધી છે. નિષ્ણાતો માને છે કે આ એઆઇ મોડેલ માનવી કરતાં અનેક ગણો ઝડપી વિચાર અને વિશ્લેષણ કરવાની ક્ષમતા ધરાવે છે. જો આવાં સાધનો ખોટાં હાથોમાં જાય, તો સાયબર ગુનેગારોનું ખૂબ જ ખતરનાક હથિયાર બની શકે છે. ભારત જેવા દેશમાં, જ્યાં કરોડો લોકો દરરોજ ડિજિટલ પેમેન્ટ અને ઓનલાઈન બેન્કિંગનો ઉપયોગ કરે છે, ત્યાં આ જોખમ વધુ ગંભીર બની શકે છે.
બીએફએસઆઇ ઉદ્યોગમાં ગયા વર્ષે વાર્ષિક નફો ૫.૩ લાખ કરોડ રૂપિયાના વિક્રમી સ્તરે પહોંચી ગયો હતો. વળી, નાણાકીય વર્ષ ૨૦૨૯ સુધીમાં યુપીઆઇ વ્યવહારો વધીને ૪૩,૯૦૦ કરોડ રૂપિયાના સ્તરે અને કુલ ડિજિટલ પમેન્ટ વધીને ૫૯૩ લાખ કરોડ રૂપિયાના સ્તરે પહોંચી શકે છે.
આમ, દેશની મોટી આર્થિક પ્રવૃત્તિઓ ડિજિટલ સિસ્ટમ પર આધારિત બની રહી છે. જ્યાં જેટલી મોટી ડિજિટલ વ્યવસ્થા હોય, ત્યાં હુમલાનો ખતરો પણ એટલો જ મોટો હોય છે. બેન્કિંગ અને ફાઇનાન્સ ક્ષેત્ર સાયબર હુમલાખોરોનું સૌથી આકર્ષક નિશાન ગણાય છે કારણ કે અહીં પ્રત્યક્ષપણે નાણાંના વ્યવહાર થાય છે.
ટેકનોલોજી નિષ્ણાતોના મતે, ક્લોડ માયથોસ જેવાં એઆઇ મોડેલ હવે સાયબર હુમલાઓની પદ્ધતિ જ બદલી રહ્યાં છે. પહેલાં હેકર્સને કોઈ સોફ્ટવેરની ખામી શોધવામાં અને તેનો દુરુપયોગ કરવામાં અઠવાડિયા કે મહિનાઓ લાગી જતા, પરંતુ હવે એઆઇ થોડી જ મિનિટોમાં કે કલાકોમાં જ નબળાઈઓ શોધી શકે છે. એટલે કે બેન્કો પાસે પોતાની સિસ્ટમ સુરક્ષિત બનાવવાનો સમય ખૂબ ઓછો રહી ગયો છે.
૧૦૫ લાખ કરોડ રૂપિયાના આ ક્ષેત્રે વૃદ્ધિ કરવાની સાથે સાથે સાયબર હુમલાઓનો પ્રતિકાર કરવાનો પડકાર પણ ઝીલવાનો છે. આથી જ, વિશ્વભરની ટોચની સંસ્થાઓ અને નિયમનકારી એજન્સીઓએ એના વિશે ચેતવણી ઉચ્ચારી છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ - આઇએમએફ) દ્વારા તાજેતરમાં ચેતવણી આપવામાં આવી હતી કે એઆઇ આધારિત સાયબર જોખમો વૈશ્વિક નાણાકીય વ્યવસ્થાને અસ્થિર બનાવી શકે છે. આઇએમએફના મતે, એઆઇ આધારિત હુમલાઓની ઝડપ અને ક્ષમતા પરંપરાગત સાયબર સુરક્ષા વ્યવસ્થાથી ઘણી આગળ વધી રહી છે. જો યોગ્ય નિયંત્રણ રાખવામાં નહીં આવે અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંકલન કરવામાં નહીં આવે, તો તે બેન્કિંગ અને નાણાકીય ક્ષેત્ર માટે મોટું જોખમ બની શકે છે.
રિઝર્વ બેન્ક, ઉપરાંત સેબી અને ભારત સરકાર પણ હવે આ મુદ્દે ગંભીર બની છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને બેન્કો અને નાણાકીય સંસ્થાઓને તેમની આઇટી સિસ્ટમ વધુ મજબૂત બનાવવા જણાવ્યું છે. તેમણે ખાસ કરીને ચિંતા વ્યક્ત કરી છે કે હાલની સાયબર સુરક્ષા વ્યવસ્થા કદાચ આવાં માયથોસ આધારિત જોખમોને પહોંચી વળવા પૂરતી નથી. તેમણે ઇન્ડિયન બેન્ક્સ એસોસિયેશન સાથે ચર્ચા કરીને સાયબર સુરક્ષા અર્થે જરૂરી રોકાણ કરવા પર અને નવી એઆઇ આધારિત સુરક્ષા પદ્ધતિઓ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
સાયબર સુરક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલા નિષ્ણાત અને ૬૩સેટ્સ સાયબરટેકના શ્રીનિવાસ એલ.નું કહેવું છે કે ભારતની ઘણી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ હજુ પણ જૂની ટેકનોલોજી અને સોફ્ટવેર પર આધાર રાખે છે. કેટલીક સિસ્ટમમાં તો હજુ કોબોલ જેવી જૂની પ્રોગ્રામિંગ લેંગ્વેજનો ઉપયોગ થાય છે. આવી સિસ્ટમો આધુનિક માયથોસ આધારિત હુમલાઓ સામે વધુ નબળી સાબિત થઈ શકે છે. આ જ કારણ છે કે હવે આઇટી ખર્ચને માત્ર 'ખર્ચ' તરીકે નહીં, પરંતુ 'રક્ષણ માટે જરૂરી રોકાણ' તરીકે જોવાની જરૂર છે.
તેમણે વધુમાં કહ્યું છે કે આજના સમયમાં માત્ર વધુ સોફ્ટવેર ટૂલ્સ ઉમેરવાથી સમસ્યા હલ થવાની નથી. માયથોસ જેવા એઆઇ આધારિત મોડેલ ખૂબ જ સ્માર્ટ અને ઝડપી બની ગયાં છે. હવે સિસ્ટમની તપાસ, માહિતી એકત્રિત કરવી અને નેટવર્કમાં એક જગ્યાથી બીજી જગ્યાએ આગળ વધવાની પ્રક્રિયા એઆઇ પોતે જ મશીનની ઝડપે કરી શકે છે. આ સ્થિતિમાં પરંપરાગત સુરક્ષા પદ્ધતિઓ ઘણીવાર નિષ્ફળ સાબિત થાય છે. ભારતમાં ૨૦૨૫ દરમિયાન ડેટા બ્રીચથી થતા નુકસાનનો આંકડો સરેરાશ ૧૩ ટકા વધીને આશરે રૂ।. ૨૨ કરોડ સુધી પહોંચી ગયો છે. કોઈ સિસ્ટમ નબળી હોવાનું જણાઈ આવે અને એના પર હુમલો કરવામાં આવે એ માટેનો સમયગાળો હવે ૨૦૨૩ના ૧૯ દિવસથી ઘટીને આજે ૭૨ કલાકનો થઈ ગયો છે. આમ છતાં હજી ઘણી જગ્યાએ સલામતી માટે ૨૦૧૯ની સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વધતાં જોખમોને ધ્યાનમાં રાખીને કેટલીક ભારતીય કંપનીઓ હવે એઆઇ વિરુદ્ધ એઆઇનો ઉપયોગ કરવાની દિશામાં કામ કરી રહી છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસના સચિવ એમ. નાગરાજુએ પણ માયથોસ જેવાં એઆઇ જોખમોને 'અતિ જટિલ અને ઝડપથી બદલાતાં' ગણાવ્યાં છે. એમના મતે, હવે નાણાકીય જોખમો માત્ર બેલેન્સ શીટ સુધી મર્યાદિત રહ્યાં નથી, પરંતુ ટેક્નોલોજી અને કામકાજ માટે મોટાં જોખમ બની ગયાં છે. આ કારણસર સરકારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચેરમેન સી. એસ. સેટ્ટીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમિતિ બનાવી છે, જે આવાં એઆઇ જોખમોનું મૂલ્યાંકન કરીને સુરક્ષા માટેનાં પગલાં સૂચવશે. આની સાથે સાથે, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ પણ એઆઇ આધારિત વલ્નરેબિલિટી ડિટેક્શન અને સાયબર સિક્યોરિટી માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.
બજારના નિયમનકારે ભરેલું આ પગલું દર્શાવે છે કે હવે ભારતીય નાણાકીય નિયમનકારો પણ સાયબર સુરક્ષાને માત્ર ટેક્નિકલ મુદ્દો નહીં, પરંતુ બજારમાં વિશ્વસનીયતા ટકાવી રાખવા માટે આવશ્યક બાબત અને આર્થિક સ્થિરતા સાથે જોડાયેલો મહત્ત્વપૂર્ણ મુદ્દો માની રહ્યા છે.
કુલ મળીને જોઈએ તો, ભારતનું બીએફએસઆઇ ક્ષેત્ર એક તરફ અદભુત વૃદ્ધિ અને ડિજિટલ ક્રાંતિનો આનંદ માણી રહ્યું છે, તો બીજી તરફ એઆઇ આધારિત સાયબર જોખમોનો સામનો કરવાની મોટી પડકારજનક સ્થિતિમાં પણ છે. ટેક્નોલોજી જેટલી ઝડપથી આગળ વધી રહી છે, એટલી જ ઝડપથી સાયબર ગુનેગારોની રીતો પણ બદલાઈ રહી છે. આવી સ્થિતિમાં માત્ર વિકાસ પૂરતો નથી, પરંતુ સુરક્ષા પણ એટલી જ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે.
- સાયબર ઠગોનું શ માયથોસ AI શું છે?
'ક્લોડ માયથોસ પ્રીવ્યૂ' એ એન્થ્રોપિક નામની કંપની દ્વારા એપ્રિલ મહિનામાં રજૂ કરાયેલું એક અત્યાધુનિક આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) મોડેલ છે. આ મોડેલ સ્વયં સંચાલિત રીતે મોટા પાયે સાયબર હુમલાઓ કરવાની શક્તિ ધરાવે છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે એ માનવ કરતાં અનેક ગણી વધારે ઝડપથી વિચાર કરી શકે છે અને દરેક મુખ્ય ઓપરેટિંગ સિસ્ટમ અને બ્રાઉઝરમાં રહેલી ખામીઓ શોધી શકે છે.
સરળ ભાષામાં કહીએ તો, જ્યાં કોઈ સોફ્ટવેરની નબળાઈ શોધવામાં માણસોને વર્ષો લાગી શકે, ત્યાં માયથોસ થોડી જ મિનિટોમાં એ ખામી શોધી શકે છે. તેણે ઓપનબીએસડી નામની સિસ્ટમમાં ૨૭ વર્ષ જૂની ખામી અને એફએફએમપેગ નામના સોફ્ટવેરમાં ૧૬ વર્ષ જૂનો બગ શોધી કાઢયો હતો, જે લાખો ટેસ્ટ બાદ પણ અગાઉ પકડાયો નહોતો.
આવી શક્તિશાળી ક્ષમતાઓને કારણે નિષ્ણાતો માને છે કે જો તેનો ખોટો ઉપયોગ થાય તો એ સાયબર હુમલાઓને વધુ ખતરનાક બનાવી શકે છે. આ કારણસર એન્થ્રોપિક કંપનીએ માયથોસને જાહેર ઉપયોગ માટે ખુલ્લો મૂક્યો નથી. હાલમાં પ્રોજેક્ટ ગ્લાસવિંગ નામની ખાસ વ્યવસ્થા હેઠળ માત્ર લગભગ ૫૦ કંપનીઓને જ એનો મર્યાદિત એક્સેસ આપવામાં આવ્યો છે.








