Magazines

પ. બંગાળમાંની ગુંડાગીરીથી ત્રાસીને કુલ 6688 કંપનીઓેએ બિઝનેસ બંધ કરીને ભાગવું પડયું હતું

By GS TEAM
14 Jun 20267 mins read
પ. બંગાળમાંની ગુંડાગીરીથી ત્રાસીને કુલ 6688 કંપનીઓેએ બિઝનેસ બંધ કરીને ભાગવું પડયું હતું

- કોર્પોરેટ પ્લસ -  ગણેશ દત્તા

- બિઝનેસ ગૃહ પ.બંગાળમાં લાવવા હોય તો તેમને મુક્ત વાતાવરણ અને ગુંડાગીરીથી મુક્ત સ્થિતિ આપવી પડે

- રતન ટાટાએ સિંગુરમાં પ્રોજેક્ટ પડતો મૂક્યો હતો અને તે ૨૦૦૮માં સાણંદ ખાતે શિફ્ટ કર્યો હતો. દેશની બહુ જાણીતી કંપની ડનલોપે તેમજ એમ્બેસેડોર કાર બનાવતી  હિન્દુસ્તાન મોટર્સ અને આઇએફબી એગ્રો એ પણ કારખાના બંધ કરવા પડયા હતા

- એલ એન્ડ ટીનું યુનિટ માઇન્ડ ટ્રી કોલકત્તામાં બાંધકામ ચાલે છે. આ યુનિટ તૈયાર થશે એટલે ૨૫,૦૦૦ લોકોને જોબ મળશે. ૧૯ એકરમાં પથરાયેલા આ યુનિટનું ઉદ્ધાટન આગામી મહિનાઓમાં મુખ્યપ્રધાન સુવેન્દુ કરવાના છે

 પ.બંગાળની નવી સરકાર એક તરફ મમતા બેનરજીના પક્ષના કેટલા સાંસદોને તોડી શકાય તેના ગણિતમાં વ્યસ્ત છે તો બીજી તરફ દેશની મોટી કંપનીઓને પ.બંગાળમાં રોકાણ માટે ખેંચી લાવવાના પડદા પાછળના પ્રયાસોમાં પણ વ્યસ્ત છે. ભાજપની સરકાર એક તરફ તૃણમૂલ કોંગ્રેસ સાથેના જુના હિસાબો પતાવી રહી છે તો બીજી તરફ રાજ્યમાં રોજગારી ઉભી થાય તેવું આયોજન પણ કરી રહી છે.

   મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસના વિધાનસભ્યો તોડીને ભાજપે પક્ષનું સંગઠન તોડી પાડયું છે. પક્ષના મહામંત્રી અભિષેક બેનરજી સામે સીબીઆઇની તપાસ શરૂ થઇ છે. પ.બંગાળની નવી સરકાર સામે બધું આસાન નથી. 

મમતાના શાસનમાં કોર્પોરેટ કંપનીઓ પ.બંગાળમાં પગ મુકવા તૈયાર નહોતી. એટલેજ મુખ્યપ્રધાન સુવેન્દુ અધિકારીએ પહેલા ગુંડા નેટવર્કની કમર તોડી નાખી છે, બાંગ્લાદેશીઓને તગેડી મુકવાની વાત કરી છે, સરહદે વાડ બાંધવાની વાત કરીને આમૂલ પરિવર્તનના પગલાં ભર્યા છે.

બિઝનેસ ગૃહ પ.બંગાળમાં લાવવા હોય તો તેમને મુક્ત વાતાવરણ અને ગુંડાગીરીથી મુક્ત સ્થિતિ આપવી પડે. સમાન્ય હોટલ કે શોપિંગ મોલ ચલાવનારાને મમતાના શાસનમાં સ્થાનિક ગુંડા ટોળકીને ખંડણી આપવી પડતી હતી.  જાહેરમાં થતા કોઇ પણ ઝગડામાં જો તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો જોવા મળે તો પોલીસ ત્યાં ફરકતી પણ નહોતી.

છેલ્લા ૧૪ વર્ષમાં ૧૫ જેટલી લીસ્ટેડ કંપનીઓેએ રોજીંદી ગુંડાગીરીથી ત્રાસીને ફેક્ટરી બંધ કરીને રાતોરાત પ.બંગાળ છોડયું હતું. પ. બંગાળમાંથી મોટી નાની મળીને  કુલ ૬૬૮૮ કંપનીઓેએ પ.બંગાળને રામ રામ કરી દીધા હતા.

મમતા બેનરજી તેમજ તેમની પહેલાંના ડાબેરી શાસકોની કુંડળી બિઝનેસ ગૃહો સાથે બહુ મેળ ખાતી જોવા મળતી નહોતી. નાના ઔદ્યોગિક એકમો એમએસએમઇ હેઠળ ઉભા થયા હતા પરંતુ તે સ્થાનિક લોકો ચલાવતા હતા. મોટા અને રોજગારી ઉભી કરી આપતા ઉદ્યોગો પ.બંગાળમાં રોકાણથી દુર રહેતા હતા. પ.બંગાળના મજૂર સંગઠનો તોડફોડ વાળા હતા. તેમને સ્થાનિક ગુંડાગીરી તેમજ રાજ્ય સરકારનો ટેકો મળતો હોઇ તે વધુ ભૂરાંટા થઇને ઉદ્યોગ વિરોધી લોબીને મજબૂત બનાવતા હતા. 

દેશના કેટલાક કોર્પોરેટ હાઉસ રાતોરાત પ.બંગાળ છોડીને ભાગી ગયા હતા. ૨૦૦૬માં સિંગુરમાં ટાટા મોટર્સનો કિસ્સો દેશના ઉદ્યોગ સર્કલમાં બહુ ચર્ચાસ્પદ બન્યો હતો. ત્યારે પ્રોજેક્ટ માટે જોઇતી જમીન ફાળવવાનો વિરોધ કરવામાં તૃણમૂલ કોંગ્રેસ મોખરે હતી. તે આંદોલન રાજકીય બની ગયું હતું. ત્યારે રોજીંદા અવરોધો અને તોફાનોના પગલે રતન ટાટાએ સિંગુરમાં પ્રોજેક્ટ પડતો મુક્યો હતો અને તે ૨૦૦૮માં સાણંદ ખાતે શિફ્ટ કર્યો હતો.

દેશની બહુ જાણીતી કંપની ડનલોપ કંપની રબર અને ટાયર ઉદ્યોગ ક્ષેત્રે બહુ જાણીતી હતી. તેની પ.બંગાળની શાહગંજ ખાતેની ફેક્ટરીમાં મજૂર સંગઠનોની દાદાગીરી અને વારંવારની હડતાળથી ઉત્પાદનને બહુ ઘેરી અસર પડતી હતી. કંપનીનું મેનેજમેન્ટ પણ વારંવાર બદલાતું હતું. પરિણામ એ આવ્યું કે ડનલોપની ફેકટરી બંધ કરવી પડી હતી.

આવીજ દશા હિન્દુસ્તાન મોટર્સની થઇ હતી. હિન્દુસ્તાન મોટર્સની ઓળખ બહુ જાણીતી કાર એમ્બેસેડોર સાથે સંકળાયેલી છે. કંપનીના ઉત્તરપારા ખાતેના પ્લાન્ટમાં મજૂર સંગઠનોની વારંવારની ચંચુંપાત અને  હડતાળોથી કંટાળેલી કંપનીઓ થાકીને ઉત્પાદન બંધ કરી દીધું હતું.

આઇએફબી એગ્રો નામની કંપની પણ મજૂર સંગઠનોની અને સ્થાનિક સ્તરના ગુંડાઓના ત્રાસથી ફેક્ટરી બંધ કરી દીધી હતી. કોલકત્તા સાથે હેડ ઓફિસ ધરાવતી આઇએફબી એગ્રોેએ બોમ્બે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું હતું કે રાજ્યનો સત્તાધારી રાજકીય પક્ષ અમને ઇલેકટ્રોલર બોન્ડ ખરીદવા ફરજ પાડે છે. આઇએફબી એગ્રોેના સંચાલકોએ કહ્યું હતું કે પ.બંગાળના એક્સાઇઝ ઓફિસરો પણ અમારી પાસેથી બળ જબરી વાપરીને પૈસા લઇ જતા હતા.

કંપનીએ એમ પણ કહ્યું હતું કે એમને એક્સાઇઝના કેસમાં ફસાવી દઇશું એમ કહીને ૪૦ કરોડના ઇલેકટ્રોલ બોન્ડ ખરીદવા ફરજ પડાઇ હતી. બિઝનેસ કરવા મથતી કંપનીઓ સ્થાનિક સ્તરનો માહોલ પહેલાં ચકાશે છે પછી રોકાણ કરવાનું વિચારે છે. કોઇ પણ કંપની પોતાનું ઉત્પાદન રોકાય કે સ્ટાફના જીવના જોખમે આગળ વધવા તૈયાર નથી હોતી. પ.બંગાળના મોટા શહેરો અને ઔદ્યોગિક વિસ્તારોમાં ખંડણી ખોરોને નાના વેપારીઓ પણ હપ્તો ચૂકવતા હતા. કોઇ પણ કંપની કારખાનું ઉભું કરે એટલે કંપનીમાં સિક્યોરીટીનું કામકાજ સ્થાનિક ગુંડાગીરીને આપવું પડતું હતું. મજૂરી કરતો સ્ટાફ પણ તેમને પૂછીને રાખવો પડતો હતો.

પ.બંગાળમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ધાંધીયાને વિકાસના પાટા પર લાવવા પડશે.  સુવેન્દુની ટીમ ૨૪ કલાક કામ કરીને દેશના ઉદ્યોગ ગૃહોના સંપર્કમાં છે અને તેમને તમામ સલામતીની ખાત્રી આપી રહ્યા છે.

દેશના બિઝનેસ ગૃહોને આવકારવા બેંગાલ ગ્લોબલ બિઝનેસ સમિટ પણ ૨૦૧૫થી યોજવામાં આવી રહી હતી. ૨૦૨૩માં તેમાં ૨૫ દેશોના ૪૦૦ ડેલીગેટ્સે ભાગ લીધો હતો. જેમાં અંદાજે ૪,૪૦, ૯૯૫ કરોડના ૨૧૨ ઉદ્યોગો માટે એમઓયુ થયા હતા. તેમાંના અડધો અડધ એમઓયુ કરીને છૂ થઇ ગયા હતા. ત્યારે મમતાની સરકારે લોકોને વચન આપ્યું હતું કે અમારે ત્યાં આવો તમને કોઇ પરેશાન નહીં કરે. પરંતુ બધું નાટકબાજી સમાન સાબિત થયું હતું.

જોકે ટાટાગૃપ,ડનલેાપ અને આઈએફબી એગ્રેાને થયેલા કડવા અનુભવો ની સૌને જાણ હતી એટલે કોઇ કંપની જોખમ ઉઠાવવા તૈયાર નહોતી. મમતા બેનરજી કંપનીઓને આકર્ષવા ઠેઠ વિદેશમાં પણ જઇ આવ્યા હતા. પરંતુ ડેલીએ હાથ દઇને પાછા ફર્યા જેવો ઘાટ થયો હતો. કોર્પોરેટ કંપનીઓ બહુ સ્માર્ટ હોય છે. તે બિઝનેસમાં બહુ જોખમ ઉઠાવવા તૈયાર નથી હોતા. પોતાના સ્ટાફ સાથે મારપીટ થાય જેવી ઘટના કંપનીના સ્ટાફમાં ડર ફેલાવે છે.

મમતા બેનરજીએ તેમના ૧૫ વર્ષના શાસનમાં નામાંકીત ઉદ્યોગોને રાજ્યમાં લાવવા પ્રયાસ કર્યા છે પરંતુ ઉદ્યોગો સાથે બળજબરી કરતા તત્વોને છૂટોદોર પણ આપી રાખ્યો હતો. ભાજપના રાજમાં ગ્લોબલ બિઝનેસ સમિટ વધુ આકર્ષક બનવાની છે. વિશ્વભરની કંપનીઓ આવશે અને રોકાણ માટેની ઓફર કરશે.

કેન્દ્ર સરકાર પણ પ.બંગાળમાં રોજગારી વધારવાનો પ્રયાસ કરશે. રોજગારી વધારવી હશે તો મોટા ઉદ્યોગ ગૃહો માટે લાલજાજમ બિછાવવી પડશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું પડશે. ટેક્ષમાં રાહત જેવા મહત્વના નિર્ણયો લેવા પડશે. અદાણી ગૃપ અને લાર્સન એન્ડ ટૂબ્રો સાથે પ.બંગાળની સરકારે વાતચીત શરૂ કરી હોવાના અહેવાલો છે. એલ એન્ડ ટીનું યુનિટ માઇન્ડ ટ્રી કોલકત્તાના ન્યૂટાઉન કેમ્પસમાં કાર્યરત છે. તેનું બાંધકામ ચાલે છે. આ યુનિટ તૈયાર થશે એટલે ૨૫,૦૦૦ લોકોને જોબ મળશે. ૧૯ એકરમાં પથરાયેલા આ યુનિટનું ઉદ્ધાટન આગામી મહિનાઓમાં મુખ્યપ્રધાન સુબેન્દુ કરવાના છે.

કોર્પોરેટ ઇન્ડિયાની ખાસિયત એ છે કે, તે ઉગતા સૂર્યને ઓળખી લે છે અને તે દિશામાં જાય છે. જો મોટા ઉદ્યોગ ગૃહો પ.બંગાળમાં રોકાણની જાહેરાત કરશે તો અન્ય નાના એકમો પણ પ.બંગાળમાં રોકાણ કરવા પ્રેરાશે. રોકાણકારો પ.બંગાળમાં બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણ ઇચ્છે છે. સૌથી પહેલા ગુંડાગીરી સામે દરેક રક્ષણ ઇચ્છે છે. તે માટે નવી સરકાર કડક પલગાં લઇ રહી હોવાનું જોવા મળે છે.

પ.બંગાળની કમનસીબી એ હતીકે ત્યાં બિઝનેસ વિરોધી સરકાર હતી. જેના કારણે બિઝનેસ કરનારામાં વિશ્વાસ ઉભો કરી શકાતો નથી. પ.બંગાળની નવી સરકાર શિપીંગ અને વોટર-વે ટ્રાન્સપોર્ટ પર ભાર આપી રહી છે. પ.બંગાળની સરકાર રોકાણકારો માટે નવી બિઝનેસ પોલીસી તૈયાર કરી રહી છે જે પ.બંગાળની ઇમેજ બદલી નાખશે તે નક્કી છે.

-  આઇટીસી, કોલ ઇન્ડિયા, ટીસીએસ એક્સાઇડ વગેરેની ઓેફિસો કોલકત્તામાં છે...

- ૧૯૭૦ના દાયકાથી પ.બંગાળની બિઝનેસ વિરોધી નિતી તેને ભારે પડી હતી..

એવું પણ નથી કે પ.બંગાળમાં કોઇ બિઝનેસ જ નથી. કેટલીક કંપનીઓ ત્યાંની સિસ્ટમ  સાથે સેટ થઇ ગઇ હતી. જેમકે આઇટીસી લિમિટેડ (ૈં્ભ). તેનું હેડ ક્વાર્ટર કોલકત્તામાં છે. તેનેા બિઝનેસ હોટલ, પેપર બોર્ડ અને એગ્રીકલ્ચર પ્રોડક્ટ સાથે સંકળાયેલો છે. કંપનીની માર્કેટ કેપ ૪.૨ લાખ કરોડની છે. એવીજ રીતે કોલ ઇન્ડિયાની હેડઓફિસ પણ  કોલકત્તામાં છે. આ સરકારી કંપની વિશ્વમાં સૌથી વધુ કોલસાનું ઉત્પાદન કરે છે. ટીસીએસ તરીકે ઓળખાતી ટાટા કન્સલટન્સી સર્વિસની હેડ ઓફિસ મુંબઇમાં છે. તેના કોલકત્તા યુનિટમાં હજારો લોકો જોબ કરે છે. ભારતમાં બેટરીના સૌથી મોટા ઉત્પાદક એક્સાઇડ બેટરીનું મુખ્ય મથક કોલકત્તામાં છે. બર્જર  પેઇન્ટની મુખ્ય ઓફિસ પણ  કોલકત્તામાં છે.

એક સમયે સંસદમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદે કહ્યું હતું કે બંગાળની ઇમેજ કેટલાક તત્વો બગાડી રહ્યા છે. તેમણે આવું કહ્યું ત્યારે ભાજપના સભ્યો નેનો-નેનોની બૂમો પાડતા હતા. પ.બંગાળના સાંસદો ગમે તેટલા ખુસાલા કરે પણ હકીકત એ છે કે પ. બંગાળમાં ગુંડાગીરીના કારણે કોઇ બિઝનેસ ટકતા નથી. ૬૦૦૦ બિઝનેસને તાળા મારીને ભાગી જવું પડયું તેની પાછળના કારણો તપાસવાનો સમય મમતા સરકાર પાસે નહોતો.

કોઇ પણ રાજ્ય ત્યાંના લોકોને રોજગારીની તકો પુરી પાડવાથી શોભે છે. પ.બંગાળમાં મમતા સરકારે બિઝનેસ સર્કલ સાથેના સંબંધો ગુમાવ્યા હતા. ૧૯૭૦ના દાયકાથી પ.બંગાળની બિઝનેસ વિરોધી નિતી તેને ભારે પડી હતી.