Magazines

લોભ અને લાલચની માયા જાળમાં બુધ્ધિશાળી પણ ફસાયા સત્યમ, સુબ્રતો,ગોયેલ ટુ માલ્યા

By GS TEAM
31 May 20267 mins read
લોભ અને લાલચની માયા જાળમાં બુધ્ધિશાળી પણ ફસાયા સત્યમ, સુબ્રતો,ગોયેલ ટુ માલ્યા

- કોર્પોરેટ પ્લસ -  ગણેશ દત્તા

- એક સમયના કિંગ ઓફ ગુડ ટાઇમ્સ, સુબ્રતોશ્રી,જેટ કિંગ,સ્ટાર્ટઅપ કિંગ, આંધ્ર પ્રદેશના બીલ ગેટ્સ વગેરેની સાથે સમય સમય બલવાન હૈ જોડાયેલું છે

- 22 અબજ ડોલરની સંપત્તિને ઝીરો પર લાવી દેનાર  બાયજૂસના રવિન્દ્રનને સિંગાપુરની કોર્ટે છ મહિનાની જેલની સજા કરી છે. તે એક સમયે ભારતના સ્ટાર્ટઅપ કિંગ કહેવામાં આવતા હતા...

- જેમની પાસે જેટ એરવેઝ કંપની હતી તે આજે સાઇકલ પણ ખરીદી શકતા નથીઃ ૧૯૯૮માં સત્યમ કંપનીના શેરનો ભાવ ૫૪૪ હતો તે કૌભાંડ જાહેર થયા બાદ 6 રૂપિયા 30 પૈસા પર આવી ગયો હતો

 લોભ અને લાલચ ટોચ પર બેઠેલાને ખીણમાં ધકેલી દે છે. મધ્યમ વર્ગના લોકો વધુ પૈસા કમાવવાની લાલચમાં ફસાય છે તો જેમને સોશ્યલ નેટવર્ક પર લાખો લોકો અનુસરતા હોય અને જેમની સાથે સંબંધો રાખવા કે તેમની કંપનીમાં જોબ મેળવવા પડાપડી થતી હોય એવા કોર્પોરેટ સર્કલના કિંગ કહેવાતા લોકો પણ લોભ-લાલચના શિકાર બનીને ટોપ પરથી તળીયા તરફ ગતી કરવા લાગે છે. લોભ અને લાલચની માયા જાળ એવી હોય છે કે તેમાં બુધ્ધિશાળી કહેવાતા લોકો પણ લપસી પડે છે.

ગયા અઠવાડિયે પોતાની ૨૨ અબજ ડોલરની સંપત્તિને ઝીરો પર લાવી દેનાર  બાયજૂસના રવિન્દ્રનને સિંગાપુરની કોર્ટે છ મહિનાની જેલની સજા કરી છે. કોર્પોરેટ સર્કલને બાયજૂસના અહેવાલો એટલા માટે હચમચાવી રહ્યા છે કે તે એક સમયે ભારતના સ્ટાર્ટઅપ કિંગ કહેવામાં આવતા હતા તે દેવાના એવા ચક્કરમાં ફસાયા કે નાદારી નોંધાવવી પડી છે. વિદેશમાંથી ભંડોળ લીધા બાદ તેની ચૂકવણી કરવામાં ધાંધીયા કરનારાઓ લાંબા ગાળે ફસાતા હોય છે.

 જેમને હાઇપ્રોફાઇલ બિઝનેસમેનની  યાદીમાં મુકવામાં આવતા હતા તેવા અનેક બિઝનેસમેન ક્યાંતો દેશ છોડીને ભાગી ગયા છે કે જેલની હવા ખાઇ રહ્યા છે. કેટલાક વિલફૂલ ડિફોલ્ટર્સ રહીને બદનામ થયા હતા. વિલફૂલ ડિફોલ્ટર્સ એટલે પોતાની પાસે પૈસા હોવા છતાં બેંકોના લીધેલા નાણા પરત નહીં આપીને બેંકોની નોન પર્ફોર્મીંગ એેસેસ્ટસમાં વધારો કરનારા. આવા લોકોની યાદી પણ બહુ મોટી છે.

લોભ અને લાલચમાં કંપની ડૂબાડનારાની યાદીમાં મોખરે કિંગ ફિશર એરલાઇન્સના વિજય માલ્યા આવે છે. માલ્યાનો કેસ હાઇપ્રોફાઇલ એટલા માટે છેકે દેશના રાજકારણીઓમાં વગ ધરાવનાર વિજય માલ્યાને  કિંગ ઓફ ગુડ ટાઇમ્સ તરીકે ઓળખવામાં આવતા હતા. માલ્યાનું સામ્રાજ્ય તૂટવા પાછળનું કારણ સ્ટાફને પગાર ના ચૂકવવો, ડુંગર જેટલું દેવું અને બેંકોની લોન નહીં ચૂકવવાની સિસ્ટમ હતી. જેમ બાયજૂસ પ્રમોશન પાછળ લાખો ખર્ચતા હતા એમ માલ્યા પણ ફોર્મ્યુલા વન અને ક્રિકેટ સ્પોન્સરશીપ પાછળ લાખો ખર્ચતા હતા.

  પોતાની રાજકીય લોબી પર પકડ છે માટે કોઇ આપણી સામે પગલાં લઇ શકે નહીં એવા ગુમાનમાં ફરતા માલ્યાએ અંતે દેશ છોડીને યુ.કે ભાગી ગયા હતા. સરકાર તેમને પાછા લાવીને સજા કરવા માંગે છે. 

  માલ્યા જેવોજ કેસ સહારા ઇન્ડિયા પરિવારના સુબ્રતો રોયનો છે. અબજો ડોલરનું સામ્રાજ્ય ધરાવતા સુબ્રતો રોય પણ નાણાકીય બાબતોમાં મનમાની કરતા હતા. તેમની બચત સ્કીમમાં હજારો લોકોને રોવાનો વારો આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેમની નાણાકીય ગેરરીતીઓનો જવાબ માંગતા તે ફસાયા હતા. લોકોને પૈસા ચૂકવવા તેમણે સંપત્તિ વેચવી પડી હતી. તેમને લાંબો સમય જેલમાં રહેવું પડયું હતું. સુબ્રતો પણ સહારા કિંગ તરીકે ઓળખાતા હતા. તેમજ અનેક રાજકીય પરિવારો સાથેના તેમના સંબંધો પણ છેલ્લા સમયમાં તેમને કામમાં નહોતા આવ્યા.

    અનેક ક્ષેત્રોમાં તેમનું રોકાણ હતું. એક સમયના અબજો રૂપિયાના માલિકને લાંબો સમય જેલમાં રહેવું પડયું હતું. જેલમાંથી પેરોલ પર છૂટયા બાદ પણ તેમની સામેના કેસોનું ભારણ ચાલુ રહ્યું હતું.

તેમને સુબ્રતોશ્રી તરીકે સંબોધવામાં આવતા હતા. તેમની રાજાશાહી જેવી લાઇફ તેેમને જેલ સુધી ખેંચી લાવી હતી. નાના રોકાણકારો પાસેથી બચતન નામે ઉઘરાવેલા ૨૫,૦૦૦ કરોડ પરત કરવા કોર્ટે આદેશ આપ્યો હતો ભારતીય રેલવે પછી સૌથી વધુ નોકરીઓ સહારા ગૃપ આપતું હોવાનો દાવો કરાયો હતો.

    લોકોના પૈસા ચૂકવવા ખાસ પોર્ટલ ઉભું કરવામાં આવ્યું હતું. સિક્યોરીટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ બીજા ૨૪,૦૦૦ કરોડ ડિપોઝીટ કરવા જણાવ્યું હતું. જોકે સુબ્રતોરોય તેમની ઇમેજ ફરી ઉભી કરી શક્યા નહોતા. મુંબઇ ખાતે હાર્ટ એટેકમાં તેમનું મૃત્યુ થયું હતું.

જેટ એરવેઝના નરેશ ગોયેલનો બિઝનેસ ધમધોકાર ચાલતો હતો.  બેંકોના  બાકી પૈસા, તેમજ અન્ય દેવા ભરપાઇ તે કરી શકતા નહોતા. અંતે જેટ એરવેઝ જમીન પર આવી ગઇ હતી. તેમના સુવર્ણકાળમાં તેમને જેટકિંગ કહેવાતું હતું.

સપ્ટેમ્બર ૨૦૨૩માં તેમની મની લોન્ડરીંગ કેસમાં ધરપકડ કરાઇ હતી. ૫૩૮.૬૨ કરોડ રૂપિયાનો કેસ તેમના પર થયો હતો. ૨૪૯ દિવસ જેલમાં રહ્યા બાદ તેમની કેન્સરગ્રસ્ત પત્નીની સારવાર માટે તેમને જામીન મળ્યા હતા. તે પોતે પણ કેન્સરની સારવાર લઇ રહ્યા છે. તેમની પત્નીના અવસાન વખતે તેમનો વધી ગયેલી દાઢીવાળો ચહેરો જોઇને હાજર સૌ કહેતા હતાકે સમય સમય બલવાન હૈ નહીં મનુષ્ય બલવાન. જેમની પાસે જેટ એરવેઝ કંપની હતી તે આજે સાઇકલ પણ ખરીદી શકતા નથી.

 આ તબક્કે સૌથી ચર્ચાસ્પદ એવા સત્યમ કોમ્પ્યુટરનો કેસ ભૂલાય તેમ નથી. સત્યમ કૌભાંડના મુખ્ય સૂત્રધાર રામલિંગા રાજુ એ ભારતના ઇતિહાસમાં સૌથી મોટા નાણાકીય ગોટાળા કર્યા હતા. તેણે કબૂલ્યું હતું કે તેણે કેટલાક વર્ષો સુધી કંપનીનો ખોટો નફો ખોટા હિસાબો ચીતરીને બતાવ્યો હતો.  તેણે અચાનક રાજીનામું આપીને ઓડિટરો તેમજ હિસાબનીસોને ફસાવી દીધા હતા. આમ તેમણે રોકાણકારોનો વિશ્વાસ પણ ગુમાવ્યો હતો. ભારત અમેરિકા અને સિંગાપુરમાં તેમની સામે કેસ થયા હતા. રામલિેગા રાજુએ ૫૩૩ મિલીયન ડોલરના હિસાબો છૂપાવ્યા હતા.

    સત્યમ કોમ્પ્યુટરના બાયરજ્જુ રામ લિંગા રાજુને આંધ્ર પ્રદેશના બીલ ગેટ્સ કહેવાતા હતા. ટોપમાં પહોંચેલા રાજુની પડતી ૨૦૦૯માં શરૂ થઇ હતી. તેમની પાસેનું આંધ્રપ્રદેશના બિલ ગેટ્સનું લેબલ પાછું ખેંચાઇ ગયું હતું અને તે ભારતના કોર્પોરેટ ક્ષેત્રના સૌથી મોટા ફ્રોડ જાહેર થયા હતા. તેમણે સત્યમ કોમ્પ્યુટરમાં ૨૦૦૯માં ૭૧૩૬ કરોડની ખોટ બતાવી હતી. ૧૯૯૮માં કંપનીના શેરનો ભાવ ૫૪૪ હતો તે કૌભાંડ જાહેર થયા બાદ ૬ રૂપિયા ૩૦ પૈસા પર આવી ગયો હતો.

  ખોટા બીલો, વધુ પડતો પ્રોફીટ વગેરે બતાવીને રોકાણકારોને છેતર્યા હતા. કંપનીમાં વધુ ખર્ચા નાખતા તેમણે સ્ટાફની સંખ્યા પણ ખોટી બતાવી હતી.  કંપનીમાં ૪૦,૦૦૦નો સ્ટાફ હતો જ્યારે ચોપડે ૫૩,૦૦૦નો સ્ટાફ બતાવાયો હતો. આમ દરમહિને ૧૩,૦૦૦ લોકોના સ્ટાફનો પગાર તે ખેંચી લેતા હતા.તેમની કંપનીને વિશ્વ બેંકે ૮ વર્ષમાટે બ્લેકલીસ્ટ કરી હતી.

 રાજુએ જાહેરમાં કબૂલ્યું હતું કે પોતે ફ્રોડ કર્યો છે. કૌભાંડ જાહેર થયા પછી કોર્પોરેટ કંપનીઓના વહિવટમાં આમૂલ પરિવર્તન લાવતા નવા નિયમો લાદવામાં આવ્યા હતા. રાજુ સહીત અન્ય નવને આંઠ વર્ષની જેલની સજા જાહેર કરાઇ હતી. જોકે થોડો સમય બાદ તેમને જામીન મળી ગયા હતા.

કૌભાંડ પછી સત્યમનું રીબ્રાન્ડીંગ કરાયું હતું,  ટેક મહેન્દ્રએ તે કંપની હસ્તગત કરીને તેનું નામ મહેન્દ્ર સત્યમ કર્યું હતું. પછી તે ૨૦૧૩માં ટેક મહેન્દ્રમાં મર્જ થઇ ગઇ હતી. હાલમાં બાયરજ્જુ રામ લિંગા ૭૬ વર્ષના છે અને સાદું જીવન જીવે છે.

   ફરી બાયજૂસના કેસ તરફ પાછા ફરીયે તો રવિન્દ્રને બિઝનેસમાં આવેલા પૈસા પરત ચૂકવવાના છે તે સમજવામાં થાપ ખાધી હતી. તેણે જે હેતુ માટે પૈસા વાપરવાના હતા તેના બદલે તેને અન્ય પ્રોજેક્ટમાં વેડફી નાખ્યા હતા અંતે જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.આવા લોકોના સુવર્ણકાળમાં તેમને વિવિધ ગૌરવપ્રદ નામે ઓળખવામાં આવતા હતા. જેમકે વિજય માલ્યાને કિંગ ઓફ ગુડ ટાઇમ્સ , સુબ્રતો રોયને સુબ્રતોશ્રી,નરેશ ગોયેલને જેટ કિંગ જ્યારે બાયજૂસને સ્ટાર્ટઅપ કિંગ કહેવાતું હતું.

રોકાણકારોનું રોકાણ પોતાની મિલ્કત સમજનારા ફસાય છે

   રોકાણ નિયમિત પરત ચૂકવીને શાખ ઉભી કરવી જોઇએ તેના બદલે પૈસો જેવો હાથમાં આવે એટલે પોતાની પ્રસિધ્ધિ પાછળ તેનો વાપરવો તે સ્ટાઇલ કિંગ ફીશર ફેેઇમ વિજય માલ્યાની હતી. વાચકોને બલ્યૂ સ્માર્ટ ટેક્ષી સર્વિસનો કિસ્સો યાદ હશે. દિલ્હી અને ઉત્તરપ્રદેશના અનેક વિસ્તારોમાં બહુ જાણીતી ટેક્ષી સર્વિસે તેના રોકાણકારોના પૈસા લકઝરીયસ ફ્લેટ ખરીદવામાં વાપરતાં સેબીએ તેની સામે પગલાં લીધા હતા તે કંપની આજે બંધ થઇ ગઇ છે અને દેવાળીયા બની ગઇ છે. આવા તો અનેક કિસ્સા છે. રોકાણકારોના પૈસા ખિસ્સામાં આવી ગયા પછી લોકો તેના કાયમી માલિક બની જાય છે.

 સ્ટાર્ટઅપ ચલાવતા મોટા ભાગના લોકો મધ્યમ વર્ગના હોય છે. તેમની બિઝનેસ કુનેહના કારણે તેમને રોકાણકારો સામેથી મળે છે. શરતી રોકાણ કારો સમયસર વ્યાજ કે હપ્તાની નિયમિતતા માંગે છે. કંપનીનો પૈસો પરત ચૂકવવાનું વિચારવાના બદલે લકઝરી લાઇફ સ્ટાઇલમાં તે વાપરે છે. જેની પાસે તેમાં ટેક્ષી ઈલેકટ્રીક સંચાલીત હતી તે બ્લ્બૂ સ્માર્ટ શેરબજારના રોકાણ કારોનું રોકાણ અન્યત્ર રોકીને ફ્રોડ કરતાં પકડાયા હતા. 

  કેટલાક સ્ટાર્ટઅપમાં રોકાણ આવતાંજ તેનો ઉપયોગ કંપનીના વિકાસમાં વાપરવાના બદલે તે જમીન ખરીદી લે છે અને પોતાને સલામત સમજવા લાગે છે. બાયજસ રવિન્દ્રન પોતાની જાતને બહુ બિન્દાસ્ત સમજતા હતા. પોતાને બધાજ કાયદાની ખબર છે અને મને પકડવો આસાન નથી એમ કહ્યા કરતા હતા.