Magazines

નેપાળ સાથેની ડયુટી ફ્રી કરારને લીધે ખાદ્યતેલોની આયાતમાં બમણો ઉછાળો

By GS TEAM
24 May 20263 mins read
નેપાળ સાથેની ડયુટી ફ્રી કરારને લીધે ખાદ્યતેલોની આયાતમાં બમણો ઉછાળો

- કોમોડિટી કરંટ

- એરંડા તેલની નિકાસમાં એપ્રિલમાં એક ટકાનો વધારો

હાલમાં ચાલી રહેલી ભીષણ ગરમીને કારણે ખેતરો સુકાઈ રહ્યા છે. આ વર્ષે ચોમાસાની સીઝનમાં અલનીનોને કારણે આંતરરાષ્ટ્રીય મોસમ એજન્સીઓએ દેશમાં કેટલાય વિસ્તારોમાં દુકાળ પડવાની કરેલી આગાહીઓને કારણે ખરીફ વાવેતરમાં વિલંબ થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. અરબ સાગર ઉપર સાયકલોનિક સરક્યુલેશન વરસાદને અવરોધ કરશે તેવી આશંકાઓ છે. ચોમાસુ ભારતીય કૃષિ માટે લાઇફ લાઇન છે. જો સમયસર વરસાદ થાય તો ખેતીની તમામ સાયકલ સુચારૂ રહે તેમ છે.

આજકાલ ભારત સરકાર સોનું, કાચુ તેલ તેમજ અન્ય ખાદ્યતેલો તથા દાળોની આયાતથી બચવા માટે સ્વનિર્ભરતા ઉપર ભાર મુકી રહી છે. કાચા તેલની આયાત આજકાલ સરકાર માટે શિરદર્દ સમાન પ્રશ્ન બન્યો છે તેમ ખાદ્યતેલોની પણ વધેલી નોધપાત્ર આયાત સરકાર માટે તપાસનો વિષય બની રહ્યો છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન દેશમાં ખાદ્યતેલોની આયાતમાં લગભગ ત્રણેક ટકાનો થયેલા વધારા પાછળનું મુખ્ય કારણ નેપાળથી ડયુટી વગર ફ્રી આયાત થતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગત વર્ષે લગભગ ૧૬૬થી ૧૬૭ લાખ ટન ખાદ્ય તેલોની દેશમાં આયાત થઈ છે. જે પૈકી માત્ર નેપાળમાંથી વર્ષે દહાડે ૭.૪૦ લાખ ટન ઉપરાંતની ખાદ્યતેલોની આયાત થતાં સમગ્ર મામલો તપાસનો વિષય બન્યો છે. નેપાળમાંથી મોટે ભાગે સોયાતેલની વિશેષ આયાત થઈ છે. જોકે સુરજમુખી તેલ, પામોલિન તથા રેપસીડ તેલની પણ આયાત નેપાળથી થયેલ છે. ભારત તથા નેપાળ વચ્ચે સાફટા કરાર અંતર્ગત નેપાળમાંથી કસ્ટમ ડયુટી વિના સરળતાથી ખાધતેલોનો વેપાર ભારત સાથે થાય છે. સાઉથ એશિયન ફ્રી ટ્રેડ એરિયા એટલે કે સાફટા કરાર હેઠળ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, માલદિવ તથા અફઘાનીસ્તાન સહિત આઠ દેશો વચ્ચે કોઈપણ ડયુટી વિના વેપાર થઈ શકતો હોવાથી વેપારીઓએ તેનો ભાર ઉઠાવ્યો હોવાનું બહાર આવ્યું છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન નેપાળમાંથી લગભગ ૩.૪૦ લાખ ટન ખાધતેલોની થયેલી આયાત સામે વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન સાફટા કરારનો ફાયદો ઉઠાવી ખાધતેલોની આયાત બમણી ડબલ એટલે કે કુલ ૭.૪૦ લાખ ટન ઉપરાંતની થતાં સરકાર પણ ચોંકી ઉઠી છે. આ દરમ્યાન વિશ્વબજારમાં ખાધતેલોની કિંમતો પણ વધેલ છે અને ડોલરની સામે રૂપિયો સતત નબળો પડતાં સરવાળે ભારત માટે ખાદ્યતેલોની વાયા નેપાળ થતી આયાત ખૂબ નોંધપાત્ર બની ગઈ છે.

આ સંદર્ભે કોમોડિટીના જયવંદનભાઈ ગાંધી વધુમાં જણાવે છે કે દેશમાં ઉત્પાદિત તેલીબીયાંથી માંડ ૪૦ ટકા જરૂરિયાત પૂર્ણ થાય છે. જ્યારે ૬૦ ટકા જરૂરિયાત માટે ખાદ્યતેલોની વિદેશથી આયાત કરવી પડી રહી છે. ખાદ્યતેલોની આયાત ઓછી કરવા તેમજ તેના માટે કરવા પડતા વિદેશી કરંસીનું દબાણ ઓછું કરવા માટે સ્થાનિક સ્તરે ખાદ્યતેલોનો વપરાશ ઓછો કરવો પડે અથવા તેલીબીયાંનું ઉત્પાદન વધારવું પડે તેમ છે. આજકાલ ગ્લોબલ સપ્લાયની અનિશ્ચિતતાઓ પણ અવરોધરૂપ થઈ રહી છે.

તેલીબીયામાં મોટેભાગે એરંડા, રાયડો, મગફળી, સોયાબીન, તલ જેવી ચીજોની ખેતી દેશમાં સવિશેષ થાય છે. મોટે રાયડો તથા એરંડાની ખેતી ગુજરાત સહિત દેશમાં વધુ હોય છે. આ વર્ષે ગુજરાતમાં એરંડાના ભાવો પ્રતિ મણે રૂપિયા ૧૨૦૦ થી ૧૩૦૦ની રેન્જમાં છે. એરંડાની ગુજરાતમાં લગભગ ૭૦ હજાર બોરી તથા રાજસ્થાન સહિત કુલ ૧૧૫ લાખ બોરી ઉપરાંતની આવકો હોવાનો અંદાજ છે. જોકે વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન એરંડાનું ઉત્પાદન લગભગ ૧૬ થી ૧૭ લાખ ટન થવાનું અનુમાન સરકારી તંત્રનું છે. જે ગત વર્ષ કરતાં એકાદ લાખ ટન ઓછું હોવાનો અંદાજ છે. ઓછા ઉત્પાદન સામે આ વર્ષે એરંડાના તલની માંગ પણ મર્યાદિત છે.