યુદ્ધના માહોલથી આયાત નિકાસના વેપાર પર પડેલી મોટી અસર

- કોમોડિટી કરંટ
- એરંડાને બાદ કરતાં મોટાભાગની કૃષિ ચીજોમાં મંદીનો માહોલ
છેલ્લા દશેક દિવસથી ઇઝરાયલ તથા ઇરાન વચ્ચે ચાલી રહેલા ધમાસાન યુદ્ધને લીધે બંને દેશોમાં ભારે નુકશાન થવાની સાથે સાથે અન્ય દેશો ઉપર પણ તેની ભારે અસર પડી રહી છે. ભારત સાથે બંને દેશોના વ્યાપારિક સંબંધોની સાથે ભારતનું રોકાણ પણ બંને દેશોમાં નોંધપાત્ર છે. ભારતમાંથી ઇરાનને ચા, મસાલા, ખાંડ, સોયામીલની સાથે સાથે બાસમતી ચોખાની મોટાપ્રમાણમાં નિકાસ થાય છે. હાલમાં યુદ્ધના કારણે શિપમેંટ કારોબાર લગભગ બંધ હાલતમાં ફેરવાઈ ગયો છે. જેની અસરથી બાસમતી ચોખાની કિંમતોમાં દશેક ટકાનો ઘટાડો થયો છે અને આગામી સમયમાં પણ બજાર તુટશે તેવી આશંકા છે. ગતવર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન ભારતમાંથી બાવન લાખ ટન બાસમતી ચોખાની નિકાસ ઇરાનમાં થઈ હતી. જે વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન ઉછળીને ૬૦ લાખ ટન ઉપરાંતની થઇ છે.
યુદ્ધની અસરને કારણે વૈશ્વિક સ્તરે કાચુ તેલ તથા ખાદ્ય તેલોનાં સપ્લાય ઉપર અસર પડતાં બજારમાં તેજીનો ચમકારો રહે તેવી ભીતિને પરિણામે સરકારે બંને ચીજોનો પર્યાપ્ત માત્રામાં સ્ટોક ઉપલબ્ધ થાય તે દિશામાં કાર્યવાહી કરી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. યુદ્ધના માહોલમાં આયાત નિકાસના વેપારો ઉપર ભારે અસર પડતાં મસાલા ચીજોથી માંડીને મોટા ભાગની ખાદ્યચીજોના વેપારોમાં મંદીનો માહોલ છવાયો છે. રાજ્યના સૌથી વ્યસ્ત વેપારી બંદર કંડલા પોર્ટ ઉપર આજકાલ ખાદ્યતેલોથી ભરેલા જહાજોને ક્લીયરન્સ આપવામાં ભારે મુશ્કેલી વર્તાઈ રહી છે. વિદેશોથી મોટી માત્રામાં કાચુ ખાદ્ય તેલનો જથ્થો મંગાવી કંડલા પોર્ટ આસપાસ કેટલીય રિફાઈનરીઓમાં પ્રોસેસીંગ કરી દેશોના વિવિધ રાજ્યોમાં રિફાઇન્ડ ખાદ્ય તેલોનો પુરવઠો સપ્લાય કરવામાં આવે છે. ગયા અઠવાડિયે લગભગ ૪૫ હજાર ટનના તેલના જથ્થાવાળા માત્ર બે જહાજોને ક્લિયરન્સ મળેલ છે જ્યારે આઠેક જહાજો હજી ક્લીયરન્સ માટે લાઈનમાં હોવા ઉપરાંત પાંચેક જાહજો આગામી સમયમાં કંડલા પોર્ટ ઉપર પહોંચશે તેવી ગણત્રી વેપારી વર્ગમાં ચર્ચાસ્પદ બની છે. ક્લીયરન્સ મળવામાં વિલંબ થવાથી આયાત ખર્ચમાં પણ સતત વધારો થતો હોવાથી પડતી મુશ્કેલીઓ સંદર્ભે સરકાર સમક્ષ પણ તાજેતરમાં રજૂઆતો કરી પોર્ટ ઉપર ક્લીયરન્સની કામગીરી ઝડપી કરવા માંગ કરવામાં આવી છે.
વરસાદી સીઝનમાં આજકાલ એરંડાને બાદ કરતાં તમામ કૃષિ ચીજોનાં મંદીનો માહોલ છવાતાં વેપારમાં ભારે સુસ્તી છવાઈ છે. કૃષિ બજારોમાં માલોની આવકો દિનપ્રતિદિન ઓછી થઇ રહી છે. બહોળો વેપાર ધરાવતી જીરા બજારમાં ભાવો તળિયે જતાં મોટાભાગનો વેપારી વર્ગ નુકશાનીના ચક્કરમાં ફસાયો હોવાની વ્યાપક રાવ છે. જીરાની પ્રતિ મણે રૂપિયા ચારેક હજારના ભાવ સાથેની સરેરાશ ખરીદી બાદ બજાર વધસે તેવી ગણત્રી ઉંધી પડી છે. જીરા હાજરમાં સરેરાશ ભાવો ૩૫૦૦ રૂપિયા અને વાયદાના ભાવો પ્રતિ ક્વિન્ટલે ૧૯૦૦૦ની સપાટીએ નીચા સ્તરે રહ્યા છે. વૈશ્વિક અશાંત સ્થિતિને કારણે વિદેશી તેમજ સ્થાનિક ડિમાન્ડ પણ જીરાની નબળી રહેતાં બજાર સતત ઘસાતાં તુટી રહી છે. જો જીરાની બજાર પ્રતિ મણે ત્રણેક હજારની સપાટી સુધી નીચે જાય તો વેપારીઓને ભારે નુકશાનીનો ગભરાટ સતાવી રહ્યો છે. હાલમાં જીરાનો વીસેક લાખ બોરી માલ ખેડૂતો પાસે હોવાનો અને સીઝનના અંત સુધીમાં ત્રણથી ચાર લાખ બોરીની ખપત બાદ કરાય તો સરવાળો ૧૫થી ૧૬ લાખ બોરીનો સ્ટોક કેરી ફોરવર્ડ થાય તેવું અનુમાન વેપારી વર્ગમાં હોવાનું જણાવી વધુમાં કોમોડિટીના જયવદનભાઈ ગાંધી જણાવે છે કે જીરા ઉપરાંત અન્ય મસાલા ચીજોમાં પણ મંદીનો ગભરાટ છવાયેલો છે. જો કે એરંડામાં તેજીનો જુવાળ રહેતાં વેપારીઓએ હાશકારો લીધો છે. એરંડાની આવકો પચાસ હજારથી નીચે જતાં હાજરમાં ભાવો પ્રતિ મણે ૧૩૦૦ની આસપાસ તથા કેસ્ટર વાયદો પ્રતિ ક્વિન્ટલે રૂપિયા ૬૭૦૦ની આસપાસ રહી તેજી તરફી છે. આવકો ઘટવાની સાથે સ્ટોકીસ્ટો તથા બદલાવાળા પાસે પડેલા એરંડાના માલો ઉપર પકડ મજબૂત બનતાં અછતમાં વધારો થતાં તેજી થશે તેવી સંભાવનાઓ વધુ છે.








