Magazines

સોના- ચાંદીના વાયદામાં અફરાતફરી અટકતા એડીશનલ માર્જીન રદ

By GS TEAM
22 Feb 20263 mins read
સોના- ચાંદીના વાયદામાં અફરાતફરી અટકતા એડીશનલ માર્જીન રદ

- કોમોડિટી કરંટ

- મસાલા ચીજોમાં ઉત્પાદનો ઘટવાની આશંકાથી તેજીના એંધાણ

કોમોડિટી સેક્ટરમાં આજકાલ તેજી-મંદીનો મિશ્ર પ્રવાહ ચાલી રહ્યો છે. બુલિયન કોમોડિટી સોના-ચાંદી મહિના અગાઉ અકલ્પનીય તેજીના જુવાળને લીધે ફ્યુચર ટ્રેડમાં ભારે વમળોમાં ડૂબી ગયાની ચર્ચા છે. જો કે, ફ્યુચર ટ્રેડિંગમાં ભારે ચડાવ- ઉતાર રહેતા રિસ્ક મેનેજમેન્ટ અંતર્ગત એક્સચેન્જોએ સોના- ચાંદીના ફ્યુચર ટ્રેડિંગ ઉપર ખાસ વધારાનું માર્જીન લગાવીને ટ્રેડિંગ સાથે જોડાયેલા જોખમોને કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે હાલમાં સોના-ચાંદી ઉપરના ટ્રેડમાં જોખમ ઓછું થતા મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (MCX) તથા નેશનલ સ્ટોક એકસ્ચેન્જ (NSE) ને સોના-ચાંદીના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ ઉપર લાદેલ વધારાના માર્જીનને દૂર કરવાની જાહેરાત કરી છે. આ મહિનાની શરૂઆતમાં તમામ ગોલ્ડ ફ્યુચર્સ ઉપર ત્રણ ટકા અને સિલ્વર ફ્યુચર્સ ઉપર સાત ટકા વધારાનું (એડીશનલ) માર્જીન લાદવામાં આવ્યું હતું જે હવેથી તાત્કાલીક અસરથી સમાપ્ત કરવામાં આવ્યું હોવાનું જાહેર થયું છે. બજારની ચર્ચામાં એવી રમુજ હતી કે સોના-ચાંદીમાં તેજી- મંદીનો સમગ્ર આધાર અમેરિકન પ્રમુખ ટ્રમ્પના મુડ ઉપર આધારિત રહે છે. હવે આગામી નવેમ્બરમાં અમેરિકામાં મધ્યવર્તી ચૂંટણીઓનો માહોલ હોવાથી પ્રેસિડેન્ટ ટ્રમ્પ પોલિટીકલ સ્પીડ હાલમાં નિયંત્રિત થઈ હોવાની ગણત્રીથી આજકાલ સોના- ચાંદી બજારમાં તેજી- મંદી છેલ્લા કેટલાક સમયથી કંટ્રોલમાં રહેતા ભારતીય એક્સચેન્જોએ પણ એડિશનલ માર્જીન રદ કર્યું છે. ટેરિફના ભાવના કારણે ભારતીય કૃષિ નિકાસ ઉપર નેગેટીવ અસર વર્તાઈ છે.

તાજેતરમાં કેન્દ્રના વાણિજ્ય મંત્રાલયના અહેવાલો પ્રમાણે જાન્યુઆરી ૨૦૨૬ દરમ્યાન ચોખા, ચા, મસાલા, સુકામેવા, ડેરી તથા પોલ્ટ્રી ઉત્પાદકોની નિકાસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જો કે, કોફી, ફળો, શાકભાજી જેવી ચીજોની નિકાસ આવકમાં સારો એવો વધારો પણ થયો છે. આ ઉપરાંત સોના-ચાંદીની નિકાસ આવકમાં પણ કેટલાય ગણો વધારો નોંધાયો છે. નિકાસની સામે કપાસ, કોટન વેસ્ટ, વનસ્પતિ તેલ તેમજ કેટલીક ધાતુઓની આયાત ખર્ચમાં વધારો થયો છે. જો કે, દાળો તથા પેટ્રોલિયમ ચીજોની આયાત ખર્ચમાં ઘટાડો પણ નોંધાયો છે. જેમ કે જાન્યુઆરી ૨૦૨૬ દરમ્યાન ચોખા- નિકાસ આવક ૨૫ ટકાના ઘટાડા સાથે ૩૪ કરોડ ડોલર ઓછી રહી છે. જ્યારે મસાલા નિકાસ આવક ૧૦ ટકાના ઘટાડા સાથે ત્રીસેક કરોડ ડોલર ઉપર અટકી ગઈ હોવાના અહેવાલો છે. દાળોના આયાત ખર્ચમાં ૪૦થી ૫૦ ટકાના ઘટાડો રહ્યો હોવાના સમાચારો છે.

દરમ્યાન કૃષિમાં રવિ પાકોની નવી આવકોનો દોર શરૂ થતાં કૃષિ બજારોમાં વેપારનો ધમધમાટ સતત વધી રહ્યો છે. વિવિધ પાકોના ઉત્પાદન સંદર્ભે ખાનગી સંસ્થાઓ તથા વેપારી વર્ગના સર્વે કરાયા બાદ તેના અહેવાલો પ્રસિદ્ધ થઈ રહ્યા છે અને તેના ઉપર જે- તે ઉત્પાદનોમાં તેજી- મંદીની દિશા કેવી રહેશે તેના વિશ્લેષણોનો દોર શરૂ થયો છે. જેમ કે, તેલીબિયામાં કેટલું ઉત્પાદન અને કે તેજી મંદીની ચાલ સંદર્ભે અગ્રણી સંસ્થા સોલ્વેન્ટ એક્સ ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (સી) દ્વારા ફેબુ્રઆરી છેલ્લા સપ્તાહમાં કેસ્ટર કોન્ફરન્સના આયોજન સાથે સાથે મસાલા ચીજો માટે ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસીસ સ્ટેક હોલ્ડર્સ (ખૈંભજી) દ્વારા પણ વિવિધ મસાલા પાકોના સર્વે બાદ વિશ્લેષણ માટે ચર્ચા-ગોષ્ઠિ યોજાઈ રહી છે. જો કે આ વખતે મસાલા ચીજોના વાવેતર ઘટાડાની સાથે સાથે ઉત્પાદનના છેલ્લા તબક્કામાં મોસમ થોડી બદલાતા ઉતારામાં પણ ફરક પડવાની દહેશતને કારણે અપેક્ષિત ઉત્પાદન નહીં રહે તેવી સાર્વત્રિક ગણત્રી જોવાઈ રહી છે. જો કે, ભારત મસાલા ચીજોનો સૌથી મોટો ઉત્પાદક, વપરાશકાર અને નિકાસકાર દેશ હોવાનું જણાવી કોમોડિટીના જયવદનભાઈ ગાંધી વધુમાં જણાવે છે કે, મરચુ, જીરૂ, હળદર, ધાણાના કુલ વૈશ્વિક ઉત્પાદનનો ૭૫ ટકા હિસ્સો ભારત ધરાવે છે. વર્ષ ૨૦૩૪ સુધીમાં ભારતીય મસાલા બજારનો કારોબાર લગભગ પાંચેક લાખ કરોડથી પણ વધુની સપાટી સુધી પહોંચે તેવી અપેક્ષા છે. આજકાલ વિવિધ દેશોમાં પેસ્ટિસાઇડયુક્ત કૃષિ ઉત્પાદનો ઉપર કડક અમલવારી હોવાથી ઓર્ગેનિક એટલે કે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોની માંગ સતત વધી રહી છે. ભારત સરકાર પણ આ મામલે કડકાઈભરી અમલવારી કરી કૃષિ ઉત્પાદનોમાં ભેળસેળ કરતા તત્ત્વો સામે લાલ આંખ કરવામાં આવે તેવી વ્યાપક માંગ પણ છે.