વરસાદ ખેચાતાં મસાલા ચીજોમાં તેજીના પગલે વેપારોમાં ધમધમાટ

- કોમોડિટી કરંટ
- ચાલુ માસમાં ચાંદી 32000 રૂપિયા સસ્તી થઈ
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુધ્ધની કટોકટી સમયે પણ રિઝર્વ બેંકની છુટછાટ બાદ વિદેશી ભંડોળનો આવરો ફરીથી ભારતમાં ડાયવર્ટ થતાં શેરબજારમાં નોંધપાત્ર હલચલ રહેવાની સાથે સાથે કોમોડિટી બજારમાં ગયા અઠવાડિયે બુલિયન ચીજોમાં તુટેલા બજારો સામે એગ્રી સેક્ટરમાં ખાસ કરીને મસાલા બજારમાં તેજીનો સુસવાટાએ કૃષિ બજારોમાં ઘણા લાંબા સમય બાદ વેપારોમાં ચમક જોવા મળી રહી છે.
તાજેતરમાં RBIએ વિદેશી ભંડોળ વધારવા માટે વિદેશી ડિપોઝીટ ઉપરના વ્યાજદરની ટોચ મર્યાદા હટાવતાં દેશમાં NRI ભંડોળનો ફ્લો સતત વધી રહ્યો છે. બેંકોને પણ વ્યાજદરો નક્કી કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા મળતાં બેંકોમાં હવે હરિફાઈ થવાની શક્યતાઓ જોતાં વ્યાજના દરો ઉચા જાય તેવી સંભાવના છે. જેના લીધે-મુડી રોકાણકારોને વધુ વળતર મળે તેવી સ્થિતિ બની છે. સાથે સાથે બુલિયન કોમોડિટીઝમાં ખાસ કરીને સોનાની આયાત ઘટાવના હેતુથી સરકારે દોઢેક મહિના અગાઉ સોના-ચાંદી ઉપર લેવાતી પાંચ ટકા કસ્ટમ ડયુટી વધારીને ૧૫ ટકા કરતાં સોનાની આયાતમાં નોંધપાત્ર ૭૦ ટકાનો ઘટાડો થતાં આયાત તુટીને ૨૫ થી ૩૦ ટન રહી ગઈ છે. જે અગાઉ ૭૫ થી ૧૦૦ ટન આસપાસ રહેતી હતી. દેશમાં થતી કુલ આયાતમાં સોનાની આયાતનો ફાળો પાંચ ટકાથી વધુ છે. સૌથી વધુ ખર્ચ કાચાતેલ, ઔધોગિક કાચો માલની આયાતમાં થાય છે. જેના લીધે છેલ્લા ત્રણેક અઠવાડિયાથી સોના ચાંદીમાં બજાર સતત તુટી રહ્યું છે. જો કે મજબૂત ડોલર તથા અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વના કડકાઈ ભર્યું વલણ પણ જવાબદાર રહ્યું છે. સ્થાનિક સ્તરે સોનાના ભાવો તુટીને પ્રતિ ૧૦ ગ્રામે રૂ.૧.૪૭ લાખની આસપાસ વાયદા બજારમાં રહ્યા છે. જ્યારે ચાંદીમાં ચાલુ મહિને ૩૨ હજારથી વધુ ઘટાડો થતાં ભાવો પ્રતિ કિલોએ રૂપિયા ૨.૩૧ લાખ આસપાસ નીચા સ્તરે રહ્યા છે. ડોલરમાં તેજીના વલણથી બુલિયન માર્કેટ હજુ નીચે જવાની સંભાવના તેજ છે.
દરમિયાન ચોમાસુ લેટ થવા છતાં ગુજરાતમાં ખરીફ પાકોની વાવણીમાં ૨૫ ટકાના વધારા સાથે લગભગ સવા ચાર લાખ હેક્ટર આસપાસ રહ્યું છે. આ વર્ષે કપાસ તથા મગફળીની ખેતી ઉપર ખેડૂતોનો જોક વધુ રહ્યું છે. સાથે એરંડા જેવી તેલબીયા ચીજો તથા દાળો-ગવારના વાવેતરમાં વધારો જોવા મળી રહ્યો છે. ચોમાસાથી શરૂઆત બાદ વાવેતર વધુ વેગ પકડશે તેવી આશા છે. ગત સપ્તાહમાં મસાલા ચીજોમાં પકડાયેલી તેજી સંદર્ભે કોમિડિટીના જાણકાર જયવદનભાઈ ગાંધી વધુમાં જણાવે છે કે મિડલ ઇસ્ટ દેશોમાં સમાધાનકારી વલણને લીધે સ્થિતિ પૂર્વવત થવાની અપેક્ષાએ મસાલા ચીજોની વિદેશી માંગ ખુલવાની આશા તેમજ તાજેતરમાં લેટ ચોમાસાના કારણે બદલાયેલા વાતાવરણને લીધે મસાલા ચીજોના વાયદા તથા હાજર બજારોમાં તેજીના ધમધમાટથી નફારૂપી વેચવાલી તથા સ્ટોફિસ્ટોની લેવાલીને કારણે બજારમાં કરંટ જોવા મળેલ છે. ખેડૂતો પણ આગામી ખરીફ વાવેતરમાં નાણાંની જરૂરિયાતને લીધે પોતાનો સ્ટોક બજારમાં ઠાલવી રોકડી કરી રહ્યા છે. હાલની પરિસ્થિતિને જોતાં આગામી ઉત્પાદન ઓછું રહેવાની ગણત્રીને લીધે જીરૂ, ધાણા, મરચાં તેમજ ઇસબગુલ બજારમાં ભાવો ઉછળ્યા છે. ઉઝા બજારમાં જીરામાં ગત સપ્તાહમાં હાજરમાં પ્રતિ મણે ૨૫૦ થી ૩૦૦ રૂપિયાનો ઉછાળો થતાં ભાવો ચાર હજારની સપાટી સુધી ઉચકાયા હતા. ચીનના પાકની ઉપર જીરા બજારની નજર હાલમાં છે. જીરાની સાથે સાથે ધાણામાં પણ ગયા અઠવાડિયે હાજરમાં ૭૦૦ થી ૮૦૦ રૂપિયાના ઉછાળા સાથે સરેરાશ બજાર ૧૨૦૦૦ થી ૨૦૦૦૦ સુધીની રેન્જમાં ઉચા સ્તરે છે. ઘાણાનું ઉત્પાદન છેલ્લા ત્રણેક વર્ષ સતત તુટી રહ્યું છે. હાલમાં ડિમાન્ડ કરતાં સપ્લાય ઓછો થતાં ભાવોમાં તેજી પકડાઈ છે. નફારૂપ વેચવાલી તેજીને સપોર્ટ કરી રહી હોવાની ચર્ચા છે. મરચાંના બજારમાં ઘટતો જતો સ્ટોક અને અલનિનોના ભયથી બજારમાં તેજીના સંકેતો છે. જો ચીનની ખરીદી શરૂ થાય તો મરચાના ભાવો ફરી ઉચકાઈ શકે તેમ છે.








