Magazines

GM મકાઈ ખરીદવા અમેરિકાનું ભારત ઉપર એડી ચોટીનું જોર

By GS TEAM
20 Oct 20253 mins read
GM મકાઈ ખરીદવા અમેરિકાનું ભારત ઉપર એડી ચોટીનું જોર

- કોમોડિટી કરંટ - વૈશ્વિક 

મરી-મસાલાનું ટર્નઓવર 28 અબજ ડૉલરની સપાટીએ

તાજેતરમાં સરકારે કઠોળમાં સ્વનિર્ભર થવાના શરૂ કરેલા અભિયાન સંદર્ભે સફળતા મેળવવા અને કઠોળની ખેતી વધે તે માટે ટેકાના ભાવે તમામ ઉત્પાદનની ખરીદી ઉપર ભાર મુકવામાં આવે તેવા પ્રયત્નો થાય તે જરૂરી બન્યું છે. હાલમાં કઠોળ તથા તેલીબીયાં પેદાશો મોટાભાગે ટેકાના ભાવો કરતાં નીચી ચાલતી હોવાથી પોષણક્ષમ ભાવો પણ નહિ મળતાં ખેડૂતોમાં નિરાશા છવાઈ હોવાનો માહોલ છે. મગફળીથી માંડીને કપાસ સુધી તેમજ વિવિધ દાળોના ભાવો જોતાં ખેડૂતવર્ગમાં વ્યાપક નારાજગી હોવાનું કોમોડિટીના જયવદનભાઈ ગાંધીએ વધુમાં જણાવેલ છે કે વૈશ્વિક સ્તરે પણ આજકાલ અમેરિકા જિનેટીકલ મોડીફાઈડ (GM) મકાઈ ખરીદવા ભારત ઉપર અસામાન્ય પ્રેશર કરી રહ્યું છે. ભારતમાં વર્ષે દહાડે ૩૫૦ થી ૩૬૦ લાખ ટન મકાઈનું ઉત્પાદન થઈ રહ્યું છે. અને વિદેશોમાં પણ ભારતીય મકઈ નિકાસ થઈ રહી છે. ત્યારે મકાઈની આયાત સ્થાનિક ખેડૂતોને જોખમી સાબિત થાય તેમ છે. જો કે આજકાલ ઇથેનોલ ઉદ્યોગમાં સ્થાનિક મકાઈની વધતી જતી માંગને કારણે નિકાસ લગભગ બંધ જેવી સ્થિતિમાં છે. GM મકાઈ ભારત માટે લાંબે ગાળે ખૂબ નુકશાનકારક હોવાથી હાલમાં ભારતે તેની આયાત માટે સખ્ત પ્રતિબંધ ફરમાવેલ છે. મકાઈ બજાર પણ ઉચી હોવાથી ખેડૂતોને મકાઈના સારા મળતાં સરેરાશ સંતોષનો માહોલ છે. ત્યારે મકાઈની આયાત કરીને કઠોળ જેવી સ્થિતિ થઈ શકે તેવી દહેશત પ્રવર્તી રહી છે.

બીજી તરફ એગ્રી કોમોડિટીમાં આ વર્ષે દિવાળીએ મોટે ભાગે મંદીનો માહોલ રહ્યો છે. ભારતીય મસાલા ઉદ્યોગની ગતિવિધિ સંદર્ભે તાજેતરમાં સ્પાઈસીસ બોર્ડ દ્વારા યોજાયેલ એક કાર્યક્રમમાં થયેલી ચર્ચાઓ મુજબ વર્ષ ૨૦૨૪ માં વૈશ્વિક મસાલા ઉદ્યોગનું ટર્ન ઓવર આગામી વર્ષ ૨૦૩૩ સુધીમાં ૪૧ અબજ ડૉલર સુધી ઉંચી સપાટીએ જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જે હાલમાં ૨૮ અબજ ડૉલરની સપાટીએ છે.

આ વર્ષે દિવાળીએ સૌથી વધુ સેન્સેટીવ અને વૈશ્વિક બુલિયન કોમોડિટીમાં લાલચોળ તેજી છવાઈ છે. જ્યારે એગ્રી કોમોડિટીમાં સરેરાશ મંદીનો માહોલ છવાયો છે. આ વર્ષે દિવાળીએ લગભગ પચાસ હજાર કરોડથી વધારે સોના-ચાંદીનો વેપાર થવાની અપેક્ષા છે. ઉંચા ભાવો છતાં ધનતેરસે સોના-ચાંદીના સિક્કાના વેચાણમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળેલ છે. જો કે દાગીનાની માંગ નબળી છે. લગ્નસરાની સીઝન માટે પણ ગ્રાહકો હલકા આભૂષણોને પ્રાથમિકતા આપી રહ્યા છે. ગત વર્ષે દિવાળીએ સોનાનો ૧૦ ગ્રામનો ભાવ રૂપિયા એંશી હજાર આસપાસ હતો ને આ વર્ષે દિવાળીએ ૬૦ ટકાના ઉછાળા સાથે બજાર રૂા. ૧.૩૦ લાખ રૂપિયા અને ચાંદીના ભાવો પણ વર્ષ ૨૦૨૪ માં ૯૮૦૦ થી ઉછળીને પ્રતિ કિલોએ રૂપિયા ૧.૮૦ લાખ રૂપિયાની ઓલ ટાઈમ હાઈ સપાટીએ રેકોર્ડ બ્રેક સ્તરે રહ્યા છે. દેશભરમાં નાના-મોટા મળીને લગભગ પાંચેક લાખ જેટલા જ્વેલર્સનો ધંધો દિવાળીએ સોનામાં ૨૫ ટન અને ચાંદીમાં એકાદ હજાર ટન જેટલું સરેરાશ વેચાણ થાય તો પમ સોના-ચાંદીનો કુલ સસેરાશ વેપાર પચાસ હજાર કરોડથી ઉપરાંત રહે તેવું અનુમાન ચર્ચાસ્પદ છે. દિવાળીએ સોના-ચાંદીની ખરીદી હિન્દુ ધર્મમાં અતિ શુભ ગણાતી હોવાથી દિવાળીએ સોના-ચાંદીનો વેપાર ટોચ ઉપર જોવા મળે છે.

 જ્વેલર્સ વર્તુળો દ્વારા પણ નાની-મોટી સ્કીમો મારફતે ગ્રાહકોને આકર્ષિત કરવા એડીચોટીનું જોર લગાવે છે. વર્ષોથી ભારતીયોને સોના-ચાંદીના દાગીના ઉપર વિશેષ આકર્ષણ રહ્યું છે. સોનું-ચાંદીએ સંકટ સમયની સાંકળ માનવામાં આવે છે. ભારતીય પરિવારો પાસે ખાસ કરીને દક્ષિણ ભારતમાં સોના-ચાંદીનું વિશેષ મહત્વ છે. અને સરેરાશ ૨૫ હજાર ટન ઉપરાંત ભારતીયો પાસે હોવાનો અંદાજ ચર્ચાસ્પદ છે.

આજકાલ વિશ્વમાં વધતા જતા રાજકીય યુદ્ધના તણાવગ્રસ્ત માહોલ તથા વિશ્વની સેન્ટ્રલ બેન્કોમાં વ્યાજદરોના કારણે સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે સોના-ચાંદી તરફનો લગાવ સતત વધતાં ભાવોમાં પણ નોંધપાત્ર ઉછાળો સતત રહ્યો છે.