ખાંડના ઉત્પાદનમાં મોટા ગાબડાની આશંકાથીફરીથી નિકાસ પર પ્રતિબંધ

- કોમોડિટી કરંટ
- ગરમી પ્રકોપથી કૃષિ બજારોમાં આવકો તૂટતાં વેપારમાં સુસ્તી
ગયા અઠવાડિયે કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ ઉપર ૩૦ સપ્ટેમ્બર સુધી અચાનક પ્રતિબંધ લાદતાં સમગ્ર ખાંડ ઉદ્યોગ સ્તબ્ધ થઈ હેરાન થઈ ગયો છે. હમણાં બે માસ અગાઉ ફેબુ્રઆરીમાં ખાંડની નિકાસ ક્વોટા ૧૫ લાખ ટન હતો જેમાં વધુ પાંચ લાખ ટનની નિકાસ છૂટ આપેલ છે. સરકાર ઓચિંતાના ઉપરોક્ત નિર્ણયને કારણે ખાંડ મિલ કંપનીઓના શેરોમાં છ થી સાત ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જોકે સરકારના નિકાસ પ્રતિબંધ પાછળ કેટલાય પરિબળો બજારોમાં ચર્ચાસ્પદ રહ્યા છે. ખાંડમાં ઓછો કેરી ફોરવર્ડ સ્ટોક સામે નવા ઉત્પાદનમાં પણ લગભગ ૨૫ થી ૩૦ લાખ ટન જેટલું ગાબડું હોવાની શક્યતાઓને કારણે દેશમાં ખાંડની સતત વધતી મોંઘવારીને કંટ્રોલ કરવા માટે ખાંડ પ્રતિબંધનો નિર્ણય સરકારે લીધો હોય તેવા અનેક તર્ક-વિતર્ક ચર્ચાસ્પદ રહ્યા છે. નિકાસ ઉપર બ્રેક મારવા છતાં ખાંડની ઉછળતી મોંઘવારી કંટ્રોલ થઈ શકશે કે કેમ ? તે પણ હાલમાં અનિશ્ચિત હોવાનું બજારમાં ચર્ચાઈ રહ્યું છે. કેટલાય ખાંડ મિલરો વેપારીઓએ આ બાબતે નિકાસ પ્રતિબંધનું પગલું ઉતાવળું હોવાનું જણાવ્યું છે. અચાનક પ્રતિબંધથી ખાંડ વેપાર જગતને પરેશાની પાર રહ્યો નથી. ખાંડનો ઉપયોગ ઇથોનોલની બનાવટમાં હવે સતત વધતો હોવાથી ખાંડનો જથ્થો દેશમાં ઉપલબ્ધ હોવો જરૂરી પણ બન્યો છે. અનેક દેશોમાં ખાંડથી ઇથેનોલનું ઉત્પાદન થઈ રહ્યું છે. જેના લીધે આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ ખાંડની અછત વર્તાઈ રહી છે. ભારતમાં પણ એ ખાંડમાંથી ઇથેનોલ બનાવટ સતત વધારો થઈ રહેતાં દેશમાં માલોની અછત વર્તાય નહિ તે માટે સરકારે અગમચેતીના ભાગરૂપે નિર્ણય લીધો હોવાની પણ ચર્ચા વ્યાપક બની છે. દરમ્યાન મધ્યપૂર્વમાં યુદ્ધની પરિસ્થિતિ પણ હવે ગંભીર બની રહી હોવાથી મસાલાતથા અનાજની નિકાસ પણ લગભગ ઠપ્પ છે. આ સંદર્ભે કોમોડિટીના જયવદનભાઈ ગાંધી વધુ જણાવે છે કે રાજ્યના કૃષિ બજારોમાં કૃષિ પેદાશોની આવકોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ઊંઝા બજારમાં જીરાના જુના માલોની લેવાલી નહિવત્ હોવા સામે નાણાંકીય ભીડનો પ્રશ્ન પણ શિરદર્દ બન્યો હોવાથી વેપારોમાં ખાસ ધમક જણાતી નથી. જીરા વાયદા પણ સતત ઘસારા તરફી હોવાથી જીરામાં તેજી થવાની શક્યતાઓ વેપારી નકારી રહ્યા છે. જીરાના હાજર બજારમાં પણ ભાવો ૩૬૦૦ થી ૪૧૦૦ રૂપિયા પ્રતિ મણે રેન્જ બાઉન્ડ સ્થિતિમાં પ્રવર્તી રહ્યા છે. જીરામાં ઉત્તમ ક્વોલિટીના માલોની ભારે ખેંચ જોવા મળી રહી છે. વરીયાળીમાં પાકના ઓછા ઉત્પાદનથી બજાર ટાઈટ છે. જોકે મંદીની શક્યતા ઓછી છે પરંતુ ખેડૂતો માલની રોકડી કરવા માટે માલો બજારોમાં ઠાલવી રહ્યા છે. વરીયાળી નિકાસમાં પણ બજાર તેજી તરફી રહી છે. ઇસબગુલમાં ઘરાકીને અભાવે બજાર ટકેલી રહી છે.
બીજી તરફ ધાણામાં સપ્તાહ દરમ્યાન નોંધપાત્ર ચઢાવ ઉતાર રહ્યા હતા. ધાણા વાયદામાં અઠવાડિયાની શરૂઆતમાં સેલીંગ પ્રેશરને લીધે મે માસના ડિલેવરીવાળા કોન્ટ્રાક્ટમાં ભાવો તૂટતાં બજાર પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૧૨૪૦૦ સુધી ગગડયું હતું. પરંતુ સપ્તાહના અંતે ઉછળીને મે વાયદો ૧૨૮૦૦ ની સપાટી કુદાવી ગયો હતો. જો કે ધાણા બજારમાં સરેરાશ નબળી માંગ અને નિકાસ વધુ કારણભૂત રહ્યા છે. થોડી તેજી થાય ત્યારે નફારૂપી વેચવાલી આવતાં ફરી બજારમાં પ્રેશર રહે છે. ધાણામાં ખેડૂત વર્ગ સમયાંતરે માલો બજારમાં લાવી રોકડી કરી રહ્યો છે. હળદરમાં પણ વાયદા બજાર નરમ રહેવા પાછળ નફારૂપી વેચવાલીનું પ્રેશર કારણભૂત રહ્યાની ચર્ચા છે. જરૂરિયાતમંદ ખેડૂત વર્ગ બજાર ઘટે તે પહેલા માલો વેચીને બહાર આવી રહ્યા છે. આગામી સમયમાં હળદરની નિકાસ કેવી માંગ તથા દક્ષિણ ભારતમાં કેવું ચોમાસુ રહેશે તેની ઉપર બજારની દિશા રહે તેમ છે.








