Magazines

વિદેશી વેપારોમાં પેમેન્ટ અટવાતાં નાણાંભીડની ઉદ્ભવેલી ગંભીર સમસ્યા

By GS TEAM
14 Jun 20263 mins read
વિદેશી વેપારોમાં પેમેન્ટ અટવાતાં નાણાંભીડની ઉદ્ભવેલી ગંભીર સમસ્યા

- કોમોડિટી કરંટ

- યુદ્ધને લીધે કન્ટેનર શિપિંગ ખર્ચ તેમજ જોખમમાં પણ બમણો વધારો

ઉત્તર ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વખતે ચોમાસાની સીઝનમાં થોડો વિલંબ તથા અવરોધ હોવાને કારણે આ વર્ષે ચોમાસુ સામાન્ય કરતાં ઓછુ રહે તેમ છે. જો કે જુન અંત સુધીમાં ગુજરાતમાં મેઘરાજા સક્રિય થાય તેવી આગાહી છે. ખાસ કરીને જુન-૧૬ બાદ મૃગશીર્ષ નક્ષત્ર હોવાથી વરસાદની ભરપુર શક્યતાઓ છે. વરસાદની અપેક્ષાઓ સામે અમેરિકા-ઇરાન યુધ્ધને વેપાર ધંધાઓ ઉપર વિપરિત અસરો વર્તાઈ રહી છે. આયાત-નિકાસના કામકાજ લગભગ ઠપ્પ થઈ ગયા હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. પશ્ચિમ એશિયામાં યુધ્ધનો માહોલ સતત ગરમ રહેવાને કારણે વૈશ્વિક ઉર્જા સંક્ટની સાથે સાથે કન્ટેનર શિપિંગ ખર્ચ પણ લગભગ બમણો થઈ ગયો છે. હોર્મુઝ સ્ટ્રેટ રસ્તો બંધ હોવાને લીધે જહાજોની લાઈનો લાગી છે. શિપીંગ કંપનીઓ પણ હવે જોખમ લેવાથી દૂર થઈ રહી છે. જાણકારોના અનુસાર એશિયાથી અમેરિકા જતા જહાજોના ભાડામાં સતત વધારો થવા પાછળ ઇંધણ ખર્ચનો વધારો છે. યુધ્ધ હજુ વધુ ચાલે તો ખાસ કરીને કૃષિ ઉત્પાદનો તેમજ ખાધ ચીજોમાં તેજીનો માહોલ વધુ લાલચોળ બને તેમ છે.

 રાજ્યમાં નિકાસ આધારિત ધંધાઓ ઉપર કાર્યશીલ મુડીનું સંક્ટ વધી રહ્યું છે. ડોલરની અછત તથા વિદેશી ચુકવણીઓમાં વિલંબની સાથે સાથે નિકાસ કરેલ માલોના પેમેન્ટ પણ અટવાઈ જતાં સ્થાનિક સ્તરે નાણાંભીડનો ઇસ્યૂ દિનપ્રતિદિન ગંભીર બની રહ્યો છે. સામે નિકાસના માર્જીન ઉપર પણ અસર વર્તાઈ રહી છે. જુના સોદાઓનું પેમેન્ટ સમયસર નહી થવાની સામે નવા ઓર્ડરોની ડિલેવરી માટે જરૂરી મુડીની તંત્રની સમસ્યા સર્જાઇ છે. આ સંદર્ભે વેપારી સંગઠનો સરકાર સમક્ષ વિશેષ સહાય પેકેજ, સરળ ક્રેડિટ સુવિધા તેમજ ઓછા વ્યાજની વર્કિંગ મુડી માટે લોન સાથે સાથે નિકાસકારોના અટવાયેલા પેમેન્ટ બાબતે પણ ઠોસ પગલાં લઈને મદદ કરવાની વ્યાપક માંગ ઉઠી છે.

દરમ્યાન આગામી ચોમાસાની સીઝનમાં તહેવારોની ભરમારને કારણે ખાસ કરીને ખાધતેલોના વપરાશમાં થનાર વધારા બાબતે વધુ માહિતી આપતાં કોમોડિટીના જાણકાર જયવદનભાઈ ગાંધીએ વધુ જણાવે છે કે આજકાલ ખાધતેલોની આયાતમાં લગભગ તેર ટકાનો તોતિગ ઉછાળો નોંધાયો છે. નવેમ્બરથી મે માસ સુધીમાં ૯૦ થી ૯૨ લાખ ટનથી વધુ ખાધતેલની આયાત દેશમાં થઈ છે. 

જે ગત વર્ષે લગભગ ૮૦ થી ૮૧ લાખ ટન આસપાસ હતી. ઇન્ડોનેશિયા તથા મલેશિયા જેવા દેશોમાંથી પામતેલની અને આર્જેન્ટિના તથા રશિયા જેવા દેશોમાંથી તેલોની સોયાબીન તથા સનફલાવર આયાત થાય છે. જો કે પામતેલ કરતાં સોયાબીન તેલની બજાર નીચી હોવાથી સોયાબીન તેલની આયાત વધુ થઈ રહી છે. રશિયાથી સનફલાવર તેલની આયાતા નોંધપાત્ર થઈ છે. આ ઉપરાંત સાફટા કરાર હેઠળ ડયુટી મુક્ત નિયમનો ફાયદો ઉઠાવી નેપાળમાંથી પણ છેલ્લા સાતેક માસમાં અઢીથી ત્રણેક લાખ ટન આસપાસ રિફાઇન્ડ તેલની દેશમાં આયાત થઈ છે. ડોલર વધુ તેજ રહેવાને કારણે આયાત ખર્ચનો બોજો પણ ભારે પડી રહ્યો છે.

તેલબીયામાં રાજયમાં ઉનાળુ મગફળીની આવકો પણ સતત વધુ રહી છે. ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન સવાથી દોઢું હોવાને લીધે હાલમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના પીઠાઓમાં મગફળીની આવકોનો સ્ત્રોત વધતાં તેલ મીલરો તથા દાણાવાળાઓ સક્રિય થયા છે. આ વર્ષે રાજયમાં મગફળીની ઉત્પાદન સવા લાખ ટનની આસપાસ રહે તેવો અંદાજ છે. સીઝન દરમ્યાન વાતાવરણ પણ સાનુકૂળ હોવાથી મગફળીની ગુણવતા પણ સારી રહી છે. ઉનાળુ મગફળીની બજાર પ્રતિ મણે સરેરાશ રૂપિયા ૧૨૦૦ થી ૧૯૦૦ની રેન્જમાં ગુણવત્તા પ્રમાણે ચાલી રહ્યા છે. જો કે જુનો માલ બોજો પણ મોટો હોવાની ચર્ચા વર્તુળોમાં છે.