Magazines

ચાર વર્ષ બાદ ઘઉંની નિકાસના શ્રીગણેશ : 22 હજાર ટન ઘઉંની ખેપ ખાડી દેશોમાં રવાના

By GS TEAM
10 May 20263 mins read
ચાર વર્ષ બાદ ઘઉંની નિકાસના શ્રીગણેશ : 22 હજાર ટન ઘઉંની ખેપ ખાડી દેશોમાં રવાના

- કોમોડિટી કરંટ

- વિદેશી બજારોમાં ઘઉંના 150 ડોલરના ઉછાળાથી ભારે તેજીનો માહોલ

ભારતીય નિકાસકારોએ ચાર વર્ષના લાંબા સમયગાળા બાદ હાલમાં ઘઉંની નિકાસના શિપમેન્ટના શ્રી ગણેશ કર્યા છે. કંડલા પોર્ટ ઉપરથી લગભગ બાવીસ હજાર ટન ઘઉંની લોડીંગ ગયા અઠવાડિયે થઈ હોવાના અહેવાલો છે. આ વર્ષે ઘઉંનું વાવેતર, ઉત્પાદન, વૈશ્વિક બજારોમાં તેજીના કારણે એશિયા અને મધ્ય પૂર્વના દેશો માટે ભારતીય બજાર હરીફાઈમાં આગળ ોછે. રેકોર્ડ ઉત્પાદનની અપેક્ષા વચ્ચે આ વર્ષે સરકારે ઘઉંની નિકાસને લીલી ઝંડી આપતા ઘઉંના વેપારમાં ધમધમાટ વધ્યો છે. ઘઉંનો સરકારી સ્ટોક પણ ખૂબ હોવાથી વધુ ઉત્પાદન સામે સ્થાનિક સ્તરે ભાવો નિયંત્રિત છે પરંતુ યુદ્ધની સ્થિતિને પરિણામે વૈશ્વિક બજારમાં ઘઉંની બજારમાં તેજી છવાઈ છે. શિપમેન્ટ ચાર્જ તેમજ અન્ય ખર્ચાઓમાં પણ નોંધપાત્ર વધારો છતાં ભારતીય ઘઉંનું બજાર અન્ય દેશોની સાપેક્ષે ઘણું સારું અને સસ્તુ જણાઈ રહ્યું છે. દક્ષિણ એશિયામાં બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન, મ્યાનમાર તથા અફઘાનિસ્તાન જેવા દેશોમાંથી ભારતીય ઘઉંની ડિમાન્ડ વધુ રહે તેવી ગણત્રી છે. આ જ પ્રમાણે દક્ષિણ- પૂર્વ એશિયામાં વિયેટનામ, દક્ષિણ કોરિયા, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપુર જેવા દેશોમાંથી પણ ભારતીય ઘઉંની માટે નોંધપાત્ર ડિમાન્ડ આવી રહી છે. ભારતીય ઘઉંની બજાર સામે વિશ્વના અન્ય દેશો રશિયા, કેનેડા, અમેરિકા, યુક્રેન, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના જેવા દેશો પણ ઘઉંની નિકાસ માટે સક્રિય હોવાથી ભારે હરિફાઈનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે. નિકાસમાં હાલમાં હોર્મુઝ કોકડું ઉકેલાયું નહિ હોવાથી પૂછપરછ છતાં અપેક્ષિત વેપારો થવામાં વિલંબ થઈ રહ્યો છે.

ભારતમાં વર્ષ ૨૦૨૫- ૨૬ દરમિયાન ઘઉંનું રેકોર્ડ ઉત્પાદન થયું છે. કેટલીક એજન્સીઓઅના મતે ઘઉંનું કુલ ઉત્પાદન ૧૨૦૦ લાખ ટન આસપાસ અને અન્ય સૂત્રોના મતે ૧૨૭૫ લાખ ટન આસપાસ રહે તેવી સંભાવના પ્રવર્તી રહી છે. ભારતીય બજારોમાં ઘઉંના ભાવો પ્રતિ ક્વિન્ટલે રૂપિયા ૨૫૮૫ આસપાસ છે. સીઝનની શરૂઆતમાં બજાર તૂટતા ખેડૂતોએ ૨૧૦૦થી ૨૩૦૦ની આસપાસના ભાવે માલો વેચાણ કર્યું હતું. ઉંચો બફર સ્ટોક અને ઘટતી બજારને કારણે સરકારે ૫૦ લાખ ટન ઘઉંની નિકા માટે અનેક રજૂઆતો બાદ લીલી ઝંડી આપી છે

છેલ્લા કેટલાક સમયથી ઘઉંના મુખ્ય અમેરિકા જેવા બજારોમાં ઘઉંની કિંમતો તેજી છવાતા ભાવો ૫૦૦ ડોલરથી ઉછળીને ૬૫૦ ડોલર સુધી ઉંચા જતા વૈશ્વિક બજારોમાં પણ ઘઉંનો કરંટ પકડાયો છે. આ વર્ષે અમેરિકામાં દુકાળ પડવાને કારણે ઘઉંનું વાવેતર ઓછું રહેવા સામે ઉત્પાદનમાં પણ ઘટાડો રહેતાં અમેરિકાના સ્થાનિક બજારોમાં ઘઉંનો સપ્લાય ટાઇટ થતાં વર્ષ ૧૯૯૧ બાદ પ્રથમવાર અમેરિકામાં ઘઉંની અછત જોવા મળી રહી છે. આ સંદર્ભે કોમોડિટીના જયવદનભાઈ ગાંધી વધુમાં જણાવે છે કે, હાલમાં દેશમાં ઘઉંની બજારો નીચા મથાળે મજબૂત થઈ રહી છે. લગ્નસરાની સીઝનને કારણે બજારોમાં ઘઉંનો સપ્લાય ઓછો થતા સામે ઉત્તર ભારતના રાજ્યોમાં ઉંચા ટેકાના ભાવે સરકારી ખરીદી પણ વધતા ખેડૂત વર્ગનો ધસારો વેચાણ માટે વધી રહ્યો છે. આ વર્ષે ઘઉંમાં કલર નબળો હોવાથી આગામી સમયમાં ઉંચો ભાવ મળશે નહીં તેવી ગણત્રીથી ખેડૂતો ઘઉંના વેચાણ માટે ઝડપથી આગળ વધી રહ્યા છે. વર્ષ ૨૦૨૫- ૨૬ દરમિયાન ઘઉંના ટેકાના ભાવો પણ ક્વિન્ટલે ૨૫૮૫ રૂપિયા કર્યા છે. જ્યારે હાલમાં ખુલ્લા બજારોમાં ઘઉંના જથ્થાબંધ ભાવો સરેરાશ ૨૫૩૦ રૂપિયાની આસપાસ છે એટલે ખુલ્લા બજાર કરતા ટેકાના ભાવો વધુ હોવાથી ખેડૂત વર્ગની ઘઉંની વેચવાલીનું પ્રેશર સરકારી ખરીદી તરફ વધુ ફંટાઈ રહ્યું છે. સરકાર માટે હાલમાં ઘઉંનો ત્રણ ગણો વધુ લગભગ ૨૧૭ લાખ ટનની આસપાસ સ્ટોક છે. તેમ છતાં સરકારે ખરીદી ૨૭ મે સુધી ચાલુ રાખી ખેડૂતોને ેઘઉંના વધુ ભાવો મળે તેવા લક્ષ્ય સાથે સરકાર આગળ વધી રહી છે. જો કે, સરકારી ઘઉંની ખરીદી સામે માલ ભરવા માટે સરકારી ગોડાઉનોનો પ્રશ્ન પણ હાલમાં સરકાર માટે શિરદર્દ બની રહ્યો છે.