Magazines

ગલ્ફ દેશોમાં યુધ્ધથી નિકાસ કામકાજ અટવાતા કરોડોનો ફટકો

By GS TEAM
8 Mar 20263 mins read
ગલ્ફ દેશોમાં યુધ્ધથી નિકાસ કામકાજ અટવાતા કરોડોનો ફટકો

- કોમોડિટી કરંટ

- કન્ટેનરોના ભાડામાં ચારથી પાંચ ટકાના વધારાથી નિકાસકારો મુંઝવણમાં

પશ્ચિમ એશિયાનું યુધ્ધ સંકટ દિન પ્રતિદિન ગંભીર સ્વરૂપ પકડી રહ્યુ છે. ઇરાનના ઇઝરાયલ તથા અમેરિકા સાથેનું યુધ્ધથી ભારત ઉપર પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે પણ નેગેટીવ અસરો પડી છે. ગલ્ફ દેશો વચ્ચે ચાલી રહેલા યુધ્ધને કારણે પેટ્રોલિયમ ઉત્પાદનોનો કારોબાર પ્રભાવિત થવાની સાથે સાથે ઇરાનના હોર્મુઝ સ્ટેટ રસ્તો બંધ રહેવાથી કાચા તેલની કિંમતો પ્રતિ બેરલે ૧૫૦ ડોલર ઉપર જઈ શકે છે. સાથે સાથે ન્શય્, ઁશય્, ભશય્ જેવા નેચરલ ગેસમાં પણ તેજી રોકેટ ગતિએ આગળ વધી શકે તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. એક તરફ પેટ્રોલિયમની આયાત મોંઘી થવાની સાથે પશ્ચિમી ખાડી ગલ્ફ દેશોમાં ભારતીય ચોખા, ચા, કોફી, દવાઓ, મસાલા, તેલીબીયાં જેવા ઉત્પાદનોની નિકાસ ઉપર ગંભીર અસરો પડવાની શક્યતાઓને લીધે ચિંતાનો માહોલ ઉભો થયો છે. હાલમાં ચાલી રહેલા રમઝાનના પવિત્ર મહિના દરમ્યાન ભરપૂર વેપાર થતા હોય તેવા સમયે યુધ્ધના કારણે નિકાસમાં અવરોધની દહેશતથી સ્થાનિક બજારો ઉપર અસર વર્તાઈ રહી છે.

નિકાસકારોના કારોબાર ઉપર આકસ્મિક આર્થિક બોઝો આવી રહ્યો છે.વસ્તુઓના પરિવહન માટે કંટેનરના ભાડામાં પણ ચાર થી પાંચ ટકાના વધારા સાથે ત્રણ થી ચાર ડોલર સુધીનો વધારો થયો છે. ઘણી ખરી શીપમેન્ટ કંપનીઓએ પશ્ચિમી એશિયાઈ દેશો માટે કામકાજ પણ બંધ કરી દેતાં નિકાસકારોની મુશ્કેલીઓનો પાર નથી. ટ્રમ્પ ટેરિફમાંથી માંડ બહાર આવ્યા ત્યારે યુધ્ધની સ્થિતિને કારણે ખાડી દેશોમાંથી માંગ પણ ઓછી થવાની સાથે સાથે પેમેન્ટ પણ અટવાતાં સ્થાનિક સ્તરે માલ તથા આર્થિક બોઝો વધી જતાં  વેપારીવર્ગમાં ચિંતાનો માહોલ છવાયો છે.

ભારતીય મસાલા ચીજોનો મુખ્ય ખરીદનાર ગલ્ફ ખાડી દેશો યુધ્ધમાં લપેટાતાં હાલમાં નિકાસ લગભગ અટકી ગઈ છે. મસાલાના મુખ્ય બજાર ઉંઝા માર્કેટ યાર્ડના કારોબાર બાબતે કોમોડિટીના જયવદનભાઈ ગાંધી જણાવે છે કે જીરાની નિકાસ અટકી જતાં સ્થાનિક બજારોમાં માલોના ભરાવાના કારણે હાજર તથા વાયદા બજારમાં કડાકો થયો છે. હાજર બજારમાં છેલ્લા અઠવાડિયા દરમ્યાન પ્રતિ મણે ૪૦૦ થી ૫૦૦ રૂપિયા બજાર તુટીને સરેરાશ ૪૦૦૦ ના ભાવો અને વાયદામાં પ્રતિ કિલોએ ૨૧૮ થી ૨૨૦ રૂપિયાના રેન્જ બાઉન્ડ ભાવોથી બજાર મંદી તરફ હાલમાં સરકી રહ્યું છે. જીરાની સાથે સાથે વરીયાળી તથા ઇસબગોલમાં પણ ૨૦૦ થી ૩૦૦ રૂપિયા બજાર તુટતાં વેપાર તથા ખેડૂત વર્ગમાં નારાજગી પ્રવર્તી રહી છે. વિદેશમાં માલો મોકલવા ભાડાની સાથે સાથે વીમા તથા અન્ય ખર્ચાઓમાં પણ નોંધપાત્ર વધારો થતાં માલોની પડતર ઉંચી જઈ રહી હોવાથી વેપારો ઘટી રહ્યા છે. સાથે સાથે વિદેશી વેપારનું પેમેન્ટ પણ અટવાઇ જવાથી નિકાસકારોમાં આર્થિક અછતનો નાણાંભીડ પણ સ્થિતિ ઉભી થવાનો ડર પ્રવર્તી રહ્યો છે. જો કે ઇસબગુલ તથા તેલીબીયાંનો મોટાભાગનો વેપાર યુરોપ તથા અમેરિકા જેવા દેશોમાં વધુ થતો હોવાથી હાલમાં મોટી નેગેટીવ અસરો નથી પરંતુ યુધ્ધ લાંબુ ચાલે તો તેમાં પણ વેપાર જોખમાય તેવી ધારણાઓ તેજ છે. ભારતીય મરચુ, જીરૂ, ધાણા, હળદર, આદુ, ઇલાયચી જેવી મસાલા ચીજોની સૌથી વધુ નિકાસ યુએઈ, સાઉદી અરબ, ઇરાન, કતાર, દુબઈ, અબુધાબી જેવા ખાડી ગલ્ફ દેશોમાં સવિશેષ થતી હોવાથી હાલમાં નિકાસ ઉપર ગંભીર અસરો હોવાથી વેપારો ઘટી રહ્યા છે.

હાલમાં મરચુ, ધાણા, હળદર જેવી મસાલા ચીજોમાં પણ બજાર તેજી તરફી છે. ધાણામાં ઓછા ઉત્પાદન પગલે ભાવો વાયદામાં પ્રતિ કિવેન્ટલે રૂપિયા ૧૧૫૦૦ ની સપાટી કુદાવી છે. હળદર પણ પ્રતિ કિવન્ટલે ૧૫૦૦૦ ની સપાટી સુધી બજાર આવી છે.તેલીબીયાંમાં સૌથી વધારે ઉત્પાદન ધરાવતા એરંડામાં આ વર્ષે લગભગ  ૧૧ટકાના વધારા સાથે ૧૭.૫૦ લાખ ટન ઉત્પાદનની ગણત્રી સર્વેમાં બહાર આવી છે. ગુજરાત તથા રાજસ્થાનમાં સૌથી વધારે એરંડાનું ઉત્પાદન થયું છે.