યુદ્ધની અસરથી મસાલા નિકાસમાં નોંધાયેલો ચારથી છ ટકાનો ઘટાડો

- કોમોડિટી કરંટ
- કૃષિ બજારોમાં વેપાર સુસ્તીને લીધે નાણાંભીડનો ભારે તણાવ
અલનીનો અને કાળઝાળ ગરમીના બેવડા સંકટના કારણે ચાલુ વર્ષે ચોમાસામાં દશેક ટકાનો કાપ થવાની ભીતિને લીધે ખરીફ વાવેતરમાં દાળો, અનાજ, તેલીબીયાનાં પાકને અસર થવાની શક્યતા પ્રવર્તી રહી છે. દેશના જળાશયોમાં ૪૫થી ૪૦ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી સિંચાઈ માટે ભારે તકલીફો ઉભી કરે તેમ છે. આ ઉપરાંત વિશ્વમાં યુદ્ધની સ્થિતિને લીધે આયાત-નિકાસનું પ્રમાણ પણ ખોરવાઈ જવાથી કૃષિ બજારોમાં સુસ્તી પ્રવર્તી રહી છે. નિકાસ તથા સ્થાનિક વેપારોમાં પણ અપેક્ષિત ડિમાન્ડના અભાવે નાણાંકીય વ્યવહારોમાં અવરોધો આવતાં બજારમાં રોકાણની તંગી ભારે અસરકર્તા બની છે.
વિશ્વના ૧૦૦ ઉપરાંત દેશોમાં ભારતીય મસાલાની નિયમિત રૂપે નિકાસ થાય છે. જેમાં ચાલુ સાલે યુદ્ધ સહિત અનેક વિવિધ પરિબળોને કારણે ચારથી છ ટકાનો નિકાસમાં ઘટાડો નોંધાયો છે. મસાલા બોર્ડના અહેવાલો પ્રમાણે દેશમાંથી મરચુ તથા જીરાની નિકાસનું પ્રમાણ ઓછું રહ્યું છે. મસાલાની કુલ નિકાસ ગતવર્ષની ૧૭.૯૯ લાખ ટનથી ઘટીને ૧૭.૩૪ લાખ ટન વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન થઈ છે. મુખ્ય મસાલા ચીજ પૈકી લાલ મરચાંની નિકાસ ૭.૧૫ લાખ ટનથી ઘટીને ૬.૮૩ લાખ ટન આસપાસ રહી છે.
જીરાની નિકાસ પણ ૨.૩૦ લાખ ટનની તૂટીને ૧.૯૭ લાખ ટન આસપાસ રહી છે. હળદરની નિકાસ પણ ૧.૭૬ લાખ ટનથી ઘટીને ૧.૭૫ લાખ ટન અને કાળા મરીની નિકાસ ૨૦ હજાર ટનથી તૂટીને ૧૯૮૦૦ ટન આસપાસ રહી છે. જ્યારે ધાણાની નિકાસ ૬૦ હજાર ટન, નાની ઇલાયચીની નિકાસ ૬૭૦૦ ટનથી ઉછળીને ડબલ ૧૫ હજાર ટન આસપાસ રહી છે.
ભારતીય મસાલાના મુખ્ય ગ્રાહક રાષ્ટ્રો ચીન તથા બાંગ્લાદેશ જેવા પાડોશી રાષ્ટ્રોમાંથી આ વર્ષે જીરૂ તથા મરચાની ડિમાન્ડ સરેરાશ ઓછી રહી છે. સાથે સાથે અમેરિકા ઊંચા ટેરિફની અસર એશિયન બજારો ઉપર પડતાં શિપમેન્ટ તથા વોલ્યુમ અને વેલ્યુ ઉપર માઠી ઈફેક્ટ રહી છે. મરચાંની એક્સપોર્ટ વેલ્યુ ૧૨ ટકા અને જીરાની એક્સપોર્ટ ૨૮ ટકા ઓછું રહ્યું છે. જોકે ઈલાયચી, આદુ, આંબલી તથા કરી પાઉડરની માંગ તથા નિકાસ પ્રમાણમાં સારી નોંધાઈ છે. આ સંદર્ભે કોમોડિટીના જયવદનભાઈ ગાંધી વધુમાં જણાવે છે કે અમેરિકાના ઊંચા ટેરિફ દરથી એશિયાઈ દેશોથી ડીમાન્ડ તૂટી છે. સાથે સાથે ચીનમાં લાલ મરચુ તથા જીરાનું અપેક્ષા અને વપરાશ કરતાં વધુ ઉત્પાદન થતાં ભારત માટે ચિંતાનો માહોલ છે.
દરમિયાન ગત અઠવાડિયે સરકારે કપાસની આયાતને ડયુટી ફ્રી કરી દેતાં સ્થાનિક ટેક્ષટાઈલ ઉદ્યોગને વેગ મળે તેમ છે. પરંતુ કપાસના ખરીફ વાવેતર સમયે સરકારના આવા પગલાંને કારણે ભાવો નીચા જવાની શક્યતાથી વાવણી ઉપર પણ અસર થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. કપાસ પકવતા ખેડૂતોના મનોબળ ઉપર પડનાર અસરોની સાથે સાથે સ્થાનિક ભાવો તથા સ્ટોકિસ્ટો પર પણ ઊંડી અસર છોડે તેમ છે. જે મિલો પહેલેથી ઊંચા ભાવે સ્થાનિક કપાસ ખરીદીને બેઠી છે તેઓ ઉપર પણ ઇન્વેન્ટરી લોસ અને વેલ્યુએશનનું દબાણ રહે તેમ છે.
બીજી તરફ કેન્દ્ર સરકારે ડુંગળી નિકાસ ઉપર લાદેલા પ્રતિબંધો ઉપર થોડી ઘણી છૂટછાટ આપતાં નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ડુંગળીની નિકાસ ડબલ થઈને ૧૦ લાખ ટનને પાર કરી ગઈ છે. જ્યારે જીરામાં પણ ગયા અઠવાડિયે યુરોપ તથા અમેરિકા તરફથી પોઝિટિવ રિસપોન્સ સાથે ડિમાન્ડ ખૂલતાં બજારમાં ફરીથી તેજીનો ધમધમાટ શરૂ થયો છે.








