સોયાબીનમાં તેજીના પગલે નિકાસ સોદા રદ થતાં ભારે અફરાતફરી

- કોમોડિટી કરંટ
- વૈશ્વિક સ્તરે નીચા ભાવોથી સોયાબીનની આયાતમાં નોંધપાત્ર ઉછાળો
છેલ્લા એક માસથી ચાલી રહેલો ગરમીનો ભીષણ પ્રકોપ જુન માસમાં પણ યથાવત રહે તેવી આગાહી છે. જેમાં ગુજરાત સહિત ઉત્તર તથા મધ્ય ભારતના કેટલાય રાજયો પ્રભાવિત થાય તેમ છે. આ વર્ષે ચોમાસાની સીઝન દરમ્યાન અલ-નીનોની અસરને કારણે વધુ ગરમીને લીધે ખરીફ સીઝનનું વાવેતર પણ વિલંબિત થાય તવી સ્થિતિ છે. તાજેતરમાં કેન્દ્રિય કૃષિ મંત્રાલયના અહેવાલો પ્રમાણે વર્ષ ૨૦૨૫-૨૬ના માર્કેટીંગ સીઝન દરમ્યાન કૃષિ ક્ષેત્રનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.
ઘઉ, ચોખા, મકાઇ જેવા અનાજના ઉત્પાદને નોંધપાત્ર ઉછાળ સાથે ૩૭ થી ૩૮ કરોડ ટનની સપાટી કુદાવી છે. પરંતુ તેલીબીયાં, મસાલા તથા દાળોનું ઉત્પાદન અપેક્ષા કરતાં ઓછું રહેતાં બજારમાં તેજી-મંદીની મોંઘવારી ઉપર અસર કરી રહી છે. જેમ કે તેલીબીયામાં સરસવ (રાયડો) તથા મગફળીનું ઉત્પાદન ગત વર્ષ કરતાં સારૂ છે. પરંતુ સોયાબીન તથા તલ જેવા પાકોનું ઉત્પાદન અપેક્ષિત નથી.
કૃષિ મંત્રાલયના અહેવાલો પ્રમાણે ગત વર્ષની તુલના બે વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન સોયાબીનનું ઉત્પાદન ૧૫૨ લાખ ટનથી ઘટીને ૧૨૫ થી ૧૨૬ લાખ ટન આસપાસ રહે તેમ છે. સોયાબીનના ઓછા ઉત્પાદનને કારણે બજાર છેલ્લા ચાર વર્ષના રેકોર્ડ સ્તરે છે. સોયાબીનની પ્રોડક્ટ સોયામીલના ભાવો પણ ઉચા છે. છેલ્લા પાંચ માસમાં સોયાબીનમાં ૫૨ ટકાનો અને સોયામીલમાં ૪૧ ટકાનો ભાવ ઉછાળો નોંધાયો છે. વર્ષ ૨૦૨૬ની શરૂઆતમાં સોયાબીન બજાર પ્રતિ કિવન્ટલે ૪૮૦૦ આસપાસ હતી. જે હાલમાં ૭૩૦૦ની સપાટી પાર છે.
આ સંદર્ભે કોમોડિટીના જયવદનભાઈ ગાંધી વધુમાં જણાવે છે કે સોયાબીનની અછતને પગલે તેની બાયપ્રોડક્ટ સોયામીલની બજાર પણ ચાર વર્ષોના સર્વોચ્ચ સ્તરે પ્રતિ મેટ્રિક ટને રૂપિયા છાસઠ હજાર થઈ છે. ભારતમાંથી સૌથી વધુ સોયામીલની નિકાસ બ્રાઝીલ, આર્જેન્ટીના જેવા દક્ષિણ આફ્રિકા દેશોમાં થાય છે.
સોયામીલ પશુઓ તથા પોલ્ટ્રી જેવા ક્ષેત્રમાં મુખ્ય પ્રોટીનના સ્ત્રોત તરીકે વધુ ઉપયોગ થાય છે. સોયાબીનમાંથી તેલ કાઢયા બાદ વધેલો કચરો સોયામીલ તરીકે ઓળખાય છે. દેશમાં સોયાબીનમાં ચાલતી તેજીના પગલે વૈશ્વિક બજારમાં ભારતીય સોયામીલના ભાવોમાં નોંધપાત્ર વધારો થતાં વૈશ્વિક હરિફાઈમાં નિકાસકારોને ટકવા ભારે મુશ્કેલી પડી રહી છે.
વૈશ્વિક બજારમાં સોયામીલના પ્રતિ ટને ૪૩૦ ડોલરની આસપાસના ભાવો સામે ભારતીય પ્રોડક્ટના ભાવો ૬૮૦ ડોલર પ્રતિ ટન ઉચા રહેતાં આફ્રિકન દેશોમાંથી નિકાસના ઓર્ડરો રદ થઈ રહ્યા છે. જેના લીધે ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે. વેપારી સૂત્રો મુજબ વર્ષ ૨૦૨૧ બાદ પહેલીવાર ભારતીય નિકાસકારોના લગભગ પચીસ હજાર મેટ્રિક ટન એકસપોર્ટના કોન્ટ્રાકટ રદ થયા હોવાનું ખુલી રહ્યું છે. સોયામીલની બજાર ઉચી થતાં વેપારોમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો છે. નવા સોદા મળી રહ્યા નથી. પરંતુ વૈશ્વિક બજારમાં સોયાબીનના નીચા ભાવોનો ફાયદો ઉઠાવી ભારતીય આયાત દ્વારા વેપારીઓએ આફ્રિકી દેશોમાંથી સોયાબીનનો માલ દેશમાં મંગાવી રહ્યા છે.
ગત વર્ષે ભારતે લગભગ બે હજાર ટન સોયાબીન આયાત કરેલ હતું. પરંતુ આ વર્ષે વૈશ્વિક બજારમાં સોયાબીનના નીચા ભાવોને કારણે મોટા પ્રમાણમાં માલો દેશમાં આયાત થઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે સપ્ટેમ્બર-૨૦૨૬ સુધીમાં દેશમાં સોયાબીનની આયાત વધીને લગભગ આઠ લાખ ટન સુધી રેકોર્ડબ્રેક ઉછાળો થવાની શક્યતા પ્રવર્તી રહી છે.








