સોના-ચાંદીમાં ટોચના મથાળે ભાવમાં બેતરફી વધઘટ: હલકા વજનના દાગીના તરફ લોકો વળ્યા

- બુલિયન બિટ્સ - દિનેશ પારેખ
- ઊંચા ભાવના કારણે ઓછા કેરેટના સોનામાં પણ પૂછપરછો વધ્યાના સંકેતો: વોરની તીવ્રતા જળવાય છે કે નહિં તેના પર ખેલાડીઓની નજર
દેશના ઝવેરીબજારોમાં વિતેલા સપ્તાહમાં સોના- ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઝડપી ઉંચકાતાં નવી ઉંચી ટોચ જોવા મળી હતી. વિશ્વબજારના સમાચાર નવેસરથી તેજી બતાવતા હતા. વિશ્વબજાર ઉંચકાતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ ઉંચકાતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી જતી જોવા મળી હતી અને તેના પગલે ઘરઆંગણે ઝવેરીબજારોમાં ફરી તેજીનો ચમકારો જોવા મળ્યો હતો. અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ ૯૯૫ના રૂ.૧ લાખ પાર કરી ઉંચામાં ભાવ રૂ.૧૦૨૧૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ સોનાના ૯૯૯ના ભાવ રૂ.૧૦૨૪૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૫૦૦૦ વાળા વધી રૂ.૧૦૭૫૦૦ના નવા શિખરે પહોંચ્યા હતા. ઝવેરીબજારોના જાણકારોના જણાવ્યા મુજબ આ વખતે તેજીની આગેવાની ચાંદીએ લીધી હતી તથા ચાંદી પાછળ સોનાના ભાવ ઉંચકાયા હતા. વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૬.૩૦થી ૩૬.૩૧ ડોલરવાળા ઉંચકાઈ ઉંચામાં ભાવ ૩૭ ડોલરની સપાટી પાર કરી ૩૭.૩૦થી ૩૭.૩૫ ડોલર સુધી પહોંચ્યા હતા. વિશ્વબજારમાં ચાંદીના ભાવમાં તેજીના પગલે છેલ્લા ૧૨થી ૧૩ વર્ષનો રેકોર્ડ તૂટયો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. વિશ્વબજાર પાછળ મુંબઈ બુલીયન બજારમાં ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૦૬૩૦૦ વાળા ઉછળી ઉંચામાંં રૂ.૧૧૦૦૦૦ની નજીક પહોંચી જતાં નવો રેકોર્ડ સર્જાયો હતો. હવે નજર સવા લાખની ભાવ સપાટી પર રહી હતી. મુંબઈ બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના વધી ૯૯૫ના રૂ.૯૯૦૫૬ તથા ૯૯૯ના રૂ.૯૯૪૫૪ બોલાયા હતા. સપ્તાહના આરંભમાં સોનાના ભાવ વિશ્વબજાર પાછળ પ્રત્યાઘાતી ઘટયા હતા પરંતુ ત્યારબાદ ભાવ ફરી ઉંચા જતા જોવા મળ્યા હતા. જોકે સપ્તાહના અંતભાગમાં કિંમતી ધાતુઓમાં ફરી પીછેહટ પણ દેખાઈ હતી.
મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશદીઠ એક તબક્કે ઘટી ૩૪૦૦ ડોલરની અંદર ઉતર્યા પછી ભાવ ફરી વધી ૩૪૦૦ ડોલરને આંબી ગયા હતા તથા શુક્રવારે ભાવ ઘટી ૩૩૬૭થી ૩૩૬૮ ડોલર રહ્યા હતા.વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સના ભાવમાં થતી ચડઉતરના પગલે વૈશ્વિક સોનામાં ભાવમાં ચડઉતર થતી જોવા મળી હતી. ડોલર ઈન્ડેક્સ વધે ત્યારે વૈશ્વિક સોનામાં ફંડોની વેચવાલી આવે છે તથા ડોલર ઈન્ડેક્સ ઘટે છે ત્યારે વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ નિકળે છે. દરમિયાન, વિશ્વબજારમાં ઈરાન તથા ઈઝરાયેલ વચ્ચે ઓચીંતા ફાટી નિકળેલી યુધ્ધના પગલે વિશ્વબજારના ખેલાડીઓ ઉંઘતા ઝડપાયા હતા તથા આ યુધ્ધના પગલે વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવ ઝડપી ઉછળતાં તેની તેજીની અસર વિશ્વબજારમાં સોનાના ભાવ પર જોવા મળી હતી.
વિશ્વબજારમાં બ્રેન્ટક્રૂડતેલના ભાવ વધી બેરલના ઉંચામાં ૭૭ ડોલર પાર કરી ૭૭.૬૫થી ૭૭.૭૦ ડોલર સુધી પહોંચ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ વધી ઉંચામાં ૭૬.૨૫થી ૭૬.૩૦ ડોલર થયા હતા. ક્રૂડ ઉછળતાં તેના પગલે સોનામાં તેજીને પીઠબળ મળ્યું હતું. દરમિયાન, યુધ્ધના માહોલમાં વૈશ્વિક સોનામાં સેફ- હેવન બાઈંગ પણ વધી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. સોના- ચાંદી ઉપરાંત અન્ય કિંમતી ધાતુઓના ભાવમાં પણ વૈશ્વિક સ્તરે તેજીનો પવન ફૂંકાયો હતો. પ્લેટીનમના ભાવ વિશ્વબજારમાં વધી ઔંશના ઉંચામાં ૧૩૦૦ ડોલરની સપાટી વટાવી ગયા હતા જ્યારે પેલેડીયમના ભાવ વધી ઉંચામાં ઔંશના ૧૦૦૦ ડોલર પાર કરી એક તબક્કે ૧૧૦૦ ડોલર નજીક પહોંચ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં કોપરના ભાવ ઉંચકાતાં તેની અસર ચાંદીના ભાવ પર પોઝીટીવ દેખાઈ હતી. પ્લેટીનમના ભાવ વધી દસ વર્ષની ટોચે પહોંચી ગયા હતા. ઉંચામાં ભાવ ઔંશના ૧૩૫૦ ડોલર થયા હતા. ભારતમાં ઝવેરીબજારોમાં સોનાના ભાવ લાખ રૂપિયા ઉપર જતાં હવે હલકા વજનના દાગીનાની માગ વધી હોવાનું તથા લોકો હવે ૨૨થી ૨૪ કેરેટના બદલે ઓછા કેરેટના સોના તરફ વળ્યાની ચર્ચા ઝવેરીબજારમાં સંભળાઈ રહી હતી. અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દર જાળવી રાખવામાં આવ્યા હતા. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે પણ વ્યાજના દરમાં તાજેતરમાં કોઈ ફેરફાર કર્યો ન હોવાના સમાચાર આવ્યા હતા. ક્રૂડના ભાવ ઉછળતાં વૈશ્વિક સ્તરે મોંઘવારી તથા ફુગાવો ઉંચો જવાની શક્યતા વધી છે અને તેના પગલે વિશ્વની વિવિધ સેન્ટ્રલ બેન્કો હવે વ્યાજના દર ઘટાડવાની નિતીને બ્રેક લગાવતી જોવા મળી હતી.
દરમિયાન, સીટી બેન્કના જણાવ્યા મુજબ વિશ્વબજારમાં આગળ ઉપર સોનાના ભાવમાં તેજી અટકી પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળશે તથા ૨૦૨૫ના ત્રીજા ત્રિમાસિકમાં વૈશ્વિક સોનાના ભાવ ઘટી ઔંશના ૩૦૦૦ ડોલરની અંદર ઉતરી જવાની શક્યતા જણાય છે. જોકે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા મુજબ વિશ્વના વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કો હવે ડોલરના બદલે ગોલ્ડને વધુ મહત્ત્વ આપતી થઈ છે અને આ બેન્કો પોતાના રિઝર્વમાં સોનાનો હિસ્સો વધારતી જોવા મળી છે. દરમિયાન બાર્કલેઝના જણાવ્યા મુજબ વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રુડતેલના ભાવ આગળ ઉપર વધી બેરલના ૮૫ ડોલર તથા ત્યારબાદ ૧૦૦ ડોલર સુધી પહોંચી જવાની શક્યતા જણાય છે. આમ વિવિધ પરીબળો જોતાં હવે સોનાના ભાવમાં વિક્રમ ટોચ પર બેતરફી વધઘટ દેખાય એવી ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા.








