એરાઉન્ડ ધ માર્કેટ .

CA કંપનીઓની હાલના નિયમોમાં છૂટછાટની માંગણી
સ્થાનિક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) કંપનીઓ હાલના નિયમોમાં છૂટછાટ માંગી રહી છે. કંપનીઓએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એક્ટ, ૧૯૪૯ હેઠળના વર્તમાન નિયમો અને નૈતિકતા સંહિતા પર ચિંતા વ્યક્ત કરી છે, તેઓ કહે છે કે હાલના નિયમો તેઓની સ્કેલ કરવાની તેમની ક્ષમતામાં અવરોધ લાવી રહ્યા છે. મુખ્ય અવરોધોમાં મૂડી મર્યાદાઓ, જાહેરાત પર પ્રતિબંધ અને મર્યાદિત સરકારી સહાયનો સમાવેશ થાય છે. ઘણી નાની અને મધ્યમ-સ્તરીય કંપનીઓ કદમાં વૃદ્ધિ કરવા માંગે છે, પરંતુ નિયમો સહાયક બનતા નથી. યુએસ અને યુકેમાં ઓડિટ કંપનીઓને જાહેર અને ખાનગી મૂડી એકત્ર કરવાની મંજૂરી છે, ભારતીય કંપનીઓ CA કાયદા દ્વારા આમ કરવાથી પ્રતિબંધિત છે. CA કાયદા મુજબ, દેશમાં CA ફર્મ ધરાવવા અને ચલાવવા માટે ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાનું સભ્યપદ ફરજિયાત છે.
ચાલુ ખાતાની ખાધ અંગે ચિંતા વધી
ગત શુક્રવારે ઇઝરાયલે ઇરાનના પરમાણુ મથકો પર હુમલો કર્યો હતો, આ હુમલાના સમાચાર પછી, યુએસ WTI ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ ૧૨%નો વધારો થયો હતો અને તે ૬૯.૩૯થી વધીને ૭૭.૫૮ પ્રતિ બેરલ ડોલર પહોંચ્યું હતું. મે મહિનાની શરૂઆતથી, ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ ૩૬%નો વધારો થયો છે અને તે હવે ૫ મહિનામાં તેના સૌથી ઊંચા ભાવે છે. ક્રૂડ ઓઇલના ભાવમાં અચાનક ઉછાળો અને ઇઝરાયલના ઇરાન પર હુમલા પછી ભૂ-રાજકીય તણાવમાં વધારો થયો છે. જેના કારણે ભારતના આયાત બિલ, ફુગાવાના વલણ અને ચાલુ ખાતાની ખાધ અંગે ચિંતા વધી હતી. નજીકના ભવિષ્યમાં, બજારનું ધ્યાન ભૂ-રાજકીય ગતિવિધિ અને આગામી સપ્તાહમાં ત્રણ મુખ્ય કેન્દ્રીય બેંકોના નાણાકીય નીતિના નિર્ણયો પર રહેશે.









