Magazines

શાબાશ ! .

By GS TEAM
29 May 20261 min read
શાબાશ !                                                    .

ખુસરો પરવીઝ એક ઉદાર બાદશાહ થઈ ગયા.

એક વાર એક માછીમારે મોટી માછલી પકડી. તેને થયું કે આવી ઉમદા માછલી તો બાદશાહને જ ભેટ ધરવી જોઈએ.

તેણે એ માછલી ખુસરોને ભેટ ધરી. બાદશાહ માછલી જોઈને ખુશ થઈ ગયા. તેમણે એ માછલીના બદલામાં રોકડા એક હજાર દિનાર આપવાનો હુકમ કર્યો. પણ પેલો માછીમાર જ્યારે હજાર દિનાર લેતો હતો ત્યારે જ એક દિનાર પડી ગયો.

એકદમ જ માછીમાર વાંકા વળીને એ દિનાર લેવા માંડયો. એ જોઈ હસીને ખુસરો કહે : 'અરે દોસ્ત માછીમાર! તને આટલા બધા એક હજાર દિનાર આપવામાં આવ્યાં છતાં એક દિનાર માટે તારો આવડો લોભ?'

કુર્નિશ કરીને માછીમાર કહે : 'નામદાર હજૂર! એમાં લોભનો સવાલ જ નથી. સવાલ સન્માનનો છે.'

ખુસરોએ પૂછ્યું : 'સન્માન ? કેવું સન્માન ?'

માછીમાર કહે : 'આપનું, આપના ચલણનું, આપની છબીનું. આપે આપેલ ઇનામથી હું એમ તો ઘણો શ્રીમંત બની ચૂક્યો છું, પણ આપના સહીસિક્કા અને છબીવાળો દિનાર કોઈના પગ હેઠળ કચડાય તો....?'

'શાબાશ !' ખુસરો માછીમાર વાક્ય પૂરું કરે તે પહેલાં જ બોલી ઊઠયા અને તેને બીજા હજાર દિનાર ઇનામમાં આપ્યા.