બોર્ડર : ભારતીય સેનાની શૌર્યગાથા .

- 'બોર્ડર' માટે સુનિલ શેટ્ટીએ પહેલાં ના પાડી દીધી હતી. સંજુબાબાને જેલની સજા થઈ એટલે વિંગ કમાન્ડર એન્ડી બાજવાનો રોલ જેકી શ્રોફને મળ્યો. અક્ષય ખન્ના પણ આ ફિલ્મ માટે પહેલી પસંદગી નહોતો.
- 'બોર્ડર-ટુ' નેટફ્લિક્સ પર આવી ગઈ છે ત્યારે આવો, આપણે ઓરિજનલ 'બોર્ડર' ફિલ્મની ચર્ચા કરીએ. આ ફિલ્મ એટલા માટે મહત્ત્વની છે કે તેમાં લોંગેવાલાના યુદ્ધ અને ભારતીય સેનાના શૌર્યને ઉત્કૃષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે. પાકિસ્તાનના 3,000 સૈનિકોની ફોજ સામે ભારતના 120 સૈનિકોની જીતની કહાણી આજે પણ રૂવાંડા ઊભા કરે તેવી છે.
મિલેનિયલ (૧૯૮૧-૯૬ વચ્ચે જન્મેલા) પુત્ર અને બૂમર (૧૯૪૬-૧૯૬૪ની વચ્ચે જન્મેલા) પિતા વચ્ચે ચર્ચા ચાલી રહી હતી. પુત્ર કહે કે, અમે ધરતીકંપ જોયો, કારગિલ યુદ્ધ જોયું, ૨૦૦૮માં વૈશ્વિક માર્કેટમાં કડાકો જોયો, ઈન્ટરનેટને જીવન જરૂરિયાત બનતા જોયું, નોટબંધી જોઈ, કોરોના મહામારી જોઈ... તમે શું જોયું? ત્યારે પિતાએ કહ્યું કે, તમે જે જોયું તે, પ્લસ ૧૯૫૬નો છપ્પનીયો દુકાળ જોયો છે, ૧૯૬૨નું ચાઈના યુદ્ધ જોયું છે, ૧૯૬૫માં પાકિસ્તાન સાથે યુદ્ધ જોયું, ૧૯૭૧માં લોંગેવાલાનું યુદ્ધ જોયું અને ત્યારબાદ પાકિસ્તાનના બે ટુકડા થતા જોયા.
પુત્ર પૂછે છે કે, ખરેખર? આ યુદ્ધ બાદ પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા? લોંગેવાલા યુદ્ધ એટલે તો એ જ ને કે જેને 'બોર્ડર' ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે? માથું ધૂણાવતા પિતા કહે છે, હા, આ એ જ યુદ્ધ કે જે 'બોર્ડર' ફિલ્મમાં હતું.
લોંગેવાલાનું યુદ્ધ પણ કોઈ સામાન્ય યુદ્ધ નહોતું. નવેમ્બર ૧૯૭૧ના છેલ્લા અઠવાડિયા સુધીમાં પાકિસ્તાનના યાહ્યા ખાનને ખ્યાલ આવી ગયો હતો કે, પૂર્વ પાકિસ્તાન એટલે કે હાલનું બાંગ્લાદેશ હાથમાંથી જશે. તેમણે અયુબ ખાનની વ્યુહરચના અપનાવી. પોતાના પૂર્વને બચાવવા માટે ભારતના પશ્ચિમ પર હુમલો કર્યો. આ પશ્ચિમ એટલે ભારતનું જેસલમેર. આ માટે પહેલા એવી લશ્કરી પોસ્ટને ટાર્ગેટ કરવામાં આવી કે જ્યાં સૌથી ઓછા ૧૨૦ સૈનિકો હતા.
આ સૈનિકોની સામે તેમણે ૪૦-૪૫ ટેન્કો સાથે લગભગ ૩૦૦૦ સૈનિકોની ફોજ ઉતારી દીધી. ભારતના એક સૈનિક સામે પાકિસ્તાનના ૨૫ સૈનિકો અને શસ્ત્રસરંજામ અલગ. તેમણે નક્કી કર્યું હતું કે, જેસલમેરમાં નાસ્તો, જોધપુરમાં લંચ અને દિલ્હીમાં ડિનર. પરંતુ, તેમને ખબર નહોતી કે, માત્ર તારના ફેંન્સિંગના રક્ષણ, મીડિયમ મશીનગન, મોર્ટાર અને એક જોંગા-માઉન્ટેડ એમ-૪૦ રિકોઈલલેસ રાઈફલ સાથે મેજર કુલદીપ સિંહ ચાંદપુરીની પંજાબ રેજિમેન્ટની એક કંપની (ભારતીય સેનાની ૨૩મી બટાલિયન) લડશે, અને એવું લડશે કે પાકિસ્તાને ઊભી પૂંછડિયે ભાગવું પડશે.
૪ ડિસેમ્બરની રાત્રે આશરે ૧૧ઃ૩૦ વાગ્યે પાકિસ્તાની દળો ભારતીય સરહદ નજીક પહોંચ્યા. સેકન્ડ લેફ્ટનન્ટ ધરમવીર ભાનની પેટ્રોલિંગ ટીમે દુશ્મનની ટેન્કોનો અવાજ સાંભળ્યો અને તરત જ કંપની કમાન્ડર મેજર ચાંદપુરીને જાણ કરી. મેજર ચાંદપુરીએ તાત્કાલિક હેડક્વાર્ટરને જાણ કરી. એક કલાકની ચર્ચા બાદ કમાન્ડિંગ ઓફિસરે મેજર ચાંદપુરીને એક વિકલ્પ આપ્યો કે, લોંગેવાલા છોડીને રામગઢ પાછા આવી જાઓ કારણ કે, ત્યાં છ કલાક સુધી કોઈપણ સૈન્ય મદદ પહોંચવી મુશ્કેલ છે. મેજર ચાંદપુરીએ લડવાનું પસંદ કર્યું.
મોડી રાત્રે ૨ઃ૩૦ વાગ્યે યુદ્ધ શરુ થયું. દુશ્મનો નજીક આવતાં જ ભારતીય સેનાએ તેમના બે ટેન્કોની ઉડાવી દીધા. ત્યાર બાદ છ કલાક સુધી અસંભવ લાગતી પરિસ્થિતિનો સામનો કર્યો. સૂર્યનું પહેલું કિરણ પડતાં જ ઈન્ડિયન એરફોર્સ હરકતમાં આવી અને મેજર ચાંદપુરીની કંપનીની મહેનત પર જીતની મહોર લાગી. પાકિસ્તાને આ યુદ્ધમાં ૩૪ ટેન્કો અને ૨૦૦થી વધુ સૈનિકો ગુમાવ્યા, જ્યારે ભારતના બે જવાનો શહીદ થયા હતા. 'બોર્ડર' ફિલ્મ (૧૯૯૭)માં આંકડાને વધારીને બતાવવામાં આવ્યો છે.
પુત્ર ચોંકીને પિતાને પૂછે છે, 'મને એમ કે, ફિલ્મમાં જેમ બતાવવામાં આવ્યું છે, તેમ આપણા વધુ સૈનિકો માર્યા ગયા હશે. આ સાચી વાત છે? આ તો ચમત્કાર કહેવાય...' પિતા કહે છે, 'આ તો મેજર ચાંદપુરીના સૈનિકોની બહાદૂરી અને તનોટ માતાના આશીર્વાદ.' પુત્ર પૂછે છે, 'તનોટ માતા?' પિતા કહે છે કે હા, લોંગેવાલાથી લગભગ ૨૦ કિમી દૂર તનોટ માતાનું મંદિર આવેલું છે. લોકવાયકા મુજબ, આ મંદિરની કૃપા ભારતની જીતમાં મહત્ત્વની રહી હતી. માતાને હિંગળાજ માતાનો અવતાર અને કરણી માતાના પૂર્વજ માનવામાં આવે છે. સ્થાનિક માન્યતા મુજબ, આ મંદિર લગભગ ૧૨૦૦ વર્ષ જૂનું છે. મંદિરનો ચમત્કાર આ પહેલા ૧૯૬૫ના યુદ્ધ દરમિયાન જોવા મળ્યો હતો. પાકિસ્તાની સેનાએ મંદિરને નષ્ટ કરવા માટે ૩,૦૦૦ બોમ્બ ફેંક્યા હતા, પરંતુ મંદિરની આસપાસ પડેલો એક પણ બોમ્બ ફૂટયો નહોતો. આ બોમ્બમાંથી ૪૫૦ બોમ્બ તો સીધા મંદિરના પરિસરમાં પડયા હતા છતાંય મંદિરને જરાય નુકસાન નહોતું થયું.
૧૯૬૫ના યુદ્ધ બાદ ભારતીય બોર્ડર સિક્યોરિટી ફોર્સ- બીએસએફે મંદિરની જવાબદારી સંભાળી હતી. આજે પણ બીએસએફના જવાનો રોજ આરતી અને પૂજા કરે છે. આ ભારતનું એકમાત્ર એવું મંદિર છે જેનું સંપૂર્ણ સંચાલન અર્ધલશ્કરી દળ દ્વારા કરવામાં આવે છે. ૧૯૭૧ના યુદ્ધમાં જીત બાદ ભારતીય સેનાએ મંદિરના પરિસરમાં એક વિજય સ્તંભ બનાવ્યો છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, એક યુદ્ધનું મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે. પાકિસ્તાનના ૪૫૦ બોમ્બને કાચની પેટીમાં પ્રદર્શન માટે રાખવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓ દરરોજ આ જીવતા બોમ્બની બાજુમાંથી પસાર થઈને માતાજીના દર્શન કરે છે. જેસલમેરમાં જે પણ સૈનિકની નિમણૂક થાય છે તે સરહદ પર જતાં પહેલાં તનોટ માતાના દર્શન અચૂક કરે છે અને મંદિરની રેતીનું તિલક પોતાના કપાળ પર લગાવે છે.
પુત્ર કહે છે, હા... યાદ આવ્યું ફિલ્મમાં પણ એક મંદિર બતાવવામાં આવ્યું છે. જેનાં દર્શન ફિલ્મમાં ભૈરો સિંહ રાઠોડનો રોલ કરી રહેલા સુનિલ શેટ્ટી સહિતના જવાનો કરે છે. પિતા સવાલ કરે છે કે, પણ તને એ ખબર છે કે, આ ફિલ્મની સ્ટોરી સાથે જે. પી. દત્તાનું પર્સનલ કનેક્શન પણ છે?
'એ વળી શું?'
'જે. પી. દત્તાએ આ ફિલ્મને તેમના ભાઈ સ્ક્વોડ્રન લીડર દીપક દત્તાને સમર્પિત કરી છે. તેમના ભાઈ એરફોર્સ ઓફિસર હતા. કદાચ, તેનો તેમને ફાયદો મળ્યો. જે. પી. દત્તાએ આ ફિલ્મ બનાવતાં પહેલાં ભારતીય સેનાના અનેક ઓફિસર્સ અને તેમના પરિવારો સાથે ચર્ચા કરી હતી. ત્યારે જ તો ફિલ્મ દમદાર બની છે.'
પુત્ર કહે છે કે, 'અચ્છા, એ મને ખબર નહોતી. આ ફિલ્મનું ફેમિલી કનેક્શન તો આજે પણ જોવા મળી રહ્યું છે. આ વર્ષે રિલીઝ થયેલી 'બોર્ડર-ટુ'માં કામ કરી રહેલા પુત્ર અહાન શેટ્ટી માટે પિતા સુનિલ શેટ્ટીએ સોશિયલ મીડિયામાં ખૂબ જ પ્રચાર કર્યો હતો.'
પિતા તેની વાતને અધવચ્ચે રોકતા કહે છે કે, અહાનની વાત છોડ. તને ખબર છે, 'બોર્ડર' ફિલ્મ માટે સુનિલ શેટ્ટીએ પહેલા ના પાડી હતી? એટલે અનિલ કપૂરના ભાઈ સંજય કપૂર અને 'બિગ બોસ' ફેમ અરમાન કોહલીનાં નામ પર વિચાર કરવામાં આવ્યો હતો. આ સિવાય વિંગ કમાન્ડર એન્ડી બાજવાના રોલ માટે સંજુબાબા ફાઈનલ જ હતા. આ તો તે સમયે જ જેલની સજા તેમને નડી ગઈ અને જેકી શ્રોફને સાઈન કરવામાં આવ્યા. અક્ષય ખન્ના પણ આ ફિલ્મ માટે પહેલી પસંદ નહોતો. આ રોલ માટે સલમાન ખાન, આમિર ખાન, અક્ષયકુમાર, સૈફ અલી ખાન અને અજય દેવગણનો સંપર્ક કરવામાં આવ્યો હતો. બધાએ આ ફિલ્મને નકારી ત્યારે છેક અક્ષય ખન્નાએ આ ફિલ્મ મળી. બાકી, પંકજ પરાશર સાથેની ડેબ્યુ ફિલ્મ 'હિમાલય પુત્ર' ફ્લોપ રહેતા અક્ષય ખન્નાને દર્શકો ભૂલી ગયા હોત. આ તો નસીબ, નસીબની વાત છે.
પણ, હા જાવેદ અખ્તરનું કહેવું પડે. એમણે 'બોર્ડર'ની સિક્વલ માટે ગીતો લખવાની ઘસીને ના પાડી દીધી હતી.
પુત્ર કહે છે, 'હા, એમણે તો ના પાડી દીધી. અનુ મલિકે પણ એક ગીતની ક્રેડિટ માંગી છતાં 'બોર્ડર-ટુ'માં પહેલી ફિલ્મના ચાર ચાર સોંગ્સને રિક્રેએટ કરવામાં આવ્યા છે. 'સંદેશે આતે હૈ', 'ઘર કબ આઓગે' બની ગયું. તો 'મૈં ચલું', 'અય જાતે હૂએ લમ્હોં' બન્યું. 'હિંદુસ્તાન હિંદુસ્તાન', 'હિંદુસ્તાન મેરી જાન' બન્યું, જ્યારે, 'હમે જબ સે મોહબ્બત', 'મોહબ્બત હો ગઈ હૈ' બની ગયું. પહેલી ફિલ્મમાં 'સંદેસે આતે હૈ'ના એક સિંગર સોનુ નિગમે સિક્વલનું નવું સોંગ 'મિટ્ટી કે બેટે' ગાયું, પણ હા ગીતોમાં પહેલી ફિલ્મ જેવી મજા ન આવી. સૌથી મજાની વાત એ કે, 'બોર્ડર-ટુ'ના સોંગ 'ઘર કબ આઓગે'ને તનોટ, જેસલમેર ખાતે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મને લઈને તો માનવું પડશે કે, ડાયલોગ્સ હોય, સોંગ્સ હોય, કાસ્ટ હોય કે પછી કહાણી... જૂનાની તો વાત જ કંઈક અલગ હતી.








