Magazines

કટોકટી હોય ત્યારે બોલીવૂડ ક્યારેય પાછળ નથી રહ્યું

By GS TEAM
28 May 20264 mins read
કટોકટી હોય ત્યારે બોલીવૂડ ક્યારેય પાછળ નથી રહ્યું

- ચાર્ટર્ડ ફ્લાઈટમાંથી ઈ-કાર, બોલીવૂડ સાદગી મોડમાં

- મુંબઈમાં પણ સ્ટાર્સ શૂટિંગ લાંબા અંતરનો પ્રવાસ ટાળી રહ્યા છે. ફિલ્મ સંબંધિત કામ માટે અમિતાભ પણ ઈરલામાં આવેલા નજીકના સ્ટુડિયો પસંદ કરીને બિનજરૂરી પ્રવાસ સમય બચાવી રહ્યા છે.

શ્ચિમ એશિયામાં ચાલી રહેલી કટોકટીએ હવે તેનાથી દૂરના વિસ્તારોના દૈનિક  જીવન તેમજ આર્થિક નિર્ણયોને પ્રભાવિત કરવાનું શરૂ કર્યું છે. ઈંધણના વધતા વપરાશ અને વૈશ્વિક અનિશ્ચિતતાનો પ્રતિસાદ આપતા વડા પ્રધાને નાગરિકો તેમજ કંપનીઓને શક્ય હોય ત્યાં સુધી વર્ક-ફ્રમ-હોમ વ્યવસ્થા તેમજ ઓનલાઈન મીટિંગો અપનાવવાની હાકલ કરી. એક તરફ ઈન્ફોર્મેન્શન ટેકનોલોજી જેવા ક્ષેત્રો સરળતાથી વર્ક-ફ્રોમ-હોમ તરફ વળી શકે છે, પણ મનોરંજન ઉદ્યોગ અલગ રીતે કામ કરે છે. ફિલ્મોનું શૂટ વીડિયો કોલ દ્વારા શક્ય નથી, તેમજ  વિશાળ પ્રોડક્શનો પ્રત્યક્ષ હાજરી, વિસ્તૃત સેટ, ભારે ઉપકરણો અને મોટા ક્રુ વિના ટકી ન શકે. આટલી મર્યાદાઓ હોવા છતાં બોલીવૂડ અતિરેક ટાળવા તેમજ બદલાતા સમયને અનુરૂપ થવા સભાન પ્રયાસ કરી રહ્યું છે.

આગામી ફિલ્મો સાથે સંકળાયેલા પ્રોડક્શન હાઉસ તેમજ મારકેટિંગ ટીમો ચૂપચાપ તેમની પ્રમોશનલ વ્યૂહરચનાઓને નવુ રૂપ આપી રહી છે. પરંપરાગત ફિલ્મ પ્રમોશનોમાં વિવિધ શહેરોને આવરી લેતી ખર્ચાળ સિટી ટૂર, વૈભવી પ્રવાસ અને વિશાળ જાહેર કાર્યક્રમો  સામેલ હોય છે. પણ હવે જો કે સ્ટાર્સ તેમજ પ્રોડયુસરો બિનજરૂરી ગતિવિધિ ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. આયુષ્માન ખુરાના, વમિકા ગબ્બી, સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહએ ઈન્દોર જેવા પસંદગીના શહેરો તેમજ ગુજરાતના કેટલાક હિસ્સાની મુલાકાત પૂર્ણ કર્યા પછી પ્રમોશનલ સર્કિટ ઓછી કરી દીધી. તમામ મેટ્રોપોલિટન કેન્દ્રનો ઉગ્રપણે પ્રવાસ કરવાની બદલે પ્રોડક્શન ટીમો હવે નાનકડી,  ચિવટપૂર્વક આયોજન કરેલી મુલાકાતો વિશે વિચારી રહ્યા છે. વરુણ ધવનને સમાવિષ્ટ કરતી પ્રમોશનલ કેમ્પેન વિશે પણ હવે સાવધાનીપૂર્વકનો અભિગમ લેવાઈ રહ્યો છે અને તેના કાર્યક્રમો ભવ્ય બનાવવાની બદલે જરૂર પૂરતા જ રાખવામાં આવ્યા છે.

મુંબઈમાં પણ સ્ટાર્સ શૂટિંગ લોકેશન તેમના નિવાસથી નજીક પસંદ કરીને લાંબા અંતરનો પ્રવાસ ટાળી  રહ્યા છે. આ પગલા દેખાવમાં નજીવા લાગી શકે,  પણ જે ઉદ્યોગમાં વેનિટી વેન, જેનરેટરો, વૈભવી કાફલા અને વિશાળ સપોર્ટ ટીમો રોજના ધોરણે નોંધપાત્ર પ્રમાણમાં ઈંધણનો ઉપયોગ કરે છે, ત્યાં નજીવા ફેરફારોનો પણ અર્થસભર પ્રભાવ પડી શકે.

ઉદાહરણ તરીકે સલમાન ખાન હજી પણ પોતાના બેન્ડસ્ટેન્ડ સ્થિત ઘરની નજીક આવેલા મહેબૂબ સ્ટુડિયોમાં શૂટ કરવું પસંદ કરે છે. આ જ સ્ટુડિયો સુપરસ્ટાર શાહરૂખ ખાન અને પ્રસિદ્ધ ક્રિકેટર એમ.એસ.ધોનીની પ્રાથમિકતા પણ રહ્યો છે.

એવી જ રીતે કહેવાય છે કે અમિતાભ બચ્ચને પણ પોતાની જૂહુ સ્થિત મિલકત 'મનસા'નો ઉપયોગ કમર્શિયલ શૂટ માટે કરવાનું શરૂ કરી દીધું છે, જેના પરિણામે તેણે હવે શહેરમાં વિવિધ સ્થળોએ બિનજરૂરી પ્રવાસ નથી કરવો પડતો. ફિલ્મ સંબંધિત કામ માટે અમિતાભ ઈરલામાં આવેલા નજીકના સ્ટુડિયો પસંદ કરીને બિનજરૂરી પ્રવાસ સમય બચાવી રહ્યા છે.

ઉદ્યોગની બદલાતી આદતોનું પ્રતિબિંબ અજય દેવગણ અને ફિલ્મ સર્જક રોહિત શેટ્ટી દ્વારા 'ગોલમાલ ફાઈવ'ના નિર્માણ દરમ્યાન અપનાવવામાં આવેલી કાર્યશૈલીમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. મોટાભાગની ફિલ્મનું શૂટ ગોરેગાંવ પૂર્વમાં આવેલા ફિલ્મ સિટી ખાતે અત્યંત સુરક્ષિત સિંગલ સેટમાં કરવામાં આવ્યું હતું. તેનો હેતુ સરળ હતો, પ્રવાસ ઓછો કરવો, બાહ્ય અવરજવર ઓછી કરવી અને કાર્યક્ષમતા જાળવી રાખવી.  ટીમ વધારાના દ્રશ્યો માટે ટૂંક સમય માટે ઊટી ગઈ હતી, પણ એકંદર શૂટ એક જ મુખ્ય લોકેશન સુધી સીમિત રહ્યા. આવા પગલાથી ઈંધણની બચત તો થાય જ છે પણ સાથે પ્રોડક્શન ખર્ચ અને પ્રવાસ સાથે સંકળાયેલી મુશ્કેલી પણ ઘટે છે.

રસપ્રદ બાબત છે કે વર્તમાન વાતાવરણે પણ સેલિબ્રિટીઓની જીવનશૈલીમાં સૌમ્ય ફેરફાર પ્રેર્યા છે. વધુ ઈંધણ ખર્ચ કરતા વૈભવી પ્રવાસ માટે જાણીતા કેટલાક સ્ટાર્સ હવે ટૂંકા પ્રવાસ માટે ઈલેક્ટ્રિક કારનો ઉપયોગ કરવા લાગ્યા છે. આ ફેરફારમાં એક પ્રતીકાત્મક પરિવર્તન દેખાઈ રહ્યું છે. બોલીવૂડ લાંબા સમયથી અતિશ્યોક્તિ અને દેખાડા માટે સંકળાયેલું રહ્યું હતું. આથી જ્યારે સેલિબ્રિટીઓ નજીવા ફેરફાર પણ કરે ત્યારે જાહેર જનતા પર તેનો તીવ્ર પ્રભાવ પડે છે.

યશ રાજ ફિલ્મ્સની માલિકીની સુવિધા સહિત અંધેરીમાં આવેલા સ્ટુડિયો પણ સેલિબ્રિટીઓના નિવાસ સ્થાનોની નજીક હોવાને કારણે લોકપ્રિય થયા છે. પ્રોડયુસરોને અહેસાસ થઈ ચુક્યો છે કે ટૂંકા પ્રવાસને કારણે ઈંધણ બિલ નાના આવે, વિલંબ ઓછા થાય અને સમયપત્રક સક્ષમ રીતે જળવાઈ શકે. જો કે મહત્વનો પ્રશ્ન ઊભો રહે છે કે શું આ ફેરફારો કટોકટીના કામચલાઉ પ્રતિસાદ છે કે પછી ફિલ્મ ઉદ્યોગમાં એક કરકસરયુક્ત પદ્ધતિની શરૂઆત છે.

જો કે હજી સુધી ફિલ્મ ઉદ્યોગની સૌથી મોટી ચિંતા એ-વર્ગના કલાકારોની ભવ્ય પ્રવાસ માગણીઓની રહી છે. ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર અનેક મુખ્ય સ્ટાર્સ સ્થાનિક શૂટ અને પ્રમોશનો માટે  ચાર્ટર્ડ ફ્લાઈટની માગણી કરતા રહ્યા છે. અક્ષય કુમાર, રણબીર કપૂર અને રણવીર સિંઘ જેવા કલાકારો વૈભવી હવાઈ પ્રવાસ સાથે સંકળાયેલા સ્ટાર્સ પૈકી માનવામાં આવે છે. એક સિંગલ ચાર્ટર્ડ પ્રવાસ માટે પ્રોડયુસરોને પચ્ચીસ લાખથી વધુનો ખર્ચ આવે છે. કેટલાક કિસ્સાઓમાં તો કરારમાં જ ખાનગી વિમાનની નોંધ ફરજિયાત શરત તરીકે કરવામાં આવી હોય છે. આવી પ્રથાઓ સરકારની સંયમ અને જાળવણી માટેની અપીલથી ઘણી રીતે વિપરીત છે.

અને એટલે જ વર્તમાન સમય બોલીવૂડની સામાજિક જવાબદારીની પરીક્ષાનો છે. ફિલ્મ ઉદ્યોગ જાહેર જનતાના અભિગમો અને જીવનશૈલી પર તીવ્ર પ્રભાવ ધરાવે છે. જો સ્ટાર્સ ખરેખર કરકસરનો માર્ગ અપનાવે, તો તેનો સંદેશ સમાજ સુધી ચોક્કસ પહોંચશે. પણ જો સમય જતા અને કટોકટી હળવી બનતા આવા પગલાઓ અદ્રશ્ય થઈ જશે  તો બોલીવૂડના પ્રયાસો કામચલાઈ નાટકવેડા તરીકે યાદ રખાશે. બાકી હાલ તો દર્શકો અને પ્રોડયુસરો બંને  આતુરતાપૂર્વક જોઈ રહ્યા છે કે શું ખરેખર સમજદારી મિથ્યા ઘમંડ પર વિજય મેળવી રહી છે.