Magazines

કાળુ નાણું ત્રણ ગણું વધ્યું એટલે હવે ત્રણ ગણી નોટબંધી આવશે

By GS TEAM
22 Jun 20253 mins read
કાળુ નાણું ત્રણ ગણું વધ્યું એટલે હવે ત્રણ ગણી નોટબંધી આવશે

- આનંદો! હવે સ્વિસ બેન્કોમાંથી ત્રણ ગણું કાળુ નાણું પાછું લાવવાનું વચન મળશે

કાર્યકર ૧ :  એક સમાચાર છે. સારા છે કે ખરાબ એ ખબર નથી પડતી. 

કાર્યકર ૨ :  ડહાપણ ન ડહોળો. સમાચાર સારા છે કે ખરાબ એ પછી નક્કી કરી લઈશું. આપણે ભલભલા સારા સમાચારોને વિપક્ષ માટે  ખરાબ સમાચારમાં ફેરવી શકીએ છીએ. આપણે  ગમે તેવા ખરાબ સમાચારને પણ સારા સમાચાર તરીકે પ્રેઝન્ટ કરી શકીએ છીએ. 

કાર્યકર  ૧: હા,  તો સમાચાર એવા છે કે સ્વિસ બેન્કોમાં ભારતીયોનું નાણું ત્રણ ગણું વધીને ૩૭,૦૦૦ કરોડ રુપિયા થઈ ગયું છે. 

કાર્યકર ૨ : અરે વાહ, આ તો બેશક સારા સમાચાર છે. વિકાસ આપણો એજન્ડા છે. ગ્રોથ આપણો જીવનમંત્ર છે. કશુંક વધ્યું તો એ બેશક ગ્રોથ જ દર્શાવે છે.

કાર્યકર ૩ : પણ, આ તો સ્વિસ બેન્કોમાં પૈસા વધ્યા છે. આપણે તો એ પાછા લાવવાના પ્લાનિંગમાં હતા. ત્યાં વધારે પૈસા જમા ન થાય તેવા પ્રયાસો કરવાના હતા... પણ આ તો ઉલ્ટાના વધી ગયા. 

કાર્યકર ૪ :રોદણા ન રડો.જનતાને વચન આપવામાં આવ્યું હતું કે ઈકોનોમીમાં ગ્રોથ થશે. પૈસા વધશે. પછી એ આપણી બેન્કમાં વધે કે પરદેશની બેન્કમાં, વધારો એ વધારો છે. આ તો આનંદનો અવસર છે. પ્રચાર શરુ કરી દો કે દેશનાં અર્થતંત્રમાં બખ્ખાં થઈ જશે એવું વચન સાકાર થઈ ચૂક્યું છે. 

કાર્યકર ૫ :  પણ આપણે બ્લેક મની ન વધે એ માટે તો નોટબંધી લાવ્યા હતા.  સ્વિસ બેન્કોમાં પૈસા વધ્યા તેનો મતલબ એ કે નોટબંધી ફેઈલ થઈ ગઈ છે એવી ટીકાઓ થશે. 

કાર્યકર ૪:  લ્યા મૂકોને લપ. નોટબંધી લાવવા માટે તો કુલ ૧૭૭૦ કારણો હતાં. ગમે ત્યારે ગમે તે પકડી લઈને રજૂ કરી દેવાનું. 

કાર્યકર ૫  : જે લોકો  બહુ વ્હોટસએપ ચેક કરતા નથી  તેમને ખબર જ નથી કે નોટબંદી તો ટેરર ફંડિંગ રોકવા, રોકડાનો વપરાશ ઘટાડવા અને નકલી નોટો ડામવા માટે લાવવામાં આવી હતી.

કાર્યકર ૧ : યાર, તમે લોકો બહુ કન્ફ્યુઝન ઊભું કરી રહ્યા છે. નોટબંધી પાછળ આ બધા હેતુઓ હોત તો... તો.. . તો... તો...

કાર્યકર ૨ : તો તો શું? આ બધા હેતુઓ હજુ પણ મોજુદ જ છે તો પછી ફરી નોટબંધી લાગુ પડી જ જવી જોઈએ. સ્વિસ બેન્કોમાં ત્રણ ગણા વધ્યા છે એ નિમિત્તે ત્રણ ગણી નોટબંધી લાગુ  પડવી જોઈએ.  આ વખતે ૫૦૦ ભેગી  ૨૦૦ની અને ૧૦૦ની પણ નોટો નાબૂદ  થવી જોઈએ. 

કાર્યકર ૪:   જુઓ, બધું તબક્કાવાર થશે. શરુઆત તો  લોકોને સ્વિસ બેન્કમાંથી નાણાં પાછાં લાવી આપવાનું વચન આપીનેે  કરવામાં આવશે. લોકોને કહેવામાં આવશે કે   આનંદ પામો, સ્વિસ બેન્કમાંથી હવે ત્રણ ગણાં નાણાં પાછાં આવવાનાં છે. 

કાર્યકર ૫ :  બસ, આમને આમ બીજાં ત્રણ-ચાર વર્ષ નીકળી જશે.  ત્યાં સુધીમાં સ્વિસ બેન્ક્માં નાણાં વધી જશે એટલે પછી લોકોને ચાર ગણાં નાણાં પાછાં લાવવાનું પણ વચન આપી શકાશે...

બધા ખડખડાટ હસી પડયા.