Magazines

સ્વાદમાં કડવા પણ સ્વાસ્થ્ય માટે ઉત્તમ ખાદ્ય પદાર્થ

By GS TEAM
28 Jul 20254 mins read
સ્વાદમાં કડવા પણ સ્વાસ્થ્ય માટે ઉત્તમ ખાદ્ય પદાર્થ

- ડાયાબીટીસના દરદીઓમાં બ્લડ સુગરને નિયંત્રિત કરતા

ઘણા ફાઈટોકેમિકલ્સથી સમૃદ્ધ ખોરાકમાં કુદરતી કડવાશ ભરી હોય છે જેના કારણે તે પસંદગીયુક્ત ખોરાકની યાદીમાંથી બહાર ફેંકાયા હોય છે. સ્વાદ અને સ્વાસ્થ્ય વચ્ચે સર્જાયેલા આ અંતરને કારણે ક્યારેક કડવા ખોરાકમાંથી મળતા મહત્વના પોષક તત્વોની ઉણપ  સર્જાય છે.

ખાદ્ય ખોરાકનો કડવો સ્વાદ તેમાં કોઈ માદક પદાર્થને કારણે નહિ પણ શક્તિશાળી એન્ટીઓક્સિડેટીવ ગુણધર્મો ધરાવતા લાભકારક ફાઈટોકેમિકલ્સને કારણે હોય છે. એક અભ્યાસ મુજબ ખાટા ફળોમાં રહેલા ફ્લેવોનોઈડ્સ, સોયાબીનમાં રહેલા આઈસોફ્લેવોન્સ, ચા, લાલ વાઈન અને ચોકોલેટમાં રહેલા ફેનોલ્સ તેમજ શાકભાજીમાં રહેલા ગ્લુકોસાઈનોલેટ્સને કારણે આવા ખોરાક સ્વાદમાં કડવા હોય છે.

શરીર માટે જરૂરી પોષક તત્વો વિશ્વભરમાં ૨૦થી ૭૯ વર્ષના લગભગ ૪૬ કરોડ ૩૦ લાખ લોકોમાં પ્રચલિત ડાયાબીટીસ સહિત અનેક પ્રકારના હઠીલા રોગોને રોકવામાં મદદ કરે છે. જો કે કડવા ખોરાક બાબતે ખેદજનક બાબત એ છે કે લોકો તેને અતિશય રાંધે છે અથવા તો ખાદ્ય ઉદ્યોગો તેનામાં ગળપણ ઉમેરીને તેની કડવાશ ઓછી કરવાનો પ્રયાસ કરે છે. આવા ખાદ્ય પદાર્થને ગ્રાહકોના મનપસંદ અને સ્વીકૃત બનાવવાના પ્રયાસમાં તેના સ્વાસ્થ્યવર્ધક ગુણધર્મો નાશ પામે છે અથવા તો ઓછા થઈ જાય છે. નિષ્ણાંતોના મતે લોકોને કડવા ખોરાકના ગુણધર્મો વિશે જાગૃક કરવા જોઈએ અને કડવા ખોરાક વિશે તેમના અભિગમમાં બદલાવ કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ.

વિશેષ કરીને ડાયાબીટીસના દરદીઓમાં બ્લડ સુગર ઓછુ કરવાના ગુણધર્મો ધરાવતા કડવા ખાદ્ય પદાર્થો પર એક નજર નાખી લેવી જરૂરી છે.

કારેલા

કડવા ખાદ્ય પદાર્થની યાદીમાં કારેલાનું નામ સૌથી પહેલું આવે છે. સાથે સૌથી વધુ ફાઈટોકેમિકલ્સ ધરાવતા ખોરાકની યાદીમાં પણ તેનું નામ પહેલું આવી શકે. કારેલા ભારત સહિત એશિયા, દક્ષિણ અમેરિકા, પૂર્વ આફ્રિકા અને કેરિબીયન દેશોમાં વ્યાપકપણે ખવાય છે. તેનામાં ભરપૂર એન્ટીડાયાબીટીક અને હાઈપોલિપિડેમિક ગુણધર્મો છે જે ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવાની સાથે ડાયાબીટીસમાં થતા કોમ્પ્લીકેશન પણ દૂર રાખે છે.

કડી પત્તા

કારેલા પછી કડી પત્તા પણ એટલા જ ગુણકારી માનવામાં આવે છે. કડી પત્તામાં પણ બ્લડ સુગરના સ્તરને ઝડપથી ઘટાડવાની ક્ષમતા છે. એક અભ્યાસ મુજબ કડી પત્તાથી ફાસ્ટીંગ બ્લડ સુગર અને ભોજન પછીના બ્લડ સુગરના સ્તર ૧૫થી ૨૦ દિવસમાં સામાન્ય થઈ જાય છે.

લીલી ચા

એક અભ્યાસ મુજબ ગ્રીન ટીમાં રહેલા કેટેચિન્સમાં પ્રબળ એન્ટીઓક્સીડન્ટ હોય છે જે ડાયાબીટીસના દરદીઓમાં બ્લડ સુગરના સ્તર ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. લાંબા સમય સુધી ગ્રીન ટીનું સેવન કરવાથી ડાયાબીટીસ અને ઈન્સ્યુલીન સંવેદનશીલતા સંબંધિત સમસ્યાનું જોખમ ઘટે છે.

બેલ

એક અભ્યાસ મુજબ વૂડ એપલ તરીકે ઓળખાતા બેલ સ્વાદુપિંડ પર રક્ષણાત્મક અસર કરે છે અને સ્વાદુપિંડના આઈલેટ કોષો પર સ્ટ્રેપ્ટોઝોટોસિનને કારણે થતું નુકસાન રોકવામાં મદદ કરે છે. ૧૪ દિવસ આ ફળનું નિયમિત સેવન કરવાથી ગંભીર ડાયાબીટીસના દરદીઓના ગ્લુકોઝના સ્તર પણ નિયંત્રણમાં રહે છે.

સરગવાની સિંગ

સરગવાની સિંગના તમામ હિસ્સા જેવા કે પાંદડા, ફૂલ, બીજ અને થડ પૌષ્ટિક છે અને તેમાં પુષ્કળ ડાયીબીટીસ વિરોધી ગુણ છે. તેમાં રહેલા ફ્લેેવેનોઈડ્સ, ફેનોલિક એસિડ અને કુરસેટીન જેવા પોલીફેનોલ્સને કારણે શરીરમાં ગ્લુકોઝના સ્તરમાં ઘટાડો થાય છે.

એલો વેરા

એલો વેરા અથવા કુંવાર પાઠો કડવાશ સાથે થોડો ગળ્યો સ્વાદ પણ ધરાવે છે. એક અભ્યાસ મુજબ એલો વેરા ડાયાબીટીસનું જોખમ ધરાવતા તેમજ ટાઈપ-ટુ ડાયાબીટીસ ધરાવતા વ્યક્તિઓમાં ગ્લાઈકેમિક સ્તર સુધારવામાં સહાય કરે છે.

એક્સટ્રા વર્જિન ઓલિવ ઓઈલ

એક્સટ્રા વર્જિન ઓલિવ ઓઈલમાં સ્વાસ્થ્ય વર્ધક ગુણો અને કડવો-તીખો સ્વાદ ધરાવાતા વિશિષ્ટ પ્રકારના ફાઈટોકેમિકલ્સ હોય છે. ઓલિવ ઓઈલથી તૈયાર કરેલો ખોરાક ભોજન બાદ થતા ગ્લુકોઝમાં વધારાને કાબુમાં રાખે છે.

મેથીના બીજ

મેથીમાં ડાયાબીટીસનો પ્રતિકાર કરવાના ગુણ છે. એક અભ્યાસ મુજબ મેથીના બીજ જ્યારે એકલા અથવા મેટફોર્મિન જેવા કોઈ ડાયીબીટીસ વિરોધી દવા સાથે આપવામાં આવે તો તે ગ્લુકોઝ અને કોલેસ્ટેરોલના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો કરે છે.

અરુગુલા

રોક્ડ સેલાડ તરીકે ઓળખાતા અરુગુલા લીલા પાંદડાવાળી ભાજી છે જે દેખાવમાં પાલક જેવી લાગે છે. આ ભાજીમાં રહેલા ઈથેનોલ અને ફેટી એસિડ જેવા તત્વો ડાયાબીટીસનો પ્રતિકાર કરે છે અને ગ્લુકોઝના સ્તરમાં ઘટાડો કરે છે તેમજ  ઈન્સ્યુલિન પ્રતિકાર અને હાઈપરગ્લાઈકેમિયાની સ્થિતિ  અટકાવે છે.

ક્રેનબેરીઝ

ઉચ્ચ ચરબી યુક્ત ખોરાકમાં ક્રેનબેરીઝ ઉમેરવામાં આવે તો ભોજન બાદ થતા ગ્લુકોઝમાં વધારાને અટકાવે છે. આ ફળમાં રહેલા ઉચ્ચ એન્ટીઓક્સીડન્ટ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણધર્મોને કારણે ગ્લુકોઝ નિયંત્રણમાં રહે છે.

ડેન્ડેલિયોન ગ્રીન્સ

ડેન્ડેલિયોન ગ્રીન્સ ડેન્ડેલિયોન છોડના પાંદડા છે જે તેના વિશાળ પીળા ચમકદાર ફૂલથી તરત ઓળખાઈ જાય છે. ડેન્ડેલિયોનમાં ડાયાબીટીસને નિયંત્રણમાં રાખતા પ્રબળ બાયોએક્ટીવ કમ્પાઉન્ડ  છે. ઉપરાંત ડેન્ડેલિયોનના પાંદડામાં રહેલા દાહ-બળતરા વિરોધી અને એન્ટીઓક્સીડન્ટ ગુણો સ્વાદુપિંડને ઓક્સીડેટીવ નુકસાનથી રક્ષણ આપે છે.

તલ

તલના સેવનથી એન્ઝાઈમેટિક અને નોન એન્ઝાઈમેટિક એન્ટીઓક્સીડન્ટમાં વધારો થાય છે અને ઓક્સીડેટિવ સ્ટ્રેસ માર્કર્સમાં ઘટાડો થાય છે. ટાઈપ ટુ ડાયાબીટીસથી પીડાતા દરદીઓમાં સુગરના સ્તર નિયંત્રણમાં રાખવામાં તેનો ઉપયોગ થાય છે.

સુવાદાણા

સુવાદાણાના બીજ અને પાંદડાના સેવનથી ડાયાબીટીસના દરદીઓમાં ગ્લુકોઝ અને કોલેસ્ટેરોલના સ્તરમાં ઘટાડો થાય છે. સુવાદાણામાં હાજર ફેનોલિક પ્રોએન્થોસાઈનિડિન્સ અને ફ્લેવોનોઈડ્સ તેના એન્ટીઓક્સીડન્ટ ગુણોને કારણે ડાયાબીટીસના દરદીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થાય છે.

દાડમની છાલ

દાડમની છાલ કડવી હોય છે પણ આ ફળનો તે સૌથી પૌષ્ટિક હિસ્સો છે. એમાં ફ્લેવોનોઈડ્સ, ટેનિન્સ, ફેનોલિક એસિડ અને આલ્કાલોઈડ્સ તેમજ લિગનન્સ જેવા પોલીફેનોલ્સ ભરપૂર માત્રામાં છે. એક અભ્યાસ મુજબ દાડમની છાલ ફાસ્ટીંગ દરમ્યાનના ગ્લુકોઝના સ્તરને કાબુમાં રાખીને ડાયાબીટીસનું નિયંત્રણ કરે છે.  

- ઉમેશ ઠક્કર