Magazines

ભૂમિ પેડણેકર : પ્રેમ જેટલું સુંદર એટલો જ જટિલ

By GS TEAM
7 Aug 20252 mins read
ભૂમિ પેડણેકર :  પ્રેમ જેટલું સુંદર એટલો જ જટિલ

- 'મને  રોમાન્ટિક  ફિલ્મો કરવામાં ત્યારે જ રસ પડે જ્યારે તેની કહાણી  દમદાર હોય.  બાકી છોકરી-છોકરી મળે અને તેમની વચ્ચે  પ્રેમ થઈ જાય એવી  ફિલ્મ કરવામાં શું મઝા?'

અભિનેત્રી ભૂમિ પેડણેકર  તેની સૌપ્રથમ  ફિલ્મથી જ ચીલો ચાતરીને ચાલતાં  શક્તિશાળી  પાત્રો ભજવતી રહી છે.   કંઈક  નોખું  આપવાનો  સિલસિલો  તેણે હમેશાં  જાળવી રાખ્યો છે. આ વાત તેની રોમાન્ટિક   ફિલ્મોને  પણ એટલી જ લાગૂ  પડે  છે.  તેને માત્ર પ્રેમલા-પ્રેમલીની  પ્રેમ કહાણી  કરવામાં જરાય રસ નથી.  ભૂમિ શબ્દો ચોર્યા વિના  કહે છે કે મને  રોમાન્ટિક  ફિલ્મો કરવામાં ત્યારે જ રસ પડે જ્યારે તેની કહાણી  દમદાર હોય.  બાકી છોકરી-છોકરી મળે અને તેમની વચ્ચે  પ્રેમ થઈ જાય એવી  ફિલ્મ કરવામાં શું મઝા?

જો કે ભૂમિ  તરત જ સ્પષ્ટતા  કરતાં કહે છે કે હું પ્યાર-મહોબ્બત -પ્રણયની  વિરોધી નથી.  પ્રેમ અત્યંત  સુંદર-હૃદયસ્પર્શી  લાગણી છે.  આ લાગણીને  લગીરેય  ઓછીન આંકી શકાય.  પરંતુ આ  લાગણી જેટલી  મનભાવન છે એટલી જ જટિલ અને ગૂંચવણભરી પણ છે. આ  કારણે જ મને જે પટકથામાં  પ્યાર-મહોબ્બતના વિવિધ પાસાં  જોવા મળે એવી  ફિલ્મમાં  જ કામ કરવું ગમે.

અહીં એવો પ્રશ્ન  થવો સહજ  છે કે જો ભૂમિ  પ્રેમ જેવી  લાગણીને જટિલ અને ગૂંચવણભરી  ગણાવતી  હોય તો શું આ તેનો  અંગત અનુભવ છે?  આના જવાબમાં  અદાકારા કહે છે કે મારા મતે પ્રત્યેક  વ્યક્તિ  પ્રેમની જટિલતામાંથી પસાર થતી જ હોય છે. અહીં  વાત માત્ર મારી એકલીની નથી. મેં  મારા મિત્રવર્તુળ  અને મારા  સ્નેહી-સ્વજનો, માતા-પિતા  પાસેથી પણ  આવું ઘણું  સાંભળ્યું  છે. હું એમ પણ  માનું છું કે  આપણે  મોટા  થતાં હોઈએ છીએ ત્યારે  આપણા મા-બાપની  લાગણીઓને ઠોકરે ચડાવીએ છીએ,  તેની કદર નથી કરતાં.  પરંતુ મોટા થયા પછી  આપણે તેમના સંબંધો કેટલા જટિલ છતાં સંવેદનશીલ હતાં અને તેમણે પોતાના સંબંધો શી રીતે જાળવી રાખ્યાં  તેની અનુભૂતિ   થાય  છે.  કેટલીક વખત  પતિ-પત્નીના  સંબંધોમાં  તિરાડ પણ પડતી હોય  છે.  તેમના માટે પોતાના સંબંધો  જાળવવાનું અઘરું થઈ પડે  છે. 

રોમાન્સની  વાત  ચાલી રહી છે ત્યારે  ભૂમિને  જો રોમાન્ટિક  ફિલ્મ કરવી  હોય તો  કયા અભિનેતા  સાથે આવી  મૂવી કરવાનું  પસંદ કરે?  આના  જવાબમાં  ભૂમિ કહે છે  કે, નિ:શંકપણે શાહરૂખ ખાન. આ  અભિનેતા  રોમાન્સનો  બાદશાહ છે.

ભૂમિ હવે  ઈમરાન  ખાન સાથે એક  મઝાની  રોમાન્ટિક  ફિલ્મમાં આવવાની  છે.  જો કે આ  સિનેમા  વિશે વધુ કંઈ કહેવા રાજી નથી. તે માત્ર એટલું જ કહે છે કે ઈમરાન ખાન માટે રોમકૉમ  જોનર માટે પરફેક્ટ  કમબેક ગણાય. અગાઉ  તે  ફિલ્મોમાં પૂરેપૂરો  સક્રિય  હતો ત્યારે  તેણે આ પ્રકારની  ફિલ્મો જ વધુ  કરી હતી.  એક તબક્કે તે મને બહુ ગમતો.  મારા માટે તો 'જાને તૂ યા જાને ના'  ફિલ્મ એક ટ્રાન્સફોર્મેશન  સમાન હતી.